રાજકોટમાં ભંગારના ડેલામાં આગ: ૩ લાખનું નુકશાન

145

બે માસ પહેલા જ ધંધો શરૂ કર્યો: આગ પાછળનું કારણ અકબંધ

રાજકોટ ભાવનગર રોડ પર થોરાળા પોલીસ મથકની બાજુમાં આવેલા ભંગારના ડેલામાં ગત મોડી રાત્રે આગ લાગવાની જાણ ફાયર મથકમાં થતાં ફાયર બ્રીગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગનાં પગલે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ડેલામાં રહેલો અંદાજીત રૂ ૩ લાખનો ભંગાર બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દુધ સાગર રોડ પર રબાની કોમ્પલેકસમાં રહેતા અને ભાવનગર રોડ પાસે થોરાળા પોલીસમથકની બાજુમાં ભંગારનો ડેલો ધરાવતા ચિરાગભાઇ અમીરઅલી ઇસાણી ના ભંગારના ડેલામાં ગત રાતે અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડમાં જાણ  કરતાં ફાયર મથકના સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગના પગલે માલીક ચિરાગભાઇ સઇાણીએ અંદાજીત રૂ ૩ લાખની મતાનું પ્લાસ્ટીક, પુઁઠા અને અન્ય ભંગારનો સામાન બળીને ખાખ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું જયારે ઘટનાના પગલે જાનહાની ટળી હતી. ભંગારના ડેલામાં આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જાણવા મળતી વિગત મુજબ હજુ બે માસ અગાઉ  માલીકે ભંગારનો ધંધો શરુ કર્યો હોય અને દિવાળીના તહેવાર નીમીતે ભાવ ઓછો હોવાથી ડેલામાં વધુ સામાન હોવાનું જણાવ્યું હતું ત્યારે ગત રાતે કોઇ કારણોસર ડેલામાં આગ લાગતા રૂ ૩ લાખની કિંમતનો મતા બળીને ખાખ થઇ ગઇ હતી.ધટનાની જાણ ફાયર મથકમાં થતા ત્રંબા ફાયર મથકેથી બે કોઠારીયા ફાયર સ્ટેશન પરથી એક બેડીપરા ફાયર સ્ટેશન પરથી એક મળી કુલ પાંચ બંબાથી ફાયરના જવાનોએ પાણી મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ભંગારના ડેલામાં હોવાથી કોઇ કારણોસર ફરી વખત આગ ન લાગે તે માટે એક ટીમને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી હતી.

Loading...