૧૪ વર્ષિય મિહિર ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવનાર દુનિયાનો સૌથી વધુ વજન ધરાવતો ટીનેજર
મોટા પ્રમાણના લોકોની મેદસ્વીતાનું કારણ જંકફુડ હોય છે. પિઝા-પાસ્તા અને બહારના ખોરાકના વલણને કારણે લોકો અનેક બિમારીઓનો ભોગ બનતા હોય છે. સામાન્ય માણસની બીએમઆઈ એટલે કે વજન અને હાઈટનો રશિયો ૨૨.૫ કિલો હોય છે. જો આ આંકડો ૩૨.૫ થાય તો વ્યકિતને મેદસ્વી ગણવામાં આવે છે પરંતુ જાણીને આશ્ર્ચર્ય થશે કે ૧૪ વર્ષિય બાળકનું બોડી માસ ઈન્ડેકસ ૯૨ હતું.
તાજેતરમાં જ દિલ્હીના ઉતર નગરમાં રહેતા ૧૪ વર્ષિય મિહિર જૈનને મેકસ હોસ્પિટલમાં વેઈટ લોસ સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો હતો તે ઉભો પણ નહોતો રહી શકતો. સારવાર શરૂ થઈ ત્યારે તેનું વજન ૨૩૭ કિલો હતું. મિહિરની સર્જરી કરનાર ડોકટર પ્રદિપ ચૌબે કહે છે કે મિહિરની સર્જરી વખતે તેનું વજન ૨૩૭ કિલો હતું. ગેસ્ટ્રિક બાયપાસ સર્જરીમાં મિહિર દુનિયાનો સૌથી વધુ વજન ધરાવતો ટીનેજર છે. ડોકટર કહે છે કે મે જયારે તેને પહેલીવાર જોયો મને વિશ્ર્વાસ ન હતો કે હું તેનુ સફળ ઓપરેશન કરી શકીશ.
મિહિરની માતા પુજા જૈન કહે છે કે, મિહિરનો જન્મ થયો ત્યારે તેનું વજન ૨.૫ કિલો હતું પરંતુ પછીથી તેનું વજન વધવા લાગ્યું. પાંચ વર્ષની ઉમરમાં તેનું વજન ૬૦.૭૦ કિલો થઈ ચુકયું હતું. પુજા કહે છે કે, અમારા પરિવારના મોટાભાગના લોકો ઓવરવેટ છે માટે અમે પહેલા આ વાતને ગંભીરતાથી લીધી ન હતી પરંતુ એક સમય એવો આવ્યો કે તે જાતે ચાલી શકતો પણ ન હતો.
બીજા ધોરણ પછી તેણે સ્કૂલ છોડવી પડી માટે હું તેને ઘરે ભણાવતી. ૨૦૧૦માં જો ડોકટરનો સંપર્ક કર્યો પરંતુ સર્જરી માટે તેની ઉંમર ખુબ નાની હતી. મિહિર કહે છે કે હું મોટાભાગે ઘરે જ રહેતો અથવા સુઈ રહેતો તેણે કહ્યું કે, પાસ્તા અને પિઝા મારા ફેવરિટ છે. એપ્રિલમાં તેની સર્જરી કરવામાં આવી હતી અને તેનું વજન હાલ ૧૭૭ કિલો છે. આગામી ૩ વર્ષમાં તેનું વજન ૧૦૦ કિલો ઓછુ કરવાનો ટાર્ગેટ છે.