પવનની તેજ ગતિ હોય પતંગો સટાસટ હાથમાંથી સરકી: પતંગ, ફટાકડા, રાસ-ગરબા સાથે જાણે ત્રણ તહેવારની ઉજવણી મોંઘવારી, જીએસટીને નજર અંદાજ કરી પતંગ રસિકોએ ઉત્તરાયણ માણી અને દાનપુણ્યની ઝોળી છલકાવી
આખો દિવસ ધાબા ઉપર શેરડી, જીંજરા, ચીકી તો બપોરે જલ્સો: ચાઈનીઝ તુકકલ પર પ્રતિબંધ હોય સાંજ સુમસામ બની
સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ગઈકાલે ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિની પતંગરસિકોએ આનંદ ભેર ઉજવણી કરી હતી. નાના-મોટા સર્વે સવારથી જ અગાસી પર ચડી જઈ પતંગ ઉડાડવાની મોજ માણી હતી. દર વર્ષ કરતા આ વર્ષે પવનની ગતિ તેજ હોય આકાશમાં ચગાવેલી પતંગ લોકોના હાથમાં પણ ન રહેતા થોડી નારાજગી પણ જોવા મળી હતી જોકે આખો દિવસ ઠંડી હવા રહેતા આકાશમાં જાણે પતંગોની રંગોળી પુરાઈ હતી.
આ વર્ષે રૂ.૫ થી લઈ રૂ.૨૦૦ સુધીની પતંગો આકાશમાં ચડી હતી. જીએસટી, મોંઘવારી જેવા પરિબળોને નજરઅંદાજ કરી લોકોએ મોંઘા ભાવની પણ પતંગ-દોરી ખરીદી આનંદ લુંટયો હતો. ચાઈનીઝ તુકકલ પર પ્રતિબંધ હોય આ વર્ષે કોઈએ પણ તુકકલ ચગાવ્યું ન હતું જોકે ચાઈનીઝ દોરીનો અનેક લોકોએ ઉપયોગ કર્યો હતો. દર વર્ષે પતંગોત્સવમાં ઘણા લોકો ઘાયલ થતા હોય છે તેમ આ વર્ષે પણ રાજયભરના અનેક લોકો પતંગ લુંટવા તો કોઈ ચાઈનીઝ દોરી વીંટળાઈ જવાથી ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત અનેક પક્ષીઓ પણ આ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યા છે.
સાંજે તો જાણે ત્રણ તહેવારની ઉજવણી થઈ હોય તેમ અગાસી ઉપર પતંગની સાથોસાથ ટેપ ઉપર નવા-નવા ગીતો વગાડી રાસ-ગરબા અને ફટાકડા ફોડી આનંદ લુંટયો હતો. કોઈએ પતંગ લુંટવાની તો કોઈએ પતંગ ચગાવવાની મોજ માણી હતી. ધાબા ઉપર જીંજરા, શેરડી, ચીકી, મમરાના લાડુ વગેરે ખાઈ ઉતરાયણની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.
આ વર્ષે ઉતરાયણ સોમવારે હોવાથી રવિ-સોમની બે દિવસીય રજામાં લોકોએ પતંગ ચગાવી ડબલ મજા માણી હતી. આખો દિવસ કાયપો છે…, લપેટ….. લપેટ….ની ચીચીયારીઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતુ.
તો બીજી બાજુ ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજકોટ શહેરના છ સ્થળોએ સારવાર કેમ્પ ઓલાયા હતા જયાં અનેક પંખીઓની સારવાર પણ કરવામાં આવી હતી.શહેરની વિવિધ ગૌશાળા પાંજરાપોળ સેવાકીય સંસ્થાઓ વગેરેએ દાન ઉઘરાવવા ઠેર ઠેર મંડપો નાખ્યા હતા. અને અનેક ગણું અનુદાન મેળવ્યું હતુ. વનવિભાગ અને કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ નં.૧૯૬૨ પણ સ્ટેન્ડ ટુ ગોઠવાઈ હતી.
નિદોર્ષ પંખીઓ ઈજાગ્રસ્ત ન થાય તે માટે અનેક જીવદયાપ્રેમીઓએ વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવાનું ટાળ્યું હતુ આખો દિવસ પતંગોત્સવના અનેરા થનગનાટ સાથે બાળકોથી માંડી વડીલો સુધીનાએ મિત્રો, પાડોશીઓ, સગા સંબંધીઓ સાથે મકરસંક્રાંતીમનાવી હતી.
શ્રદ્ધાળુઓએ મકરસંક્રાંતિનું દાન કરી પુણ્યનું ભાથુ બાંઘ્યું
મકરસંક્રાંતિએ સુર્ય ધનરાશીમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતા ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનું અનેક ગણું મહત્વ છે. આ દિવસે પણ સૌરાષ્ટ્રભરના અનેક શ્રદ્ધાળુઓ, દાતાઓએ ગૌશાળા, પાંજરાપોળ તેમજ સેવાકીય સંસ્થાઓને અનુદાન કરી પુણ્યનું ભાથુ બાંઘ્યું છે. આ ઉપરાંત આશરે એક માસ ચાલેલા કમુહૂર્તો ગઈકાલે પૂર્ણ થતા આજથી લગ્ન, સગાઈ જેવા શુભકાર્યોની શરૂઆત થશે.