નાનામવા સર્કલ સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સરપ્રાઈઝ વિઝીટ લેતા ઉદય કાનગડ
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ ખાતે આવેલા કોર્પોરેશનના મલ્ટી એકટીવીટી સ્ટેશન સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. શહેરની મુખ્યબજારો અને રાજમાર્ગો પર રેકડી સહિતના દબાણ ખડકી ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જતા દબાણકર્તાઓ પર તુટી પડવા તેઓએ જગ્યા રોકાણ શાખાને આદેશ આપી દીધો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે તેઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. શહેરની જયુબેલી, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ માર્કેટ, પ્રહલાદ રોડ, લાખાજીરાજ રોડ, કંસારા બજાર, સોની બજાર, ગુંદાવાડી સહિતની મુખ્ય બજારોમાં રેકડી અને પાટ પાથરણાના દબાણના કારણે વેપારીઓને ધંધો કરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીક બજારોમાં રેંકડીવાળાઓની દાદાગીરીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન સીસીટીવી કેમેરાના ફુટેજ પરથી તે વાત નિશ્ચીત જણાતી હતી કે રેકડીઓ અને પાટ પાથરણાવાળા દબાણના કારણે મુખ્ય બજારો અને રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અમુક જગ્યાએ તો રાહદારી પણ પસાર ન થઈ શકે એટલી હદે દબાણ ખડકાઈ ગયેલા જોવા મળે છે ત્યારે આજે દબાણ હટાવ શાખાના અધિકારીને એવી સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી છે કે શહેરના મુખ્ય રાજમાર્ગો અને બજારોમાં દબાણ કરનાર તત્વો પર તુટી પડો.
કોર્પોરેશનના શાસકો ગરીબોને હેરાન કરવા ઈચ્છતા નથી. રેંકડીવાળા પણ શાંતીથી ધંધો કરી શકે તે માટે અલગ-અલગ વિસ્તારોમાં હોકર્સ ઝોન બનાવવામાં આવ્યા છે અને હજી જરૂર પડશે તો હોકર્સ ઝોન બનાવવામાં આવશે પરંતુ રાજમાર્ગો અને મુખ્ય બજારોમાં દબાણ કરનાર શખ્સોને કયારેય બક્ષાશે નહીં. આગામી દિવસોમાં બજારો અને રાજમાર્ગોને દબાણમુકત કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.