પલસાણા તાલુકાના બગુમરા ગામેથી લૂંટમાં પકડાયેલા સોનું ઉર્ફે હનીસીંગની પિસ્તોલ અને કારતુસ રીક્ષાચાલક મિત્ર રજન ગીલડીયાલ પાસે હતા
પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં નહેરના પાણીમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ ફેંકવા આવેલા યુવાનને ફલો સ્કોર્ડની ટીમે દબોચી લીધો હતો. પોલીસે લૂંટના ગુનામાં પકડેલો શખ્સ હાલમાં લાજપોર જેલ છે. જેણે છ માસ અગાઉ પકડાયેલા શખ્સને પિસ્તોલ અને જીવતા કારતુસ આપેલા હતા. જે નહેરમાં ફેંકી દેવા કહ્યું હતું.
સુરત જિલ્લા પેરોલ ફલો સ્કોર્ડના હે.કો. શૈલેષમાનસિંહ અને પો.કો. જગદીશ અંબાજીને બાતમી મળતા પોલીસ ટીમે બારડોલીથી કડોદરા જતા રોડ પર બગુમરા ગામે બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવી હતી.
તે સમયે રીક્ષામાં આવેલો શખ્સ નહેર પાસે જઈ આમતેમ શંકાસ્પદ હીલચાલ કરતા પોલીસ ટીમે દબોચી લીધો હતો. પોલીસે પકડેલા રજત કિરણભાઈ ગીલડીયાલ (ઉ.વ.૨૨, હાલ રહે, કડોદરા ચાર રસ્તા, થાણા-હરીદ્વાર, ઉત્તરાચંલ) ની અંગજડતી લેતા બનાવટની દેશી પિસ્તોલ, ખિસ્સામાંથી બે જીવતા કારતુસ અને ખાલી મેકઝીન મળી આવ્યા હતા.
પોલીસે રજત ગીલડીયાલની પુછતાછ કરતા જાણવા મળ્યું કે, સોનું ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે હનીસીંગ સાથે મિત્રતા છે. રજત રીક્ષા ચલાવે છે. છ માસ અગાઉ સોનુએ રજતને દેશી હાથ બનાવટની પિસ્તોલ અને કારતુસ આપેલા હતા. બાદમાં સોનું લૂંટના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
રજત થોડા દિવસ અગાઉ લાજપોર જેલમાં સોનુંને મળવા ગયો ત્યારે પિસ્તોલનું શું કરવાનું ? તેમ પુછતા ગ્રાહક મળે તો વેચી દેજે અથવા બગુમરા ખાતે નહેરમાં ફેંકી દેજે તેમ કહ્યું હતું. ગ્રાહક નહીં મળતા રજન પિસ્તોલ અને કારતુસ નહેરના પાણીમાં ફેંકી દેવા આવતા પોલીસે દબોચી લીધો હતો. રજની કબુલાત આધારે પોલીસે સોનુને વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ પી.એન.ઝીંઝુવાડીયાએ સોનુની લાજપોર જેલમાં પુછતાછ કરવા જવાની કાર્યવાહી હાથ ધરી છે.