ઓશો પ્રત્યે યુવાનોનું આકર્ષણ વધ્યું: મહામારી વચ્ચે મનમાંથી ભય દૂર કરવા ઓશોના વિચારો, ધ્યાન પધ્ધતિ અપનાવવી જરૂરી !!

૬૮ ટકા લોકો કોરોનાના ભય અને નકારાત્મક વિચારોથી પીડિત

ઓશો રંગરેજનામાં પ્રેમ માધવીજી ‘અબતક’ની વિશેષ મુલાકાતે

કોરોના મહામારી દરમિયાન ૬૮ ટકા લોકો તણાવથી પીડાય છે, મનમાં ભય છે, સ્ટ્રેસ વધ્યો છે, ડિપ્રેશન પણ આવ્યું છે. આવી સ્થિતિમાં કોરોના કરતા લોકો ભયના કારણે મૃત્યુ પામે છે. બોડી અને મન તેમજ સભાનતાને એકાગ્ર કરવામાં ઓશોની ધ્યાન પધ્ધતિ મહત્વની સાબીત થાય છે. આ માટે મોરબી અને રાજકોટમાં શિબિર યોજાઈ ગઈ તેવું ‘અબતક’ની વિશેષ મુલાકાત દરમિયાન ઓશો રંગરેજના માં પ્રેમ માધવીજી (ઓશો સંન્યાસીની) દ્વારા જણાવાયું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પરિવારની ભાવના છે જે મને  ખુબ ગમે છે. આ પરિવારની ભાવના આખા વિશ્ર્વએ અપનાવવી જોઈએ. વર્તમાન સમયે યુવાનોમાં ઓશો ક્રેઝ સતત વધતો જાય છે, યુવાનો ઓશોને જાણે છે, સ્વીકારે છે અને ઓશોની વિચારધારા સાથે જોડાય છે. ઓશો મેડિટેશન ટેકનીકના માધ્યમથી આંતરીક યાત્રા થાય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આગામી તા.૨૭થી તા.૩૦ માર્ચ દરમિયાન ઋષિકેશ ખાતે ફેસ્ટીવલ યોજાશે. તાજેતરમાં મોરબી અને રાજકોટ ખાતે ઓશો મેડિટેશન માટેની શિબિર યોજાય હતી. જેમાં ૪૪ લોકોએ ભાગ લીધો હતો. મોરબી ખાતે યોજાયેલી શિબિરની ખાસીયત એ હતી કે આ શિબિરમાં નવા અનુયાયીઓ જોડાયા હતા જેમાં મોટાભાગના યુવાનો હતા. ઘણા લોકોએ દિક્ષા લીધી હતી. ભયમુક્ત થવા માટે ધ્યાન પ્રયોગ અકસીર છે. નિયમીત ધ્યાન યોગ કરનારાઓની સંખ્યા વધુ નથી. લોકો બહારના જગત સાથે વધુ જોડાયેલા છે. અંદરના જગત સાથે જોડાયેલા નથી. બહારના જગત સાથે જોડાયેલા હોવાથી જીવન યંત્રવત બની જાય છે. જો યંત્રવતતાને તોડવી હોય તો આંતરીક યાત્રા કરવી જરૂરી છે.

આજનો યુગ સ્માર્ટ થઈ ચૂકયો છે. જો કે ઈન્ફોર્મેશન વધુ છે અને અનુભવ ઓછો છે. વ્યક્તિને જીવનમાં ઈન્ફોર્મેશનની નહીં અનુભવની જરૂર હોય છે. ઈન્ટેલીઝન્ટ લોકો પણ આપઘાત કરે છે જેની પાછળ હારનો સામનો કરવાનો અનુભવ ન હોવાનું કારણભૂત છે. જીતને પચાવી મુશ્કેલ છે. જીત મેળવ્યા બાદ વ્યક્તિ સમૂહથી ભિન્ન થઈ જાય છે માટે વ્યક્તિની આંતરીક યાત્રા મહત્વ છે. આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન ઓશો સંન્યાસીની માં પ્રેમ માધવીજી સાથે રાજકોટના સ્વામી સત્યપ્રકાશ પણ હાજર રહ્યાં હતા. સ્વામી સત્યપ્રકાશ રાજકોટમાં છેલ્લા ૪૦ વર્ષથી ઓશોના અનુયાયીઓ માટે સેતુ બની રહ્યાં છે.

આગામી મોન્સુન ફેસ્ટીવલ ગુજરાતમાં યોજવા તખ્તો

સામાન્ય રીતે ઓશોની વિચારધારા માટેનો મોન્સુન ફેસ્ટીવલ દર વર્ષે ઋષિકેશમાં યોજાય છે. જેમાં દેશ-વિદેશથી અનેક અનુયાયીઓ હાજરી આપે છે. અલબત હવેનો મોન્સુન ફેસ્ટીવલ ગુજરાતમાં યોજવાની વિચારણા હાથ ધરાઈ છે. ગુજરાતમાં ખાસ કરીને મોરબીમાં આ ફેસ્ટીવલ યોજવા માટેના સંજોગો ઉભા થયા છે.

Loading...