દર વર્ષે વરસાદનો લાભ ઉઠાવી એક કંપનીના સંચાલકો દૂષિત પાણી છોડે છે : ખાડીનું પાણી દેવધા ડેમમાં જાય છે.
ગણદેવીની પનીયારી ખાડીમાં કેમીકલ યુક્ત દુર્ગંધવાળુ પાણી છોડવામાં આવતા ખાડીની માછલી સહિત જળસૃષ્ટિ તરફડીયા મારી મરી જતાં ચકચાર મચી છે. આ વિસ્તારમાં કાર્યરત એક કંપની દર વર્ષે ભારે વરસાદનો લાભ ઉઠાવી પ્રદુષિત પાણી સીધે સીધુ ખાડીમાં છોડી દેતી હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં અધિકારીઓ પ્રદુષણ ફેલાવતી કંપનીને છાવરી રહ્યાં છે.
વિતેલા ૨૪ કલાકમાં ગણદેવી સહીત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ગણદેવીમાં ૫ ઈંચ વરસાદ વરસતા પનીહારી ખાડીમાં ઉપરવાસમાં આવેલી એક કંપની દ્વારા વરસતા વરસાદમાં કંપનીનો કેમીકલયુક્ત પેસ્ટનું પ્રદુષિત પાણી છોડી દેવામાં આવ્યું હતું. જેના લીધે ખાડીના પાણીનો રંગ કાળો થવા સાથે તેમાંની માછલીઓ જીવ-જીવાતો ટપોટપ કિનારે આવી તરફડીયા મારતાં મરી ગઈ હતી. આ દુર્ગંધ યુક્ત પાણીથી બચવા માટે કિનારા પર અસંખ્ય માછલી આવી હતી.
આ ખાડીનું પાણી આગળ દેવધા ટાઈડલ ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં એકઠું થાય છે. અને આ પાણી બીલીમોરા નગરપાલિકા અને કાંઠા વિસ્તારમાં આવેલા ગામોને પીવા માટે ફિલ્ટર કરીને અપાય છે. જેના પગલે જળસૃષ્ટિનાં નિકંદન સાથે જાહેર પ્રજાનાં આરોગ્યની સામે ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. આ બનાવ દર વર્ષે ચોમાસાનાં પ્રથમ વરસાદે બને છે. કંપની દ્વારા રાતનાં અંધારામાં વરસતા વરસાદ વચ્ચે પ્રદુષિત પાણી સીધું છોડી દેવામાં આવે છે. તેમના મતે મોટા પાણીનાં પ્રવાહ સાથે પ્રદુષિત પાણીની અસરો દેખાશે નહીં.
GPCB કંપનીને છાવરી રહી છે
આ સમગ્ર બાબતથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં નવસારી જિલ્લાનાં અધિકારીઓ બિલકુલ અજ્ઞાાત નથી. તેમને સંપૂર્ણ જાણકારી હોય છે. કોઈ રડયો-ખડયો ફરીયાદ કરે ત્યારે પાણીનાં સેમ્પલો લઈ લેબમાં મોકલવાની દેખાડો કરવા પુરતી કાર્યવાહી કરતા હોય છે. કોઈ ઠોસ કાયદેસર પગલાઓ જવાબદાર કંપની તથા તેના સંચાલકો સામે લેવામાં આવતા નથી. ટૂંકમાં વાડ ચીભડા ગળી રહી છે.