કોંગ્રેસમાં જોડાવાનો મારો કોઈ ઈરાદો નથી હું લોકસભા ચૂંટણી નહીં લડુ: ઈન્દ્રનીલ
તાજેતરમાં કોંગ્રેસને અલવીદા કહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ રાજકીય પક્ષોથી દૂર રહી સેવાકીય પ્રવૃતિ કરતા રહેવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. અાજરોજ તેમને સમાજના આગેવાનોએ મળીને સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો. આ તકે ઈન્દ્રનીલ રાજયગુરુએ કહ્યું હતું કે, હું સેવાકીય પ્રવૃતિમાં સક્રિય રહીશ અને સાચી વાતને મજબૂત રીતે રજૂ કરીશ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સારી વાત રજૂ કરવા કોઈ પ્લેટફોર્મ જોઈએ એવી વાત હું જરૂરી માનતો નથી. લોકોની સુવિધા હોય કે ગરીબોની વાત હોય હું લડાઈ લડતો રહીશ થોડા દિવસી મારો ફોન બંધ હતો એટલે હજુ કોઈ આગેવાનો સાથે વાત થઈ નથી, આજે મેં ફોન ચાલુ કર્યો છે. જો વાત મજબૂત રીતે મુકવાની ક્ષમતા હોય તો બીજા કોઈ પ્લેટફોર્મની જરૂર રહેતી નથી. હું રાજકીય દબાણ નીચે નહીં પરંતુ મારે જે કરવું છે તે રીતે જ કામ કરુ છું.
હું મારો બિઝનેશ અને ઘર મુકીને લોકસેવા માટે રાજકારણમાં આવ્યો છું અને મારો સમય પક્ષની અંદરો અંદરની ખટપટમાં વ્યતીત થતો હતો. જેથી મારે નારાજગી વ્યકત કરી રાજીનામુ આપવું પડયું હતું. આવી મુશ્કેલી મેં ઘણી વખત શક્તિભાઈ પાસે વ્યકત કરી હતી. કોંગ્રેસમાં જોડાવાની મારી કોઈ યોજના નથી. હું લોકસભાની ચૂંટણી બિલકુલ નથી લડવાનો, લોકસેવા ચૂંટણી જીતીને જ થઈ શકે તેવું જરૂરી નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મને લોકસેવા માટે પ્લેટફોર્મ અને હોદ્દાે મળે તે માટે હું કોંગ્રેસમાં જોડાયો હતો. પરંતુ ત્યાં આ શકય બન્યું નહીં. મારો સમય ખોટી રીતે બગડતો હતો. હવે હું લોકસેવાની વાત મજબૂત રીતે રજૂ કરી શકીશ. તેમણે કુંવરજીભાઈ બાવળીયા અંગે કહ્યું હતું કે, કોંગ્રેસને કુંવરજીભાઈની વિદાયી ઘણો ફાયદો થશે. કારણ કે તેઓ કોંગ્રેસનો ઉપયોગ કરી તાકાતવર બન્યા અને અંતે ભાજપ સાથે સોદો કરી નાખ્યો. કોંગ્રેસને પાડવાની આ તેમની ચાલ હતી.