Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ, ધર્મ, સામાજીક સંહિતામાં લગ્ન સંબંધી પરંપરાઓમાં રહેલુ વૈજ્ઞાનિક મહત્વ આધુનિક જગતને સમજવું જ રહ્યું, લોહીના સંબંધોથી સંતાનોમાં જનીનીક ખામીના અભિશાપના કારણે જ લોહીના સંબંધોના લગ્ન પરના પ્રતિબંધને હવે મળશે કાયદાનું કવચ?

માનવ સભ્ય સંસ્કૃતિના સંતુલીત વિકાસ માટે ‘લગ્નપ્રથા’ અને પારીવારીક આચારસંહિતા અનિવાર્ય છે. વિશ્ર્વમાં ક્યાંય માનવ સભ્ય સંસ્કૃતિ બરાબર ઠરીઠામ થઈ ન હતી તે પહેલા ભારતીય સભ્ય સંસ્કૃતિ અને ઋષિકાળ વૈદઉપનિષદમાં લગ્ન વ્યવસ્થા માટે આદર્શ આચારસંહિતા મુજબ સામાજીક વ્યવસ્થા ચાલતી હતી. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં લોહીના સંબંધો ધરાવતા મહિલા-પુરૂષ પાત્રો વચ્ચે લગ્ન સંબંધ નિષેધ માનવામાં આવે છે. આ પરંપરાને ધર્મરૂપ આપીને જે હિન્દુ લગ્ન વ્યવસ્થા અમલીય છે તેની પાછળ રહેલા સામાજીક અને વૈજ્ઞાનિક તથ્યો હવે આધુનિક યુગમાં સ્વીકાર્ય બની રહ્યાં છે.

સામાજીક લગ્ન આચારસંહિતામાં એક ગૌત્ર, કુળ અને લોહીના સંબંધોવાળા પાત્રોના લગ્ન પર નિષેધ છે. આ રીવાજને હવે કાયદાનું રૂપ મળે તેવા સંજોગો ઉભા થયા છે. હરિયાણા, પંજાબ હાઈકોર્ટમાં સગીર કિશોરી અને નજીકના સગા પિતરાઈ ભાઈ વચ્ચે થયેલા લગ્નને કાયદેસરતા આપવા માટે કરેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે ધર્મસંહિતામાં જે રીતે કુળ અને ગૌત્ર અને નજીકના લોહીના સંબંધો ધરાવતા પાત્રો વચ્ચે લગ્ન નિષેધ છે તેને કાયદાનું રૂપ મળે તેવા વલણ સાથે અદાલતે અભિપ્રાય આપ્યો હતો કે, પિતરાઈના લગ્ન ગેરકાયદેસર ગણાય.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સગા પિતરાઈ વચ્ચેના લગ્ન કોઈપણ સંજોગોમાં કાયદેસર ન ગણાય તેવું ઠેરવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, સગા પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના લગ્નને કોઈપણ સંજોગોમાં કાયદેસરતા ન અપાય. હાઈકોર્ટમાં અરજદારે કરેલી અરજીમાં છોકરી ૧૮ વર્ષની હોય અને તેના લગ્ન કાયદેસરના ગણાય તેવી દલીલ કરી હતી, જેનો અદાલતે અસ્વીકાર કર્યો હતો. ૨૧ વર્ષના યુવકે બિનજામીનપાત્ર વોરંટ સામે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. યુવક પર અપહરણનો ગુનો દાખલ થયો હતો. રાજ્ય સરકારના વકીલે આ જામીન અરજી સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી પર સગીર કિશોરીના અપહરણના આરોપ સાથે ફરિયાદ દાખલ થઈ છે. તેની સામે આરોપીના બચાવપક્ષના વકીલે ન્યાયમૂર્તિ અરવિંદસિંઘ સગવાન સામે દલીલ કરી હતી કે, આ કેસમાં છોકરીની સુરક્ષા અને સ્વાયતતા ધ્યાને લેવી જોઈએ. કોર્ટે રીટ પીટીશન દાખલ કરી હતી. ઓગષ્ટ ૨૦૦૩માં જન્મેલી છોકરી ૩ સપ્ટેમ્બર ૨૦૨૦માં ૧૭ વર્ષ અને ૧૪ દિવસની હતી. છોકરી પુખ્ત થયા બાદ આ લગ્ન કાયદેસરના ગણાય તેવી દલીલ કરવામાં આવી હતી.

અદાલતે આ બનાવમાં સ્પષ્ટપણે એવું વલણ અખત્યાર કર્યું હતું કે, આ કેસમાં યુવક-યુવતીની વય અને વય મર્યાદાનો મુદ્દો ગૌણ બની જાય છે. કોઈપણ સંજોગોમાં સગા પિતરાઈ સંબંધ ધરાવતા પાત્રો વચ્ચે લગ્ન થઈ જ ન શકે. છોકરી ૧૮ વર્ષની થઈ જાય તો પણ સગા પિતરાઈ ભાઈ બહેનો વચ્ચે લગ્નને કાયદેસરતા આપી ન શકાય. બિનજામીનપાત્ર વોરંટને રદ્દ કરવા માટે કરાયેલી અરજીમાં સામે-સામે દલીલો થઈ હતી. પરંતુ અદાલતે આ કેસમાં હિન્દુ લગ્નધારાનો હવાલો આપીને પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે લગ્નને કાયદેસરતા આપી જ ન શકાય તેવો સ્પષ્ટ ચૂકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, સગા પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્નનો સવાલ જ આવતો નથી. હિન્દુ લગ્નધારો આવા પાત્રોને અરસપરસ લગ્નગ્રંથીથી જોડાવાની મંજૂરી જ આપતો નથી. એક વખત નજીકના પિતરાઈ સંબંધો ધરાવતા અરજદાર અને યુવતીના લગ્ન ગેરકાયદેસર ઠરે તો પછી તે બન્ને લીવ ઈન રિલેશનમાં પણ ન રહી શકે.

ભારતીય સંસ્કૃતિ, ધર્મ, સામાજીક સંહિતામાં લગ્ન સંબંધી પરંપરાઓમાં રહેલુ વૈજ્ઞાનિક મહત્વ આધુનિક જગતને સમજવું જ રહ્યું, લોહીના સંબંધોથી સંતાનોમાં જનીનીક ખામીના અભિશાપના કારણે જ લોહીના સંબંધોના લગ્ન પરના પ્રતિબંધને હવે મળશે કાયદાનું કવચ મળી જાય તેવું દેખાઈ રહ્યું છે.

હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે સગા પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના આ લગ્નની વધુ સુનાવણી આવતા જાન્યુઆરી મહિનામાં યોજવાની તારીખ આપી હતી. નજીકના લોહીના સંબંધો વચ્ચે લગ્ન થવાથી સંતાનોમાં જનીનીક  ખામીઓની દહેશત રહે છે. આ વૈજ્ઞાનિક તથ્યને ધર્મનો આધાર બનાવી પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્ન અવેધ માનવામાં આવે છે. આ ધર્મ આચારસંહિતાને હવે કાયદાનું રૂપ મળે તેવા સંજોગો ઉભા થયા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આ શકવર્તી ચુકાદા જેવા નિર્ણયને પગલે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં પિતરાઈમાં થતા લગ્ન ગેરકાયદેસર થાય તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.