સશક્ત રાષ્ટ્રનિર્માણ માટે ખેલકૂદના માધ્યમથી સર્વાંગી વિકાસ સાધવા યુવાનોને રાજુભાઈ ધ્રુવનો અનુરોધ
ભાઈઓની સ્પર્ધામાં વાલ્મિકી સમાજની સરદાર બ્રીજ કબડ્ડી સ્પોર્ટ્સ ટીમ અને બહેનોમાં તાપીની ટીમ વીજેતા
ખેલે ગુજરાત; જીતે ગુજરાત તેમજ ખેલેં ઇન્ડિયા જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેલકૂદ પ્રોત્સાહક યોજનાઓનો યુવા વર્ગ દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લઇ રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન થાય છે તે ખુબ જ આનંદની બાબત છે. ખેલકૂદ દ્વારા યુવાનોનો સર્વાંગી વિકાસ થાય છે જે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે પણ આવશ્યક છે. તેમ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી અખિલ ગુજરાત ઓપન ઇન્વીટેશન કબડ્ડી ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગે જણાવ્યું હતું.
અમદાવાદ ખાતે સરદાર બ્રીજની બાજુમાં અને સાબરમતી નદીના કિનારે મહાકાળી શક્તિપીઠ વાલ્મિકી સમાજના ભાઈઓ દ્વારા ૬૫ વર્ષોથી કાર્યરત સરદાર બ્રિજ કબડ્ડી સ્પોર્ટ્સ ક્લબ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે, ત્રણ દિવસ ભાઈઓ/બહેનો માટે અખિલ ગુજરાત ઓપન ઇન્વીટેશન કબડ્ડી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ નું મંગલ દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન રાજ્યસભા સભ્ય મહંત શંભુપ્રસાદ ટૂંડીઆ તથા અતિથિ વિશેષ કેન્દ્રિય સફાઈ કર્મચારી આયોગ ના ચેરમેન મનહરભાઈ ઝાલા તથાઆ સમગ્ર ટુર્નામેન્ટ ના અધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ દ્વારા કરવા માં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં ભાઈઓમાં વાલ્મીકી સમાજની સરદાર બ્રીજ કબડ્ડી સ્પોર્ટ્સ ક્લબ પ્રથમ, વડોદરા ટીમ દ્વિતીય, સુરત ગ્રામ્ય ટીમ તૃતીય અને અમદાવાદની સુભાસ સ્પોર્ટસ ટીમ ચતુર્થ સ્થાને વિજેતા થઇ હતી. જયારે બહેનોમાં પ્રથમ તાપી, દ્વિતીય આણંદ, તૃતીય વડોદરા અને ચતુર્થ સ્થાને કચ્છ ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમો તેમજ સ્પર્ધામાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તથા રોકડ પુરસ્કાર એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતાં.
આ ટુર્નામેન્ટમાં સમાપન સમારોહના અધ્યક્ષસ્થાનેથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કબડ્ડી સ્પર્ધાના સુંદર આયોજન માટે આયોજકોને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા હતાં. વ્યક્તિત્વ વિકાસ માટે બહેનોએ ખેલકૂદના માધ્યમની પસંદગી કરી એ બદલ તેમણે ભાગ લેનાર તમામ બહેનોને પણ ઉમળકાભેર અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓને ખુબ જ પ્રોત્સાહન આપી રહી છે.
ધૃવે વધુમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આર્થિક સંપન્નતા ન હોવા છતાં, વાલ્મિકી સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ટાંચા સાધનો વચ્ચે ભારતીય દેશી રમતની સ્પર્ધાનું સફળ આયોજન કર્યું તે બદલ સરદાર બ્રીજ કબડ્ડી સ્પોર્ટસ ક્લબ અત્યંત અભિનંદનને પાત્ર છે. વાલ્મિકી ક્લબના રમતવીરો સ્પોર્ટસમેન સ્પીરીટ સાથે રમત-ગમતમાં તલ્લીનતા, ખુમારી અને ઝનૂન સાથે રમીને પ્રથમ નંબરે વિજેતા થયા તે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. સરકારની ખેલકુદ પ્રોત્સાહક નીતિ નો વધુ માં વધુ લાભ લઇ યુવાનો-યુવતીઓને પોતાનું સર્વાંગી ઘડતર રમત ગમત ના માધ્યમથી કરવા અનુરોધ કર્યો હતો. અતિથિ વિશેષપદેથી સુરેશભાઈ મકવાણાએ ટુર્નામેન્ટના આયોજન બદલ સરદાર બ્રીજ કબડ્ડી સ્પોર્ટસ ક્લબ તેમજ વિજેતા ટીમોને અભિનંદન આપ્યા હતા.
ગુજરાત સ્ટેટ કબડી એસોસિએશન ના સેક્રેટરી દિનેશભાઈ ૫ટેલે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાઈઓની ૩૨ ટીમો અને બહેનોની ૧૮ ટીમોએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં સહયોગ આપનારા અધિકારીઓ, કોચ, રેફરી વિગેરે સહુનો તેમણે આભાર માન્યો હતો. કાર્યક્રમની સફળતા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ ૫રમાર, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સહકાર મંત્રી ઈશ્વરસિહ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.