સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યકક્ષાના ત્રિ-દિવસીય કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું પણ ઉદ્ઘાટન કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખેડૂત તો જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ કિસાન રથ, કૃષિ મેળા અને કૃષિ મહોત્સવ જેવી અનેક ઐતિહાસિક પહેલ કરી કૃષિ ક્ષેત્રના નિરંતર વિકાસ માટે સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે, તેમ કહીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કૃષિ મેળાનો શુભારંભ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે વાવેલા બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે. કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે, તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે, તેમ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ઉમેર્યું હતું. પ્રાકૃતિક ખેતીનો મહિમા કહી સી. આર. પાટીલે ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે જ જળસંગ્રહ અને સંચય થકી પર્યાવરણ અને આગામી પેઢીને જ્વલંત ભવિષ્ય આપવા માટે ખેડૂતોને સરકારનો સહકાર આપી અનેકવિધ યોજનાનો લાભ લેવા તાકીદ કરી હતી. સી. આર. પાટીલે પોતાના ખેડૂત તરીકેના અનુભવો વર્ણવીને કૃષિ મેળા થકી આધુનિક ખેતી પદ્ધતિ, કૃષિ ક્ષેત્રમાં નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વિવિધતા તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયો ચરિતાર્થ થતા હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું.
આ સાથે જ કૃષિ ક્ષેત્રમાં વિકાસ માટે કૃષિ યુનિવર્સિટીઓની ઉમદા કામગીરીને પણ પાટીલે બિરદાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતના ખેડૂતો મહત્વપૂર્ણ યોગદાન આપશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને સી. આર. પાટીલે પહેલાના સમયમાં કૃષિ ક્ષેત્રની દારૂણ સ્થિતિની વાત કરી હતી. છેલ્લા થોડા વર્ષોમાં કૃષિ ક્ષેત્રની વિકાસગાથા કહી કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત સૌ ખેડૂતોને અચૂક એગ્રો ટેક્ષટાઈલ પાર્ક અને વિવિધ સ્ટોલની મુલાકાત લેવા આગ્રહ કર્યો હતો. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતોનો આર્થિક ઉત્કર્ષ અને સુખાકારી સરકારના હૈયે વસેલી છે, તેમ કહીને કૃષિ મેળા જેવી ખેડૂત કલ્યાણકારી માટેની ઐતિહાસિક પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સોઈલ હેલ્થ કાર્ડ યોજના, કિસાન સૂર્યોદય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી અનેક ખેડૂત કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કૃષિ ક્ષેત્રના સર્વાંગીણ વિકાસ માટે અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોનું હિત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, તેમ કહી તેમણે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું પાક નુકસાનીના વળતરનું વચન પાળી બતાવ્યું હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. ગત જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદમાં રાજ્યના 7.15 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 1372 કરોડથી વધુની સહાય આપી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ડાંગરના પાકની નુકસાની બદલ સરકાર દ્વારા ટૂંક સમયમાં જ સહાયની જાહેરાત કરવામાં આવશે, તેવો તેમણે ખેડૂતોને વિશ્વાસ અપાવતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. વીજ બીલમાં રાહત, દિવસે વીજળી, સરળતાથી અને સત્વરે મળતું વીજ કનેક્શન, પાક નુકસાની બદલ સત્વરે સહાય જેવા અનેક ખેડૂતલક્ષી નિર્ણયોનો ઉલ્લેખ કરીને તેમણે કૃષિ સમૃદ્ધિ થકી રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધિની વાત કરી હતી. મંત્રીએ ખેડૂતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરંભેલા પ્રાકૃતિક કૃષિના મહાયજ્ઞમાં સહભાગી થઈને જાહેર આરોગ્ય તેમજ પર્યાવરણનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. જળના સંગ્રહ-સંચય થકી તેમણે ખેડૂતોને આર્થિક સમૃદ્ધિના માર્ગે ચાલવા જણાવ્યું હતું.
કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ કરવાના સરકારના નિરંતર પ્રયાસોમાં સહભાગી થવા માટે આહ્વાન કરીને મંત્રીએ ખેડૂતોને કૃષિ મેળાનો મહત્તમ લાભ લેવા આગ્રહ કર્યો હતો. કાર્યક્રમ પૂર્વે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુનિ.ના કેમ્પસમાં બનાવેલા રેઈન વોટર હાર્વેસ્ટિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બંને મંત્રીઓએ એગ્રો ટેક્ષટાઈલ સંબંધિત પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે પ્રસંગોચિત સ્વાગત પ્રવચન કરીને મહાનુભાવો સહિત સૌને આવકાર્યા હતા. કૃષિ મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, સરકારના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, ધારાસભ્ય નરેશ પટેલ, રાકેશ દેસાઈ, સસ્મીરાના પ્રમુખ મિહિર મહેતા, ભારત સરકારના ટેક્ષટાઈલ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ સક્સેના, નવસારી કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ, દક્ષિણ ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રિક અધિકારીઓ, કૃષિ ક્ષેત્ર તેમજ આત્માના અધિકારીઓ, કૃષિ સંલગ્ન વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, વિતરકો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, નવસારી કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં ત્રણ દિવસ સુધી ચાલનારા આ કૃષિ મેળામાં રાજ્યના ૨૫ હજારથી વધુ ખેડૂતોને કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે માહિતગાર કરાશે. ખેડૂતોને વિવિધ વિષયો અને ટેકનોલૉજી અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન ટેક્નોલોજીની મદદથી ખાતર છંટકાવનું નિદર્શન પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત 120થી વધુ પ્રદર્શન સ્ટોલ થકી પાકોના ઉત્પાદનની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે તેમજ વિવિધ કલ્યાણકારી ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતગાર પણ કરવામાં આવશે.