કઠોળના પાકના નાના-નાના છોડવાના મૂુળ કોહવાઇ ગયા શાકભાજીના છોડ પણ કોહવાઇ જતાં ખેડૂતોને આર્થિક ફટકો
વલસાડ જીલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે. ભારે વરસાદને કારણે ખાસ કરીને કઠોળ અને શાકભાજીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. શાકભાજીના પાકને નુકશાન થવાને કારણે બજારમાં શાકભાજીના ભાવો પણ આસમાને જતાં ગૃહિણીઓનો કકડાટ ચરમસીમાંએ પહાચ્યો છે.
વલસાડ જીલ્લામાં જુલાઈ મહિનામાં મેઘરાજાએ મહેર વરસાવતા છેલ્લા ૨૦ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો હવે ચિંતિત બન્યા છે. ભારે વરસાદને કારણે ખાસ કરીને કઠોળ અને શાકભાજીના પાકને ભારે નુકશાન થયું છે. અળદ, તુવેર સહિતના પાકોનું વલસાડ જીલ્લામાં મોટાપાયે વાવેતર થાય છે. પરંતુ ભારે વરસાદને કારણે કઠોળના પાકના નાના-નાના છોડવાના મૂળ કોહવાઈ જતાં મરણના આરે પહોંચ્યા છે. તો શાકભાજીના છોડો પણ ભારે વરસાદમાં કોહવાઈ જતાં શાકભાજીના ઉત્પાદનમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. જેને કારણે બજારમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચી જતાં ગૃહિણીઓના માસિક બજેટમાં તેની સીધી અસર થઈ રહી છે. તો ખેડૂતો પણ પાકને થયેલા નુકશાનને લઈ ચિંતિત બન્યા છે.
ડુમલાવના ખેડૂત પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે કઠોળનો પાક નિષ્ફળ થઈ ગયો છે. આ વર્ષે કઠોળનો પાક વધુ આવવાની ખેડૂતોએ આશા સેવી હતી. પરંતુ ભારે વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે.
કપરાડાના પાંડુભાઈએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં ખેડૂતો શાકભાજીની સાથે ડાંગર અને નાગલીના પાક મેળવવા વિશેષ ધ્યાન આપે છે. પરંતુ એકધારા પડેલા વરસાદને કારણે પાકને ભારે નુકશાન થવાથી ખેડૂતોએ આર્થિક નુકશાન ભોગવાનો વારો આવ્યો છે.