Abtak Media Google News

૧૪ જુન સુધીમાં ચોમાસુ ઉત્તર ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજયને આવરી લેશે: દ.ગુજરાતમાં ભારે વરસાદની શકયતા

નૈઋત્યનું ચોમાસુ હાલ દેશમાં સારી પ્રગતિ કરી રહ્યું છે. આગામી ૯ થી ૧૧ જુન વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચે તેવી સંભાવના રહેલી છે. ૧૨ થી ૧૪ જુન વચ્ચે સૌરાષ્ટ્રભરમાં વાવણીલાયક વરસાદ વરસી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પ્રિ-મોનસુન એકિટવિટીની અસરતળે છેલ્લા ત્રણેક દિવસથી રાજયના વતાવરણમાં પલટો આવી ગયો છે અને અમુક સ્થળોએ વરસાદ પણ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ મહારાષ્ટ્રની કેરાળા સુધી ઓફ્ર શોર ટ્રક છે. જે દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરે તેવી સંભાવના છે. ૯ થી ૧૧ જુન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે. વલસાડ, વાપી, સુરતમાં વરસાદ પડશે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ રહેલી છે. આ ઉપરાંત કાલથી ૧૨ જુન સુધી મહારાષ્ટ્ર કોંકણ અને ગોવામાં પણ અમુક સ્થળે ભારે વરસાદ પડી શકે તેવી શકયતા છે. ૧૨ થી ૧૪ જુન વચ્ચે સૌરાષ્ટ્રભરમાં વાવણી લાયક વરસાદ વરસી જશે. ઉતર ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજયમાં ૧૪મી જુન સુધીમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી શકયતા વ્યકત કરાય છે.

આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૨૨ કિ.મી. રહેવા પામી છે. ચોમાસુ નજીક આવતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અસહય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ માસથી કાળઝાળ ગરમીથી પીડાતા ગુજરાતવાસીઓ હવે મેઘરાજાને જલ્દીથી પધારવા વિનવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.