Abtak Media Google News

ખેડુતો, ગરીબો, યુવાનો, ઉઘોગકારો સૌની ખેવના કરતાં રૂપાણી સરકાર

ગુજરાતની પ્રજાની શાંતિ સંતોષ, સુખાકારી, સમૃઘ્ધી અને પ્રગતિમાં સતત વધારો

ગુજરાતમાં બીજી વખત શાસનની ઘુરા સંભાવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારે યશસ્વી એક વર્ષ પૂર્ણ કર્યુ છે. ખરા અર્થમાં રૂપાણી સરકાર લોકો માટે ર૪ કલાક કામ કરતી અને ખેવના કરતી સરકાર સાબિત થઇ છે. મુખ્યમંત્રી પોતે એક લોક સેવક તરીકે ઉભરી આવ્યા છે. ખેડુતો, ગરીબો, યુવાનો, ઉઘોગકારો એમ સૌની ખેવના કરતી સરકારની લોકહિત લક્ષી કામગીરીથી પ્રજાની શાંતિ, સંતોષ, સુખાકારી, સમૃઘ્ધી અને પ્રગતિમાં સતત વધારો થયો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગવી સૂઝને લઈને રૂપાણી સરકારે લીધેલા નિર્ણયો તેમના પ્રજાલક્ષી સુશાસનની પ્રતીતિ કરાવે છે.

સૌપ્રથમ ખેતીની વાત કરીએ તો, ખેતી પર નભતા ખેડૂતોની તકલીફોને ધ્યાનમાં રાખીને હવેથી ૧૨૫ M.M.ને બદલે ૩૫૦ M.M. સુધીના ઓછા વરસાદવાળા તાલુકાને  અછતગ્રસ્ત પ્રદેશમાં સમાવી લેવામાં આવશે. ૧૩૦૦ કરોડની વિશેષ સહાય સાથે ૧૩ લાખથી વધુ ખેડૂતોને આ વિશેષ રાહત હેઠળ સમાવી લેવામાં આવશે. સ્કાય યોજના (સૂર્ય શક્તિ કિસાન યોજના) અંતર્ગત ખેડૂતોને સુર્ય પ્રકાશમાંથી વીજળી બનાવવા માટે સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે.જેથી, હવે ખેડૂત વીજળી ખરીદનાર નહિ પણ પોતાની જરૂરિયાતની વીજળી પોતે બનાવી શકનારો ઉત્પાદક બનશે અને સાથોસાથ વીજળી વેચનાર પણ બનશે. આ રીતે ખેડૂત માટે આવકનો એક વધુ સ્ત્રોત ઉભો થશે. ગુજરાતના ખેડૂતને અને જનસામાન્યને દુષ્કાળનો ક્યારેય સામનો ન કરવો પડે, દુષ્કાળ એક દંતકથારૂપ બની જાય તે માટે  ૪૧ લાખ હેક્ટર જમીનને નર્મદા યોજનાનો લાભ આપીને લીલીછમ ફળદ્રુપ બનાવી દેવામાં આવી છે. રાજ્યના એવા સાત લાખ વીજગ્રાહકો કે જેઓ ઝૂપડપટ્ટીમાં રહે છે, આર્થિક રીતે પછાતવર્ગના લોકો તથા નાના ગરીબ ખેડૂતોનાં વીજળી બીલના દંડની રકમ માફ કરવામાં આવી છે. જેનાથી આ વર્ગમાં રાહતની લાગણી થઈ છે.

માંડ માંડ બે છેડા ભેગા કરતા અનેક પરિવારો માટે અચાનક આવી પડતી બીમારીઓ/ અકસ્માતો વગેરેમાં આરોગ્યની સવલતો મેળવવી મુશ્કેલ તો ક્યારેક અશક્ય બની જતી હોય છે. પણ હવે રૂપાણી સરકારની આરોગ્યલક્ષી સવલતોને કારણે લોકોને ધરપત છે કે તેઓ પૈસાના અભાવે  સારવારથી વંચિત નહી રહી જાય. રૂપાણી સરકાર રાજ્યમાં વસતા દરેક નાગરિકના આરોગ્ય માટે ચિંતા સેવે છે. આ માટે સરકારે મા અમૃતમ યોજના અને મા વત્સલ્ય યોજના દ્વારા ૪૧ લાખ પરિવારને ૨૦૦૦ કરોડથી વધુ રૂપિયાની આરોગ્યલક્ષી સવલતો અને સહાય આપી છે.

રાજ્યના બહોળા યુવાવર્ગને રૂપાણી સરકારે રોજગારી ઉપલબ્ધ કરાવી છે. જે-તે વિષયમાં પ્રવીણતા ધરાવનાર યુવાનને સબંધિત ક્ષેત્રમાં નોકરી અપાવવાનું ભગીરથ કાર્ય એક વર્ષમાં થયું છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના માં ૭૫ હજાર યુવાનોને તથા સરકાર આયોજિત રોજગાર મેળાવડા દ્વારા ચાર લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. જે લોકો અનામતના દાયરામાં નથી આવતા તેવા ઓપન કેટેગરીમાં આવતા યુવાનો સાથે અન્યાય ન થાય તે ધ્યાનમાં રાખીને બિન અનામત વર્ગ આયોગ તથા બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી છે અને આ દિશામાં ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં પીવાના અને વપરાશના પાણીની અછત નિવારવા કે પાણી માટે થતી હાડમારી દૂર કરવા દરિયાના ખારા પાણીને મીઠું/ઉપયોગલાયક બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટસ ઉપર રૂપાણી સરકાર ખૂબ જ સક્રિય છે. તે માટે એક વર્ષમાં ૬ ડીસેલેશન પ્લાન્ટને કાર્યરત કરવા તેના ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા છે અને આ દિશામાં પરિણામલક્ષી કાર્યવાહી ચાલુ છે.

નાના ઉદ્યોગોને પડતી પારાવાર મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ અને રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બાર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી આ ઉધોગોને નડતા અવરોધો દૂર થશે અને આ ઉદ્યોગો વધુ ઉત્પાદકતા સાથે વિકસી શકશે. નાના લોકો, અશિક્ષિત કે વહિવટીય કામ સમજવામાં અસહાય લોકો માટે સરકારે સેવાસેતુ’ કાર્યક્રમ હાથ ધર્યો છે. સેવાસેતુ એક એવો કાર્યક્રમ છે જે અંતર્ગત નાના અને ગરીબ લોકોના પ્રશ્નોને અહીં હલ કરવામાં આવે છે. આ અંતર્ગત એક કરોડ છ લાખથી વધુ લોકોના પ્રશ્નો અહીં સરળતાથી ઉકેલવામાં આવ્યા છે.

રાજ્યમાં શિક્ષણને વિવિધલક્ષી, વ્યવહારિક, અને સમૃદ્ધ બનાવવા સરકારે પરંપરાગત શિક્ષણથી વિશેષ એવી યુનિવર્સિટીઓ જેવી કે સ્પોર્ટ્સ યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી વગેરે માટે જરૂરી સહાય અને જમીન ફાળવીને શિક્ષણને નવી દિશા અને ગુજરાતના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની તક આપી  છે.

રાજ્યમાં ઝડપી અને આધુનિક વિકાસને લઈને રૂપાણી સરકાર સક્રિય છે. માળખાગત સુવિધાઓ ઉભી કરવી તથા તેનાં ધોરણોમાં સુધારણા લાવવી તેના પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે. તે માટે એક જ વર્ષમાં ૧૦૦ ટીપી સ્કીમ અને ૧૦ ડીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ધોરીમાર્ગ રાજમાર્ગના વિકાસ સાથે-સાથે ગુજરાતને મળેલ વિશેષ દરીયાઈપટ્ટીને પણ ટ્રાન્સપોર્ટેશનમાં યૂટિલાઇસ કરવા રૂપાણી સરકાર કાર્યરત છે.જેનાથી ધોરીમાર્ગો પર ટ્રાફિક/ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા નિવારી શકાશે સાથોસાથ દરીયાઇમાર્ગે આવન-જાવનના કારણે રોજગારી માટે એક નવું ક્ષેત્ર ખુલશે. આ અંતર્ગત ઘોઘા ટુ દહેજ રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેનાથી ભાવનગરથી સુરત-ભરૂચ વગેરે રૂટ પર સમય, પૈસા અને બળતણની માન્યામાં ન આવે તેવી બચત સાથે આ પ્રવાસ સરળ બન્યો છે.

રૂપાણી સરકારની સંવેદનશીલતાની તેના વહીવટીય નિર્ણયોમાં પ્રતીતિ થાય છે. નફા કમાવવાના કે રાજ્યની આવક વધારવાના હેતુને બાજુ પર મૂકી, માનવીય અભિગમ અપનાવી રૂપાણી સરકારે રાજ્યમાં જીવતા પશુ-પક્ષીઓની નિકાસ પર રોક લગાવ્યો છે. જેનાથી ગુજરાતની તમામ જીવસૃષ્ટિને અભયદાન મળ્યું છે.

ગુજરાતના આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જેવા અભૂતપૂર્વ સ્મારકનું નિર્માણ કરી રૂપાણી સરકારે ગુજરાતને વિશ્વસ્તરે ઊંચાઈ અપાવી છે. આ નિર્માણને કારણે આ વિસ્તાર આસપાસ વસતા ગ્રામ્યજનો અને આદિવાસી પ્રજાને મોટા પ્રમાણમાં રોજગારી મળી રહી છે અને ગુજરાત ટુરિઝમને પણ નવો વેગ મળ્યો છે.

કોઈ પણ રાજ્ય કે દેશ ગમે તેટલો વિકાસ સાધે પણ જો તેનું તંત્ર ભ્રષ્ટાચારના દૂષણથી ગ્રસ્ત-ત્રસ્ત હોય તો તે વિકાસને ઉધઈની જેમ અંદરથી કોરી ખાય છે. એટલા માટે જ રૂપાણી સરકારે ભ્રષ્ટાચારને નિવારવા નિર્ણાયક પગલાઓ લીધા છે. એક જ વર્ષમાં ૭૧૦ ભ્રષ્ટ અધિકારીઓને પદભ્રષ્ટ કરવાનો દાખલો બેસાડી રૂપાણી સરકારે ભ્રષ્ટાચારીઓમાં ડર ઊભો કર્યો છે. આ ઉપરાંત, વહીવટીય કામમાં ભ્રષ્ટાચારનો અવકાશ જ ન રહે તેવી કાર્યપ્રણાલી અપનાવી છે. એનો એક દાખલો જોઈએ તો, બિન ખેતી પ્રક્રિયા જ્ઞક્ષહશક્ષય કરી દેવામાં આવી તેનાથી વચેટિયાઓની ભૂમિકા જ ન રહેતા ભ્રષ્ટાચાર નિવારી શકાયો છે.

તો આ છે રૂપાણી સરકારની એક વર્ષની કામગીરીનું ટુકુ વૃતાંત. જનસામાન્યનું જીવન આસાન બનાવવા અને જીવનધોરણ ઊંચું લાવવા ધરખમ પગલાઓ લેતી રૂપાણી સરકારના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રગતિ અને ક્રાંતિનો નવો પવન ફૂંકાયો છે. આરોગ્ય,શિક્ષણ, રોજગાર, વીજળી, પાણી, રહેણાંક, વાહનવ્યવહાર,આધુનિક વિકાસ… આ બધા જ ક્ષેત્રે વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ગુજરાતની પ્રજાની શાંતિ, સંતોષ, સુખાકારી,સમૃદ્ધિ અને પ્રગતિમાં લગાતાર વધારો થયો છે.

અબતકના મોંઘેરા મહેમાન બનેલા વિજયભાઈ રૂપાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.