ગુજરાતના રાજકારણમાં ત્રીજો નહીં પરંતુ મજબૂત વિકલ્પ બનવા આપ સક્રિય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનું ઝાડુ ફરી વળે તેવો વિજય વિશ્ર્વાસ

ટૂંક સમયમાં રાજ્યભરની ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીની સતાવાર જાહેરાત થનારી છે. ત્યારે ગુજરાતના સક્રિય રાજકારણમાં રહેલા બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય ભૂમિકામાં આવી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડશે. જેના કારણે ચોક્કસ સ્થાનિક રાજકારણમાં વતા ઓછા અંશે ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડશે તેવી સતાવાર જાહેરાત પણ થઈ ચુકી છે.

આમ આદમી પાર્ટી રાજ્યમાં આંદોલનકારી ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આગળ વધી રહી છે. વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો થકી આપ સંગઠન મજબૂત બનવવા પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારોની ૫૦૪ ની યાદી પણ આપ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. આપ ગુજરાતમાં દિલ્લીવાળી કરવા સક્રિય થયું છે ત્યારે દિલ્લી મોડેલ સાથે લોકો સુધી પહોંચવા આપના કાર્યકરો પણ સક્રિય થયા છે. ફક્ત શહેરી નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપ સક્રિય થયું છે. ત્યારે આપ આદમી પાર્ટીના રાજકોટ જીલ્લા યુવા પ્રમુખ યોગરાજસિંહ જાડેજા અને મહામંત્રી અભિનવ પટેલે અબતકની વિશેષ રજુઆતમાં ભાગ લઈને આપની રણનીતિ સહિતના મુદ્દે વિશેષ વાતચીત કરી હતી.

પ્રશ્ન : આમ આદમી પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સક્રિય ભૂમિકાનો ઉદ્દેશ્ય શું ?

જવાબ : અભિનવ પટેલે કહ્યું હતું કે, જે રીતે જનતાએ આમ આદમી પાર્ટીની પ્રથમ ચૂંટણીમાં જ દિલ્લીની ગાદી સોંપી દીધી. તે બાદ કેજરીવાલ સરકારે જનતાની સુખાકારી અને હિત માટે જે કામો કર્યા તેના કારણે ફરીવાર સતત બીજીવાર પ્રજાએ આપની સરકાર દિલ્લીમાં બનાવવાની તક આપી. દિલ્લીની પ્રજાની આરોગ્યની વાત હોય કે સુખકારીની કે ભ્રષ્ટાચારને ડામવાની વાત હોય તમામ મોરચે આપની સરકારે શ્રેષ્ઠ પગલાં લઈને દિલ્લી મોડેલ બનાવ્યું છે. ત્યારે હવે આ દિલ્લી મોડેલ ગુજરાતમાં અમલી બનાવવા આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિય થયું છે. ગુજરાતના રાજકારણમાં પ્રજા ભાજપને મત આપે કે કોંગ્રેસને પરંતુ સરકાર તો ભાજપની જ બને તે બાબતને દૂર કરવા એક વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં સક્રિય બની છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, કિશોર દેસાઈ, ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ અને શહેર પ્રમુખ રાજભા ઝાલા તેમજ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાની આગેવાનીમાં આપ ચૂંટણી લડશે અને જીતશે.

પ્રશ્ન : ક્યાં મુદ્દાઓ લઈને આપ પ્રજા સુધી પહોંચશે ?

જવાબ : યોગરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, દિલ્લીમાં કેજરીવાલ સરકારે જે દિલ્લી મોડેલ બનાવ્યું છે. શિક્ષણની સરખામણી કરવામાં આવે તો ગુજરાતમાં ખખડધજ ઇમારતો અને નીચી ગુણવતાનું શિક્ષણ જ્યારે દિલ્લીમાં અતિઆધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. મોહલ્લા ક્લિનિક મારફત લોકોને તેમના ઘરના દરવાજે મળતી આગોગ્યની સેવાઓ, માહિલાઓને મેટ્રો સહિતની મુસાફરીમાં ફ્રી સેવા, ૧ કરોડ સુધીની આરોગ્યની મફત સેવા સહિતની સુવિધાઓ ગુજરાતમાં પણ વિકસે અને જનતાને તેનો લાભ મળે તેવા મુદાઓ લઈને આપ પ્રજા સુધી પહોંચશે. ઉપરાંત પ્રાદેશિક મુદ્દાઓઓ સાથે આપ પ્રજા સુધી પહોંચશે. ભાજપ દાવો કરે છે કે, છેવાડાના ગામ ખાતે પણ ૨૪ કલાક વીજળી પ્રાપ્ત થઈ છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાત્રીના સમયમાં ફક્ત ૬ કલાક વીજળી આપવામાં આવતા ખેડૂતોએ અડધી રાતે પાણી વળવા જવું પડે છે, નાના નાના કામો માટે લોકોએ સરકારી કચેરીઓમાં ખાવા પડતા ધક્કા, ભ્રષ્ટાચારને અટકાવી અધિકારીઓ પ્રજાનવા ઘરે જઈને પ્રજાના કામ કરે તેવું આતોજન દિલ્લીમાં થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં કરવા માટે આપ સક્રિય થઈ છે.

પ્રશ્ન : યુવાઓ આપની વિચારધારા સાથે શા માટે જોડાશે ?

યોગરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભારત યુવાનોનો દેશ છે અને યુવાન ધારશે તો જ દેશ બદલાશે અને વિકાસની હરણફાળ ભરી શકશે ત્યારે આપ વધુમાં વધુ યુવાનોને જોડી તક આપનારો પક્ષ છે. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ એક યુવાન છે. ગોપાલ ઈટાલીયાએ યુવા જોડો આંદોલન શરૂ કર્યું છે જેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ પણ રહ્યા છે. યુવાનોને ઘટતું બધું કરવા આપ તત્પર છે જેથી યુવાનો આપ પર ભરોસો મૂકીને વિચારધારા સાથે જોડાશે તેવો અમને વિશ્વાસ છે.

પ્રશ્ન : ગુજરાતની પ્રજાએ ક્યારેય ત્રીજા વિકલ્પનો સ્વીકાર કર્યો નથી ત્યારે લોકો ક્યાં મુદ્દાઓને આધીન થઈ આપને સ્વીકારશે ?

જવાબ : યોગરાજસિંહ જાડેજાએ કહ્યુ હતું કે, જ્યારે જયારે ગુજરાતના રાજકારણમાં ત્રીજુ પક્ષ સક્રિય થયું છે ત્યારે ફક્ત તે વ્યક્તિગત અથવા ચોક્કસ સમુદાય આધારિત પક્ષ સક્રિય થયો છે જેના કારણે પ્રજાએ સ્વીકાર કર્યો નથી ત્યારે આમ આદમી પાર્ટી એક એવો વિકલ્પ છે જે ત્રીજો મોરચો તો ખરો જ પરંતુ મજબૂત વિકલ્પ બનીને આવી રહી છે. આ મોરચો કોઈ વ્યક્તિ વિશેષ નથી પરંતુ જન સમુદાયને સાથે રાખીને જન સમુદાયના હિત માટે લડનારો પક્ષ છે જેથી પ્રજા ચોક્કસ આપનો સ્વીકાર કરશે અને પસંદ પણ કરશે જેનું પરિણામ ચૂંટણીમાં પરિણામમાં જોવા મળશે.

પ્રશ્ન : સંગઠન મજબૂત બનાવવા કેવા આયોજનો કરાયાં ?

અભિનવ પટેલે કહ્યું હતું કે, જ્યારે અરવિંદ કેજરીવાલે લોકપાલ બિલ મુદ્દે આંદોલન શરૂ કર્યા ત્યારે કિરણ બેદી, મનીષ સીસોદીયા, પ્રશાંત ભૂષણ સહિતના આગેવાનો કેજરીવાલજી સાથે જોડાયા ત્યારે અમે ગુજરાતમાં સંગઠનની રચના કરી રહ્યા છીએ. અલગ અલગ ઝુંબેશ હાથ ધરી રહ્યા છીએ તેમાં પ્રબુદ્ધ નાગરિકો જેવા કે, તબીબો, એન્જીનીયર, વકીલો પણ અમારી વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે જે સાબિતી આપે છે કે, ગુજરાતમાં પણ આપનું ઝાડુ ફરી વળશે. જ્યારે દિલ્લીમાં ગઠબંધનથી સરકાર બની અને વિપક્ષે આગળી ચીંધતા અરવિંદ કેજરીવાલે સમગ્ર સરકારનું રાજીનામુ ધરી દીધું. ફરીવાર ચૂંટણી યોજાઈ અને આપને ૭૦માંથી ૬૭ બેઠકો પર વિજય મળ્યો ત્યારે આ પવન નથી પરંતુ લહેર છે તેમ ચોક્કસ કહી શકાય. ગુજરાતમાં પણ આપનું પવન નહીં પરંતુ લહેર છવાશે, આપનું ઝાડુ ફરી વળશે. જો પક્ષ સતામાં આવશે મજબૂત સરકાર અને વિપક્ષમાં આવે તો મજબૂત વિપક્ષ બનશે.

પ્રશ્ન : આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોનો વિકલ્પ ? ભાજપનો કે કોંગ્રેસનો ?

જવાબ : અભિનવ પટેલે કહ્યું હતું કે, આશરે ૪ દિવસમાં પહેલા અમારી જ્યારે રાજકોટ અને અમદાવાદમાં સભા યોજાઈ ત્યારે આપના રાષ્ટ્રીય પ્રવક્તા આતિશીજીએ કહ્યું હતું કે, કોંગ્રેસનું ભાજપમાં વિલીનીકરણ થઈ ચૂક્યું છે. પ્રજા મત કોંગ્રેસને આપે અને ત્યારબાદ એ નેતા ભાજપમાં ભળી જાય છે. તો કોંગ્રેસને ભાજપથી અલગ પક્ષ કેમ ગણવો ? ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે આઠ નેતાઓ લડ્યા તે અગાઉ કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડ્યા અને પ્રજાએ તેમને પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા હતા પરંતુ એ જ નેતાઓ ભાજપમાં ભળી ગયા ત્યારે કોંગ્રેસ અને ભાજપને અલગ પક્ષ ગણી જ ન શકાય. કોંગ્રેસ ફક્ત ભાજપના ઈશારે જ કામ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ બનીને આવી છે. ચૂંટણી પહેલા પણ લોકો સુધી જઈશું અને જો સતામાં આવીશું તો પણ લોકો પાસે જઈશું. કોંગ્રેસનું હાલ રાજ્ય કે દેશમાં કોઈ વજૂદ રહ્યું નથી. પ્રજાને લગતા મુદ્દાઓને લઈને કોંગ્રેસ ક્યારેય બહાર નીકળ્યું જ નથી. યોગરાજસિંહે ઉમેર્યું હતું કે, કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે પ્રજાના મુદ્દાઓ માટે ક્યારેય કોઈ આંદોલન કર્યું નથી. પ્રજા માટે કોઈ મુદ્દાઓ માટે કોંગ્રેસ વિરોધ પણ કરી શકતું નથી ત્યારે કોંગ્રેસ લોકો માટે વિકલ્પ રહ્યો જ નથી. કોંગ્રેસ વિરોધ કરવામાં ઉણું ઉતર્યું છે. ૮૦૦૦ની નોકરી કરતી પ્રજાને કોરોના મહામારીમાં વસુલાતો ૧ હજારના દંડનો પણ કોંગ્રેસ વિરોધ કરી શકી નથી.

પ્રશ્ન : ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ શું ?

જવાબ : યોગરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સવા સો વર્ષ જૂનો પક્ષ એટલે કોંગ્રેસ. જ્યારે ભાજપનું અસ્તિત્વ ન હતું ત્યારથી કોંગ્રેસ અમલમાં છે. આટલો જૂનો પક્ષ હોવા છતાં પણ કોંગ્રેસ જો કંઈ કરી શકતી ન હોય તો તેના વિશે બીજું કંઈ બોલવાની જરૂરિયાત નથી. પ્રજા વિકલ્પ ઝંખે છે અને આમ આદમી પાર્ટી પરિવર્તન લઈને આવ્યું છે, પ્રજા તેને વધાવે છે જેનો અમને આનંદ છે.

પ્રશ્ન : કોંગ્રેસ સમુદાયની જગ્યાએ વ્યક્તિગત ચાલી રહી છે ? લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં આરોપી બનેલા વ્યક્તિના સમર્થનમાં પત્રકારોને સંબોધન કરવાનો અર્થ શુ ?

જવાબ : યોગરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કોઈ વ્યક્તિગત મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી રહી છે કે, રાજકીય પક્ષને ટાર્ગેટ કરવા માટે મુદ્દો ઉઠાવી રહી છે તે તો કોંગ્રેસ જ કહી શકે છે પરંતુ ચોક્કસ જવાબ જનતા આપશે. સમય આવ્યે પરિવર્તન ચોક્કસ આવશે.

પ્રશ્ન : સંગઠન મજબૂત બનાવવા શું પગલાંઓ લેવાઈ રહ્યા છે ?

નાનામાં નાના તાલુકા પંચાયતોમાં, નાના નાના ગામડાઓમાં પહોંચવા આપનો કાર્યકર કટિબદ્ધ છે. આપના સૈનિકો નાના નાના ગામડાઓ અને તાલુકાઓમાં મહોલ્લા પરિષદો યોજાઈ રહી છે. દિલ્લી મોડેલ અંગે લોકોને વિસ્તૃતિકરણ સાથે સમજણ અપાઈ રહી છે. સ્થાનિક મુદ્દાઓ લઈને સત્તાધારી પક્ષ પાસે નિકાલની મંગણી પણ આપ કરી રહ્યું છે.

પ્રશ્ન : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનું પ્રદર્શન કેવું રહેશે ?

અભિનવ પટેલે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ૫૦૪ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આગામી સમયમાં બીજી અને ત્રીજી યાદી પણ જાહેર થનારી છે. સાથોસાથ આમ આદમી પાર્ટીએ એક ઇમેઇલ આઈડી પણ જાહેર કર્યું છે જેના થકી પ્રજા આપના ઉમેદવારો અંગે તેમના મત મોકલી શકે છે. પ્રજાના મંતવ્યોને ધ્યાને લેશે, ભ્રષ્ટ ઉમેદવારોને ટીકીટ આપવામાં આવશે નહીં, ભલે એ બેઠક ખાલી રહે પરંતુ ભ્રષ્ટાચારીઓને જગ્યા આપવામાં આવશે નહીં. આગામી ચૂંટણીમાં તમામ બેઠકો આપ જીતશે.

Loading...