ચોર્યાસીમાં સૌથી વધુ ૫.૫ ઇંચ, કામરેજમાં ૪, પલસાણામાં ૩, બારડોલી-મહુવામાં ૩-૩ ઇંચ વરસાદથી ખેડૂતોમાં આનંદ
ચોમાસાની શરૃઆત આજથી જ થઇ હોઇ તેમ આજે આખો દિવસ કાળા ડિંબાગ વાદળો સાથે દેમાર વરસાદ વરસતા સુરત જિલ્લામાં એક ઇંચ થી લઇને સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ થઇ હતી. આજે આખો દિવસ સરેરાશ ૨.૬૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.ખેતીલાયક વરસાદ થતા ખેડુતો પણ ખુશ થઇ ઉઠયા હતા.આખો જુન મહિનો વરસાદ માટે લોકો તરસ્યા બાદ જુલાઇ મહિનાની શરૃઆત થી જ મેઘરાજા આક્રમક બનીને વરસવાનું શરૃ કર્યુ છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૃ થયો હતો.પહેલીવાર એક સાથે સુરત શહેર અને જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદી પાણી પડયુ હતુ. આજે સવારે છ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં સૌથી વધુ ચોયાર્સી તાલુકામાં ૫.૫ ઇચ, કામરેજ અને સુરત શહેરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરત શહેરમાં આખો દિવસ મેઘરાજા રમઝટ બોલાવતા ઠેરઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતા. વરસાદના કારણે ટ્રાફિક જામ થવાના પણ અનેક બનાવો બન્યા હતા. આખો દિવસ સુરત શહેરમાં વરસાદના કારણે જનજીવનને પણ અસર પડી હતી.આજે દિવસના સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકા થઇને કુલ વરસાદ ૬૭૧ મિ.મિ સરેરાશ ૨.૬૮ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ ગરમીથી છુટકારો મળતા હાશકારો લીધો હતો. તો જિલ્લામાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતીપાકને લઇને ખેડુતોને ખુશ થઇ ઉઠયા હતા. આગામી ૪૮ કલાકમાં સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સુરત શહેર અને જિલ્લામાં આગામી ૪૮ કલાકમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી થતા જ સુરત જિલ્લા કલેકટરે સાવચેતીના પગલાં લેવા માટે તમામ મામલતદારો અને પ્રાંત ઓફિસરોને સુચના આપી દીધી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.તો ૫-૭-૧૮ થી ૮-૭-૧૮ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ આગાહીના પગલે સુરત જિલ્લા કલેકટરે તમામ મામલતદારો, પ્રાંત ઓફિસરો, લાયઝન ઓફિસરો તથા નોડલ ઓફિસરોને સાવચેતના જરૃરી પગલાં લેવા અને તાત્કાલિક જાણ કરવા આદેશ કર્યો છે.