કલાકો સુધી પાણી પુરવઠો બંધ ન કરાતા લાખો લીટર પાણીનો વેડફાટ
રાજકોટ ધોરાજીના ભૂખી ડેમ પાસે આવેલ ભાદર- ૨ ડેમની જૂથ યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ઉંચા ફુવારા છૂટ્યા હતા. બપોરના સમયે ભાદર-૨ ડેમથી લઈને સંપ સુધી જતી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો બગાડ થવા પામ્યો હતો.આ સાથે જ જવાબદાર પાણી પુરવઠાના અધિકારીઓએ પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવા છતાં સાંજ સુધી પાણી પુરવઠો બંધ ન કરતાં લાખો લીટર પાણીના બગાડ સાથે વિજપુરવઠાનો પણ વ્યય થવાં પામ્યો હતો.
ધોરાજી તાલુકાના રહેણી,નાની પરબડી,મોટી મારડ સહિતના અનેક ગામોને પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતી જૂથ યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લોકોને આગામી દિવસોમાં પાણીની મુસીબતોનો તો સામનો તો કરવો જ પડશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.તો બીજી તરફ ગુલટીબાજ પાણી પુરવઠાના કર્મચારીઓ અને અધિકારીઓના આ બનાવમાં આંખ આડા કાન થતાં જોવા મળ્યાં છે. આ સાથે ભાદર-૨ ડેમની જૂથ યોજનાની પાણીની પાઈપલાઈન પાસેથી વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થઈ હોવાથી ભોંમાં ભંડારેલ પાણીની પાઈપલાઈન બેઠી થઈ હોવાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે.અને આ બનાવમાં જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે….