પોરબંદર યુવા ભાજપના કાર્યકર સહિતના શખ્સોએ હુમલો કર્યાના આક્ષેપ
પોરબંદર નજીક આવેલા ખાપટ ગામના રિક્ષા ચાલક યુવાન પર પાંચેક દિવસ પહેલા નાસ્તાની રેકડીએ થયેલી સામાન્ય બોલાચાલીના કારણે યુવા ભાજપના કાર્યકર સહિતના શખ્સોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાતા તેનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખાપટ ગામે રહેતા રિક્ષા ચાલક સુનિલ શશીકાંતભાઇ ભુવા નામના ૧૯ વર્ષના કોળી યુવાન તેના ભાઇ મિતેશ શશીકાંત ભુવા અને મિત્ર વિજય સવદાસ સરવૈયા પર પાંચેક દિવસ પહેલાં લક્ષ્મણ મુંજા ઓડેદરા, કિશન રાજુ મોઢવાડીયા, લાલો મેર અને નિલેશ છગન કોળી નામના શખ્સોએ ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સુનિલ ભુવાનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજતા ઘટના હત્યામાં પલ્ટાયો હતો.
સુનિલ ભુવા પોરબંદરમાં નાસ્તો કરવા ગયો ત્યારે નિલેશ છગન કોળી વચ્ચે ઝઘડો થયો હતો. નિલેશ કોળી પોરબંદર યુવા ભાજપના લક્ષ્મણ મુજાનો મિત્ર હોવાથી નિલેશ કોળીને સમજાવવાનું કહેવા ગયા ત્યારે ત્રણેય યુવાનો પર હુમલો થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.