સાયલામાં ૪ ઈંચ, મુળી, ચોટીલામાં સાડા ત્રણ ઈંચ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં ત્રણ ઈંચ, લીંબડી, બરવાળા, સિંહોરમાં અઢી ઈંચ, ચુડા, લખતર, હળવદ, મોરબી, ટંકારા, બોટાદ, રાણપુર, વલ્લભીપુરમાં બે ઈંચ વરસાદ
સવારથી અનેક સ્થળોએ વરસાદ ચાલુ
સૌરાષ્ટ્રમાં મુરઝાતી મોલાત પર કાચુ સોનું વરસ્યુ છે. શુક્રવારે સૌરાષ્ટ્રભરમાં શ્રીકાર વર્ષાના કારણે લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં હળવા ઝાપટાથી લઈ અનરાધાર ૪ ઈંચ સુધી વરસાદ વરસી ગયાના અહેવાલ મળી રહ્યા છે.
અનેક જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. ચોટીલા તાલુકામાં ૮૭ મીમી, ચુડામાં ૪૫ મીમી, દસાડામાં ૪૦ મીમી, ધ્રાંગધ્રામાં ૭૧ મીમી, લખતરમાં ૫૨ મીમી, લીંબડીમાં ૬૫ મીમી, મુળીમાં ૮૭ મીમી, સાયલામાં ૧૦૬ મીમી, થાનગઢમાં ૪૧ મીમી અને વઢવાણમાં ૭૪ મીમી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં આજસુધીમાં મોસમનો કુલ ૩૪.૭૪ ટકા વરસાદ પડી ગયો છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં પણ શુક્રવારે વણદેવે વ્હાલ વરસાવ્યું હતું. ગોંડલ તાલુકામાં ૨૮ મીમી, જામકંડોરણામાં ૬ મીમી, જસદણમાં ૩૭ મીમી, કોટડાસાંગાણીમાં ૨૫ મીમી, લોધીકામાં ૨૦ મીમી, પડધરીમાં ૨૭ મીમી, રાજકોટમાં ૪૦ મીમી, વિંછીયામાં ૩૪ મીમી વરસાદ પડયો હતો. આ સાથે રાજકોટ જિલ્લામાં મોસમનો ૪૩.૮૯ ટકા વરસાદ વરસી ગયો છે.
મોરબી
મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હળવદ તાલુકામાં ૪૪ મીમી, માળીયા મિંયાણામાં ૩૬ મીમી, મોરબીમાં ૪૯ મીમી, ટંકારામાં ૪૬ મીમી અને વાંકાનેરમાં ૩૯ મીમી વરસાદ વરસી ગયો છે. મોરબી જિલ્લામાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો ૩૬.૪૮ ટકા વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
જામનગર
જામનગર જિલ્લામાં પણ શુક્રવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ધ્રોલ તાલુકામાં ૧૧ મીમી, જામનગરમાં ૧૯ મીમી, જોડિયામાં ૨૮ મીમી, કાલાવડમાં ૩૭ મીમી, લાલપુરમાં ૮ મીમી વરસાદ પડયો હતો. જામનગર જિલ્લામાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી ૪૪.૫૪ ટકા વરસાદ વરસી ગયો છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં આજે સવારે ૮:૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી તાલુકામાં ૩૦ મીમી, બાબરામાં ૩૬ મીમી, બગસરામાં ૯ મીમી, ધારીમાં ૫ મીમી, જાફરાબાદમાં ૪ મીમી, ખાંભામાં ૫ મીમી, લાઠીમાં ૨૫ મીમી, લીલીયામાં ૨૮ મીમી, રાજુલામાં ૧૨ મીમી, સાવરકુંડલામાં ૫ મીમી અને વડીયામાં ૧૨ મીમી વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો ૭૦.૭૭ ટકા વરસાદ પડયો છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં પણ શુક્રવારે શ્રીકાર વર્ષા થવા પામી હતી. ભાવનગર શહેરમાં ૩૮ મીમી, ગારીયાધારમાં ૧૭ મીમી, ઘોઘામાં ૩૧ મીમી, જેસરમાં ૧૩ મીમી, મહુવામાં ૧૧ મીમી, પાલિતાણામાં ૨૯ મીમી, સિંહોરમાં ૫૮ મીમી, તળાજામાં ૨૧ મીમી, ઉમરાળામાં ૪૧ મીમી અને વલ્લભીપુરમાં ૫૧ મીમી વરસાદ પડયો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૩.૦૪ ટકા વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.
બોટાદ
બોટાદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. બોટાદમાં ૪૫ મીમી, બરવાળામાં ૬૪ મીમી, ગઢડામાં ૩૫ મીમી અને રાણપુરમાં ૪૫ મીમી વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાને બાદ કરતા શુક્રવારે અન્ય ૭ જિલ્લામાં સંતોષકારક વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કયાંક ધીંગીધારે તો કયાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં મોસમનો ૬૪.૦૫ ટકા વરસાદ
૨૦ દિવસના લાંબા અંતરાળ બાદ રાજયભરમાં વરસાદની પુન: પધરામણી થતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. આજ સુધીમાં રાજયમાં મોસમનો કુલ ૬૨.૦૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર આજસુધી ૬૪.૦૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
વર્ષ ૧૯૮૮ થી ૨૦૧૭ સુધીની એવરેજ જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ ૬૭૯ મીમી વરસતો હોય છે. આજસુધીમાં સૌરાષ્ટ્રમાં ૪૩૫ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. જે સીઝનનો કુલ ૬૪.૦૫ ટકા જેવો થવા પામે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ૧૩૨.૨૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જયારે સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ૩૪.૭૪ ટકા જ પડયો છે.