ખાનગી સ્કૂલોમાં બેફામ ફી વધારાના મુદ્દે અધિકારીને તેમની કેબીનમાં ગોંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ
ખાનગી શાળાઓના બે ફામ ફી વધારા સામે સરકારની ઢીલી નીતિનો વિરોધ કરવા ગયેલા એનએસયુઆઇના કાર્યકર્તાઓએ શિક્ષણાધિકારીની કચેરીને તાળુ મારી દીધું હતુ. જેના પગલે સરકારી કામગીરીમાં દખલ કરવા બદલ શિક્ષણાધિકારીએ એનએસયુઆઇના પ્રમુખ અને અન્ય સાથીદારો વિરુદ્ધ પોલીસે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ શિક્ષણાધિકારીની કચેરીમાં ખાનગી શાળાની મનમાનીનો વિરોધ કરવા ગયેલા એનએસયુઆઇ (યુથ કોંગ્રેસ)ના વલસાડના કાર્યકર્તાઓએ શિક્ષણાધિકારીની કચેરીને તાળુ મારી દીધું હતુ. આ સમયે ઓફિસમાં સરકારી કર્મચારી આશાબેન ચૌધરી, સંદિપભાઇ પટેલ, સુનિલભાઇ બાબુલ અને સુનિલભાઇ શિક્ષણાધિકારી બી. એન. પટેલ સાથે મિટીંગ કરી રહ્યા હતા. આ સમયે તાળુ મારી કાર્યકર્તાઓએ સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના સંદર્ભે શિક્ષણાધિકારી બી. એન. પટેલે વલસાડ સિટી પોલીસ મથકે એનએસયુઆઇના પ્રમુખ ભટ્ટ અને તેમના અન્ય કાર્યકર્તાઓ વિરુદ્ધ સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવા સામે સિટી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેના પગલે પોલીસે આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ફોટાના આધારે ઓળખ કરી કાર્યકર્તાઓની ધરપકડ કરાશે