તાજેતરમાં ઓખા નગરપાલિકા વિસ્તારમાં પાલિકા પ્રમુખ વંદનાબેન વિઠલાણીની અથાગ મહેનતથી રાજય સરકારની જંગી ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ શૈક્ષણિક સંકુલ ઓખા હાઈસ્કુલ તથા નગરપાલિકાની પેટા કચેરીનું લોકાર્પણ સાંસદ પુનમબેન માડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમયે ધારાસભ્ય પબુભા માણેક, ઓખા નગરપાલિકાના તમામ સદસ્યો, પદાધિકારીઓ, પક્ષના હોદેદારો, અગ્રણીઓએ આ વિસ્તારને અંતિમ યાત્રા બસની સુવિધાની તાતી જરૂરીયાત છે તેવી રજુઆત કરી હતી જે બાબતની ગંભીરતાને લઈને પૂનમબેન માડમે તાત્કાલિક આ વિસ્તારમાં અંતિમયાત્રા બસની સુવિધા માટે રૂ.૩૦ લાખની નોંધપાત્ર રકમની ગ્રાન્ટની ફાળવણી જાહેરાત કરતા ઓખાની પ્રજામાં હર્ષની લાગણી પ્રસરી હતી. આ પંથકમાં અંતિમ વિસામા માટે તીર્થનગરી દ્વારકા ક્ષેત્રના ગોમતીઘાટનું ખુબ જ મહત્વ છે
ત્યારે નાજુક સમયમાં સ્વજનોને અંતિમ વિદાય માટે ત્યાં પહોંચવા આ વિસ્તારની કાયમી વ્યવસ્થા અત્યંત આવશ્યક છે આવા સંજોગોમાં હાલ જે જુની બસ હતી તેની આયુષ્ય પુરી થઈ ગઈ છે અને આવષ્યક સેવા અટકી પડયા જેવી પરિસ્થિતિ સર્જાય હતી ત્યારે આવા સમયે સાંસદ પુનમબેન માડમે પોતાની ગ્રાન્ટમાંથી તાત્કાલિક અંતિમ યાત્રા બસ ફાળવી હતી. ઓખા પાલિકા પ્રમુખ વંદનાબેન વિઠલાણીએ આ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે, પુનમબેન માડમ હંમેશા લોકોની પાયાની અને તાતી જરૂરીયાત માટે ગ્રાન્ટ ફાળવવામાં હંમેશા તત્પરતા દાખવી છે. જે તેમની લોકપ્રિયતાની એક આદર્શ પરાશીશી છે.