Abtak Media Google News

બહેનો પાસે રાખડી બંધાવી લેજો, આ દેશમાં ગમે ત્યારે ગમે તેવું બની શકે છે: જન્માષ્ટમી પૂર્વેનો સંદેશો !

‘નવાજૂની’ એ પ્રકૃતિનું એક અંગ છે.

પરિવર્તન એ કુદરતી પ્રક્રિયા છે, એક એવી પ્રક્રિયા કે જેને કોઈ રોકી શકે નહિ, ને ટાળી શકે નહિ… એને માટે અંગ્રેજીમાં એમ કહેવાયું છે કે, ‘અ ચેઈન્જ (A Change) ઈઝ આપણી સામે કોઈ પરિચિત વ્યકિત મળી જાય ત્યારે ઘણે ભાગે આપણે એમ પૂછીએ છીએ કે, ‘કેમ છો? શું નવાજૂની?’

‘નવાજૂની’નો અર્થ એવો થાય કે, આપણા સમાજમાં આપણે નવું જાણવા ઉત્સુક રહીએ છીએ, તેમ જૂનાને ય સાવ ફગાવી દેવા માગતા નથી…

કદાચ એ વાતમાં સહુ સંમત થશે કે, આપણે ‘નવા’ને આવકારીએ, ‘વેલકમ’ કરીએ, ને જૂનાનો આદર કરીએ.

થોડો વધુ વિચાર કરીએ તો એવું બેશક સમજાય જાય કે, ‘નવું’ કાયમી રહેતું નથી. આજનું નવું બીજે જ દિવસે જુનું બની જાય છે.

દેશકાળની જેમ માનવ માત્ર ‘નવાજૂના’નો એક ભાગ બની જ જાય છે.

એક જ દિવસ પછી આપણા દેશનો ‘સ્વાતંત્ર્યદિન’ આવશે.

એક વતનપરસ્ત કવિએ લખ્યું છે કે, ‘અપની આઝાદીકો હમ હરગિઝ મીટા શકતે નહિ….સર કટા શકતે હૈ લેકિન સરઝૂકા શકતે નહિ…

સ્વાતંત્ર્ય દિને સવા અબજ લોકો રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રને કસુંબલ સલામ કરશે અને જરૂર પડયે વતનને ખાતર કુરબાન થવાનો સંકલ્પ કરશે…

દોઢસો વર્ષની કારમી ગુલામી વેઠયા પછી આઝાદી અર્થેની લાંબી અને કુરબાની ભરી લડત લડયા બાદ ૧૯૪૭ના ઓગષ્ટની પંદરમી તારીખે સાંપડેલી આઝાદીની તમામ પ્રકારે રક્ષા કરવાનો સંકલ્પ આપણે સૌએ એકસંપે કરવાનો છે.

જો કે, જન્માષ્ટમી પૂર્વેનો આકાશવાણી સમો સંદેશ તો ભારપૂર્વક ચેતવે છે કે, બહેનો પાસે ગેબી ઢાલ સમી રાખડીઓ બંધાવી લેજો, આ દેશમાં ગમે ત્યારે ગમે તેવું બની શકે છે, સાવધાન રહેવું પડે તેમ છે. મહાભારતના તરકટી કોઠા યુધ્ધ જેવી ગતિવિધિઓ આવી પડે તેમ છે. જયદ્રથો આ દેશમાં ખૂણે ખાંચરે મોજૂદ છે એ લોહી તરસ્યા છે. કાળમૂખા છે.

આપણુ આખું રાજકીય ક્ષેત્ર મતિભ્રષ્ટતા અને અનાચાર-અનિષ્ટોથી ખદબદે છે. નિજી સ્વાર્થ માટે, રાજગાદી માટે, સમગ્ર માભોમના વિવિધ સ્વરૂપના વસ્ત્રાહરણ માટે અને અંદર અંદરની સંકુચિત તેમજ છીંછરી સ્પર્ધા માટે અધીરા બન્યા છે. આખો દેશ છિન્નવિછિન્ન હોવાની ચાડી ખાય છે.

ભ્રષ્ટાચાર સામેના યુધ્ધમાં આપણા સત્તાધીશો ભૂંડી રીતે પરાજિત થયા હોવાનું હવે જગજાહેર છે.

એક સમયે ભાજપના પ્રમુખ અને વરિષ્ઠ નેતાઓ પૈકીના અકે ડો.મુરલી મનોહર જોશીએ કાશ્મીરના પાટનગર શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગી ધ્વજ લહેરાવવાના સંકલ્પ સાથે રથયાત્રા યોજી હતી એમાં તે વખતના ભાજપના એક અગ્રણીની રૂએ શ્રી નરેન્દ્ર મોદી પણ સંલગ્ન હતા. એ કાર્યક્રમ સામે કાશ્મીરની પ્રજાના એક વર્ગે હિંસક વિરોધી દર્શાવ્યો હતો. અને પીછેહઠની ફરજ પાડી હોવાનું બહાર આવ્યું હતુ. હવે અત્યારના ગૃહપ્રધાન શ્રી અમિત શાહે વિભાજીત જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગી ધ્વજ લહેરાવવાનું જાહેર કર્યું છે… તેમની હિંમત અને વ્યૂહબાજી ‘દાદ’ને પાત્ર છે. જમ્મુ-કાશ્મીરને લગતા બંધારણની દશકાઓ જૂની કલમોને રદ કરીને કાશ્મીરને ત્રણ ભાગમાં વિભાજીત કરી નાખવામાં પગલાંમાં પણ તેમણે લોખંડી કલેજાનો પરિચય આપ્યો જ હતો.

આ બધુ છતાં, લદાખ સરહદે ફાઈટરો અને તોપો ખડકતું પાકિસ્તાન, ભારત-પાક સરહદ ધણધણી, હાફીઝ સહિતના આતંકી સંગઠનો હૂમલાની તૈયારીમાં, જમ્મુ-કાશ્મીરમાં સાત આત્મઘાતી બોંબરોની ઘૂસણખોરી સાથે હૂમલાનો ભય, વગેરે જેવા અખબારી અહેવાલો એમ માનવા પ્રેરે જ છે કે, સ્વાતંત્ર્ય-દિનની ઉજવણીનો અવસર કોઈને કોઈ પ્રકારના ખતરાથી ખાલી નથી! સાવધાન રહેવું જ પડે એવી પરિસ્થિતિ છે. એમાંથી ઉગરવા માટે જબરી તૈયારીઓ કરવી જ પડશે અને એની પાછળ જે જંગી ખર્ચ કરવું પડશે તેનાં આંકડા જાહેર કરવાનું સત્તાધીશો માટે મુશ્કેલ પડી જશે.

આમ છતાં ત્રાસવાદીઓ અને આતંકી પરિબળો પર ધાક જમાવવાનો આ વ્યૂહ હોઈ શકે ગૃહપ્રધાન શ્રી શાહ આવી કૂનેહ માટે શાબાશીના અધિકારી પણ બની શકે !

આર્ટિકલ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ સરકારના આ નિર્મયને ઐતિહાસીક તરીકે ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે આ નિર્ણય રાજયના વિકાસની દિશામાં દોરી જશે મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે અમે ખૂબ વિચારણા કરીને આ નિર્ણય લઈ શકયા છીએ. મોદીએ એમ પણ કહ્યું હતુ કે હવે જમ્મુ-કાશ્મીર પણ અન્ય રાજયોની જેમ વિકાસ સાથે આગળ વધશે.

વડાપ્રધાને રોકાણના માર્ગને મોકળો કરવા માટે વિવિધ પગલ લેવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા તો સુરક્ષા પાસા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલમાં પૂરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે રાજયમાં ધીમેધીમે સ્થિતિ સામાન્ય બની જશે લોકોમાં આત્મવિશ્ર્વાસ જગાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવાનોને યોગ્ય શૈક્ષણીકતક આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સારા વર્કફોર્સની તૈયારી કરવામાં આવશે. તેઓ સ્વાતંત્ર્ય-દિનના તેમના રાષ્ટ્રીય પ્રવચનમાં પણ વધુ મહત્વની જાહેરાતો કરશે જ, એ નિર્વિવાદ છે. તેઓ મુકેશ અંબાણીના મહત્વકાંક્ષી પ્રોજેકટની જાહેરાત કરી શકે તેમ છે.

આ બધું રક્ષાબંધન અને ‘સ્વાતંત્ર્ય-દિન’ના આનંદ ઉમંગ અને હર્ષોલ્લાસના માહોલ વચ્ચે બનવાનું છે.

કયાંક કયાંક એવો નાદ કાને પડશે કે, અપની આઝાદીકો હમ હરગિઝ મીટા શકતે નહિ, સર કટા શકતે હૈ, લેકિન સર ઝૂકા શકતે નહિ…

કયાંક કયાંક એવો હેતભીનો ધ્વનિ સાંભળવા મળશે કે, ‘બેનીનાં હૈયાનાં હેત, બંધુને બાંધે છે રાખડી’

કયાંક વળી જન્માષ્ટમી પૂર્વેનો ‘આકાશવાણી’ સમો સંદેશ પડઘાશે કે, બહેનો પાસે રાખડી બંધાવી લેજો, આ દેશમાં ગમે ત્યારે, ગમે તેવું બની શકે છે!…

આપણે આપણા દેશનું શુભ નિહાળીએ…. પ્રાર્થના કરીએ કે બધા સારા વાના થાય અને લાભ-શુભનો જયજયકાર થાય !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.