Abtak Media Google News

જ્યાં એક બાજુ શિયાળો પોતાની સાથે ખૂબબધી ઠંડક અને તાજગી લઈને આવે છે ત્યાં જ બીજી બાજુ એ ત્વચા અને વાળને ડ્રાય કરી એને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવા વખતે વધુ કંઈ નહીં તો ફક્ત ઘરગથ્થુ ઇલાજ પણ યોગ્ય રીતે અમલમાં મૂકી દેવામાં આવે તો આપણે આ મનમોહક મોસમની મજા આસાનીથી મનભરીને માણી શકીએ છીએ મુંબઈમાં શિયાળાની ફૂલગુલાબી મોસમ શરૂ થઈ રહી છે. સવારના પહોરમાં ઘરનાં ખોલીએ એટલે સરસ મજાની ઠંડક ફરી પાછી આખા શરીરને ઘેરી વળી રહે છે. આખું વર્ષ મુંબઈની પસીના અને ગંદકીથી ભરેલી ગરમીથી થાક્યા બાદ આવતી આ સીઝન સૌકોઈના મનને મોહી લે એ સ્વાભાવિક છે, એમ છતાં કેટલાકને આ “તુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં સૂકા બરછટ વાળ અને એનાથી પણ વધુ તરડાઈ ગયેલી ત્વચાની સમસ્યાઓ સતાવવા માંડે છે. તો આવો આજે એક્સપર્ટ પાસેથી આ સમસ્યાઓના ઘરગથ્થુ ઇલાજ સમજી લઈએ.

. મોઇશ્ચરાઇઝર ઇઝ મસ્ટ

મોટા ભાગના કિસ્સામાં શિયાળો શરૂ થઈ ગયો હોવાનો પહેલો અહેસાસ જ આપણને ભેજના અભાવમાં સુકાઈ ગયેલી ત્વચા પર આવતી ખંજવાળથી થાય છે. આ ખંજવાળ પાછળનું કારણ સમજાવતાં ખારમાં આવેલા અબાઉટ ફેસ નામના બ્યુટી ક્લિનિકનાં ડર્મેટોલોજિસ્ટ ડો. સોમા સરકાર કહે છે, અન્ય કોઈ બીમારી ન હોય તો શિયાળામાં શરીરના કોઈ પણ ભાગ પર આવતી આ ખંજવાળ પાછળનું કારણ ત્વચા ડીહાઇડ્રેટ થઈ રહી છે એ સમજી લેવું જોઈએ એટલું જ નહીં, એનો એકમાત્ર ઉપાય પણ ત્વચાને બને એટલી મોઇશ્ચરાઇઝ કરવામાં જ રહેલો છે. આ માટે શિયાળામાં આખા શરીર પર દિવસમાં બે વાર ઉચ્ચ ગુણવત્તાવાળું મોઇશ્ચરાઇઝર લગાડવું જ જોઈએ. તમને બજારમાં મળતાં મોઇશ્ચરાઇઝર પર વિશ્વાસ ન બેસતો હોય તો બે ટીપાં બદામના તેલમાં એક ટીપું ઑલિવ ઑઇલ ઉમેરીને રાતે સૂતાં પહેલાં હાથ, પગ અને ચહેરા પર લગાડી દેવાનો રસ્તો સૌથી સીધો, સરળ અને સસ્તો છે. બલ્કે એનાથી પણ સોંઘો ઇલાજ તો ગ્લિસરીનની બાટલીમાં થોડું ગુલાબજળ ઉમેરી આ મિશ્રણનો મોઇશ્ચરાઇઝર તરીકે ઉપયોગ કરવાનો છે. ગ્લિસરીન હવામાંથી ભેજ ખેંચી એને ત્વચાની અંદર જાળવી રાખે છે. આ જ કારણ છે કે મોટા ભાગના સારી ગુણવત્તાવાળા સાબુમાં પણ ગ્લિસરીનનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય આજકાલ ભારતીય બજારમાં આર્ગન ઑઇલ પણ છૂટથી મળવા માંડ્યું છે. આ તેલ એની મોઇશ્ચરાઇઝિંગ પ્રોપર્ટીઝ માટે જાણીતું છે. તમે ઇચ્છો તો રાતે સૂતાં પહેલાં આ તેલ પણ સીધું જ ચહેરા ઉપરાંત હાથ-પગ પર ઘસી શકો છો. જોકે આ સાથે ઠંડીમાં કોઈ પણ પ્રકારનાં સિન્થેટિક કપડાં પહેરવાનું ખાસ અવગણવું જોઈએ. સિન્થેટિક કપડાં ત્વચા સાથે ઘસાઈને એની સંવેદનશીલતા વધારી એને ઇરિટેટ કરવાનું કામ કરે છે.

. સ્ક્રબ વાપરવું કે નહીં?

કેટલાકને આ સીઝનમાં ત્વચાને એક્સફોલિએટ કરવી કે નહીં એ પ્રરન પણ સતાવતો હોય છે. આ પ્રરનનો જવાબ આપતાં ડો. સોમા જણાવે છે, એક્સફોલિએશન એટલે ત્વચાના મૃતકોષોને દૂર કરવાની પ્રક્રિયા, પરંતુ શિયાળામાં કુદરતી રીતે જ ત્વચા તરડાઈ જતી હોવાથી આવી ખરબચડી ત્વચાને બહુ છંછેડવી હિતાવહ નથી. પરિણામે જ્યાં વર્ષ આખું અમે લોકોને ઓછામાં ઓછું અઠવાડિયે બે વાર સ્ક્રબ વાપરવાની સલાહ આપીએ છીએ ત્યાં જ શિયાળામાં આ કામ અઠવાડિયે માત્ર એક વાર કરી લેવું પૂરતું છે. આમ તો આજકાલ બજારમાં આ કામ માટે અઢળક પ્રકારનાં સ્ક્રબ મળવા માંડ્યાં છે, પરંતુ જો તમારી ઇચ્છા એ બધાનો ઉપયોગ કરવાને સ્થાને આપણા રસોડામાં રહેલી સામગ્રી વાપરવાની હોય તો બે ચમચી સાકરમાં બે ચમચી મધ નાખીને આખા શરીર પર ઘસી લેવાથી પણ એટલું જ સારું પરિણામ મળે છે. જોકે ઠંડીમાં ત્વચાને એક્સફોલિએશન બાદ મોઇશ્ચરાઇઝર લગાડવાનું ચૂકવું ન જોઈએ. મોઇશ્ચરાઇઝર તરીકે તમે નહાતાં પહેલાં ઑલિવ ઑઇલ, બદામનું તેલ અથવા રાઈના તેલનો શરીર પર મસાજ કરી શકો છો. મસાજ કરવાનો સમય ન મળે તો નહાવાના પાણીમાં જ એક ચમચી બદામનું તેલ અને એક ચમચી ઑલિવ ઑઇલ ઉમેરી દેવાથી પણ કામ થઈ જશે એટલું જ નહીં શિયાળામાં તો નહાવા માટે પણ સાબુનો ઉપયોગ કરવો હિતાવહ નથી. બને તો લિક્વિડ સોપથી નહાવું જોઈએ. ફેસવોશ પણ ક્રીમ-બેઝ્ડ હોય તો વધુ સારું. જોકે તમને ફેસવોશ પાછળ પૈસા ન બગાડવા હોય તો માત્ર બે ચમચી ચણાના લોટમાં થોડી મલાઈ ઉમેરીને એનાથી ચહેરો ધોઈ લેવાનો આપણો વર્ષો જૂનો ઉપાય સાબુ કે ફેસવોશ કરતાં પણ વધુ સારું પરિણામ આપે છે.

. હાથ-પગનું ધ્યાન કેવી રીતે રાખશો?

શિયાળામાં કેટલીક મહિલાઓને હાથ અને ખાસ કરીને પગની પાનીમાં ચીરા પડી જતા હોય છે. આ માટે રાતે સૂતાં પહેલાં મીઠું, લીંબુનો રસ તથા વિટામિન-ઈ ઑઇલ નાખેલા પાણીમાં થોડી વાર માટે હાથ-પગ બોળી રાખો અને પછી એના પર સારી બ્રેન્ડની મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અથવા વેસલિન લગાડી લો. આમ કર્યા બાદ પગ પર મોજાં પહેરી લેવાથી ક્રીમને પગની ત્વચાની અંદર ઊતરવા માટે પૂરતો સમય પણ મળી રહે છે. તમે ઇચ્છો તો વેસલિનને સ્થાને પીગળેલા વેક્સમાં મિક્સ કરેલી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો.

. ફાટેલા હોઠ માટે શું કરશો?

કુદરતી રીતે જ ઑઇલી અથવા કોમ્બિનેશન સ્કિન ધરાવનારાઓને કદાચ આ સીઝનમાં એટલો વાંધો ન આવે, પરંતુ શિયાળો શરૂ થતાં જ હોઠ ફાટી જવાની સમસ્યા મોટા ભાગના લોકોને સતાવવા માંડે છે. આવા ફાટી ગયેલા હોઠની તકલીફમાંથી છુટકારો મેળવવાનો રસ્તો દેખાડતાં ડો. સોમા કહે છે, હોઠ પરની ત્વચા આપણા શરીરની સૌથી મુલાયમ ત્વચા છે, એથી ઠંડીની શરૂઆત થતાં જ સૌથી પહેલું ધ્યાન એના તરફ આપવું જોઈએ. આવા વખતે હોઠ પર લિપસ્ટિક લગાડવાને સ્થાને બને તો લિપ બામનો ઉપયોગ કરવો જોઈએ. પુરુષો આ કામ માટે પેટ્રોલિયમ જેલી વાપરી શકે છે. ઘરગથ્થુ ઇલાજમાં રાતે સૂતાં પહેલાં હોઠ પર ઘી લગાડીને સૂઈ જવું સૌથી શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાકને ઘીની સુગંધ માફક નથી આવતી. આવા લોકો ઘીમાં એકાદ ટીપું લેવન્ડર ઑઇલ અથવા રોઝહિપ ઑઇલનું ઉમેરી દે તો તેમને ઘીનો ફાયદો પણ મળી જશે અને એની સુગંધની સમસ્યા પણ ઉકેલાઈ જશે.

. વાળની માવજત આ રીતે કરો

વાતાવરણમાં ભેજનું ઘટી ગયેલું પ્રમાણ માત્ર ત્વચાને જ નહીં, વાળને પણ ભયંકર નુકસાન પહોંચાડે છે, જેને પગલે વાળ સાવ બરછટ બની જાય છે. આવા વાળની સંભાળ લેવા સૌથી પહેલાં તો માથું ધોતી વખતે ખૂબ ગરમ પાણીને સ્થાને નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.