Abtak Media Google News

હોન્ડા, ફોર્ડ, ચીનની સીયાક, ટાટા મોટર્સ અને સુઝુકી સહિતની કંપનીઓ દ્વારા પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પુરજોશમાં

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં પણ થશે અનેક કરાર

ગુજરાતના માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં દર વર્ષે લાખો કારનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. આ ક્ષેત્રને દેશનું સૌથી મોટુ ઓટોમોબાઈલ હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે. અમદાવાદ અને મુંદ્રા-કંડલા વચ્ચે માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન સ્થાપવામાં આવ્યું છે.

આ ક્ષેત્રમાં હોન્ડા, ફોર્ડ, ચીનની સીયાક તથા ટાટા મોટર્સ અને સુઝુકી સહિતની કંપનીઓ પોતાના પ્લાન્ટ સ્થાપશે. આ તમામ કંપનીઓ દર વર્ષે ૧૦ લાખ કારનું ઉત્પાદન કરે તેવો અંદાજ છે. અત્યારે સુઝુકી મોટર્સ દ્વારા પોતાના પ્લાન્ટ બાંધવાની કાર્યવાહી બીજા તબકકામાં પહોંચાડવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. આગામી પાંચ વર્ષના સમયગાળામાં માંડલ બેચરાજી એસઆઈઆરનું કામ પૂર્ણ થઈ જશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

આગામી વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯નું આયોજન તા.૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે.જેમાં પણ સિંગાપોરની અનેક કંપનીઓ ભાગ લેવા આતુર છે. આ વાયબ્રન્ટ સમીટમાં પણ ઓટો મોબાઈલ ક્ષેત્રને સંલગ્ન કંપનીઓ ગુજરાતના માંડલ બેચરાજી એસઆઈઆર ખાતે રોકાણ કરવા તૈયાર થશે તેવી આશા રાખવામાં આવી છે.

બીજી તરફ ૯૦૦ સ્કવેર કિમીમાં ફેલાયેલા ઢોલેરા એસઆઈઆરમાં પણ ડિફેન્સ ઓટો મોબાઈલ એન્જીનીયરીંગ અને ટેકસટાઈલ માટે પ્રોજેકટ નિર્માણ ચાલુ છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રોડ, ગેસ, પીવાના પાણી, ઈન્ટરનેટ અને ઓપ્ટીકલ ફાયબર લાઈનની સુવિધા આપવા માટે સરકારે અનેક પ્રોજેકટ શરૂ કર્યા છે જેમાં દિલ્હી, મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર (ડીએમઆઈસી)નો સમાવેશ પણ થાય છે જેમાં ભારતીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે ઝડપી રેલ વ્યવહાર માટે સુવિધા વિકસાવવામાં આવશે.

ગુજરાતમાં ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝના વિકાસની સાથોસાથ ઉત્પાદન માટે પણ ઓટોમોબાઈલ હબ વિકસાવવામાં આવે તે માટે સરકાર લાંબાસમયથી આકાર લઈ રહી છે. ગુજરાત સમીટના માધ્યમથી વિદેશની અનેક ઓટો મોબાઈલ કંપનીઓ ગુજરાતમાં પોતાના પ્રોજેકટ સ્થાપવા તૈયાર થઈ ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.