નેશનલ હાઇવે ઓથોરિટી ની શંકાસ્પદ ભૂમિકા : ઠેક ઠેકાણે તોડવામાં આવેલા ડિવાઇડરોના કારણે ગંભીર અકસ્માતો થવાની ભીતિ
વાંકાનેર તાલુકામાં વાંકાનેર બાઉન્ડ્રી થી ઢુવા સુધી નેશનલ હાઇવે નંબર ૨૭ આવેલ છે આ હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવે પેટ્રોલિંગ વાન અને સ્ટાફ પણ ફાળવવામાં આવેલ છે જેને આ હાઇવેની સાફ-સફાઈ તેમજ હાઇવે રીપેરીંગની જાણ કરી તેનું મેન્ટેનન્સનુ કાર્ય કરવાનું છે પરંતુ આ પેટ્રોલિંગ સ્ટાફ દ્વારા ફક્ત ડીઝલનો ધુમાડો કરી હાઈવે જાળવણીની કોઈ કામગીરી કરવામા આવતી ન હોવાનું જાણવા મળેલ છે.વાંકાનેર બાઉન્ડ્રી થી લઇ વાંકાનેર સુધી જોવામાં આવે તો વચ્ચે આવતી હોટલો અને પેટ્રોલ પંપો પર રસ્તામાં અનેક જગ્યાએ વચ્ચેના ડિવાઈડર તોડીને અંદર આવવા માટેનો સરળ રસ્તો બનાવેલ છે જે ગેરકાયદેસર છે અને વાહન ચાલકોને ગંભીર અકસ્માત થવાની સંભાવના રહે છે તેમ છતાં આવા ગેરકાયદેસર છીંડા બંધ કરવાનું આ પેટ્રોલિંગવાળાને દેખાતું નથી. વાંકાનેર શહેરની વાત કરીએ તો જ્યારે નેશનલ હાઇવે બન્યો ત્યારે વાંકાનેર શહેરમાંથી પસાર થતા રસ્તા અને સર્વિસ રોડ પર લોખંડની જાળી ફીટ કરવામાં આવેલ જેથી કોઈ ગંભીર અકસ્માત ન થાય પરંતુ હોટલો અને દુકાનવાળાઓએ આ લોખંડની જાળી કાઢી નાખી અને ભંગારમાં વેચી આપેલ હોવા છતાં આજદિન સુધી હાઈવે ઓથોરિટીએ કોઇ કાર્યવાહી કરેલ નથી જે શંકાસ્પદ છે કે હાઇવે ઓથોરીટીનો માલ સામાન ચોરાઈ રહ્યો હોય છતાં પણ કેમ પેટ્રોલિંગ વાન ને આ દેખાતું નથી ? વાંકાનેર શહેર અને મીલ પ્લોટ, રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ મચ્છુ નદીના બ્રિજ પર સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, સ્કૂલવાન, સ્કૂલ બસ, અને નેશનલ હાઇવેનું ટ્રાફિક રહેતું હોય અને આ અતિ વ્યસ્ત હાઈવે હોવા છતાં આ બ્રિજ પર ઘણાં સમય પહેલા એક એકસીડન્ટ માં આ બ્રિજ ડેમેજ થયેલ હોય નેશનલ હાઇવે દ્વારા આડસ મુકવામાં આવેલ પરંતુ આજદિન સુધી તેને રિપેરિંગ કરવામાં આવેલ નથી અહીં વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં નીકળતા હોય ત્યારે ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેલ હોય તાત્કાલીક રીપેરીંગ કરવું અતિ આવશ્યક છે. વાંકાનેર ટોલનાકાથી આગળ ગંગા સિરામિક પાસે નેશનલ હાઈવે વચ્ચેથી કાપવા માં આવેલ છે જ્યાં ઘણી વખત ગંભીર અકસ્માતો થવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ રોડ પર ડિવાઈડર બંધ કરવામાં આવતું નથી આની રજૂઆતો અનેક વખત મામલતદાર અને કલેક્ટરને પણ કરવામાં આવેલ છે. ભાયાતી જાંબુડિયા ગામ સામે નવું બનતું એક સિરામિક યુનિટ દ્વારા નેશનલ હાઈવે પર કાંટાળી વાડ કરવામાં આવેલ હોવા છતાં તેના પર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. આ ઉપરાંત ઢુવા પાસે આવેલ ૨૦ નાલા તરીકે ઓળખાતો બ્રિજ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી બંધ હોય તેને રીપેરીંગ કરવાની કોઈ કાર્યવાહી ન કરી અને આ ફોરટ્રેક રસ્તો હોવા છતાં ફક્ત એક જ બ્રિજ ચાલુ હોય કોને છાવરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ કાર્યવાહી નથી કરતું તે પ્રશ્નો ઉદ્ભવે છે ? અને હા આપણે અહીં સાફ-સફાઈની કોઈ ચર્ચા નથી કરતા કારણ બધા વાહનચાલકોને તે સ્પષ્ટ દેખાઈ આવે છે કે કેટલી સફાઈ છે !!!?