Abtak Media Google News

પોલીસ અને એસઆરપીનું સઘન પેટ્રોલિંગ: જિલ્લા કલેકટરે શાંતિ સમિતિની મિટીંગ યોજી બન્ને સમાજના આગેવાનોને શાંતિ જાળવવા કરી અપીલ

હળવદમાં તાજીયાના દિવસે હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ અંગે જંગરીવાસ ખાતે સમાધાન કરવા ગયેલા બજરંગદળના બે સયોજક પર મુસ્લિમ શખ્સોએ તલવારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી ફરાર થતા કોમી તનાવ સાથે તંગદીલી સર્જાય હતી અને બજરંગદળ અને વેપારી મહા મંડળ દ્વારા હળવદ અચોક્કસ બંધનું એલાન આપ્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ અને આગ ચાપવાનું શરૂ કરતા પરિસ્થિતી બેકાબુ બની જતા પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરે હળવદમાં શાંતિ સમિતિની બેઠક યોજી બંને સમાજના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

હળવદ બજરંગદળના સયોજક ભાવેશ ઠક્કર અને અલ્પેશભાઇ પારેજીયા તાજીયાના દિવસે હિન્દુ યુવકને છરી લાગવાની ઘટના અંગે સમાધાન માટે જંગરીવાસમાં ગયા હતા ત્યારે મુસ્લિમ શખ્સોએ બંને યુવાન પર પોલીસની હાજરીમાં તલવારથી ખૂની હુમલો કરી ફરાર થઇ જતા કોમી તનાવ સાથે તંગદીલી સર્જાય હતી.

બજરંગદળના સયોજક ભાવેશ ઠક્કર અને અલ્પેશ પારેજીયા પર ખૂની હુમલા થતા ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાના વિરોધમાં બજરંગદળ અને હળવદ વેપારી મહામંડળે હળવદ બંધનું એલાન આપવામાં આવતા હળવદના વેપારીઓએ બંધ પાડયા બાદ બીજા દિવસે પણ હળવદ બંધ રહ્યું હતું. હુમલાના કારણે રોષે ભરાયેલા ટોળાએ બે મોબાઇલની દુકાનમાં તોડફોડ કરી હતી. રૂ પીંજવાની દુકાન અને બેકરી તેમજ બે ભંગારના ડેલા સળગાવી નાખતા હળવદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાય હતી.

કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ૧૩ જેટલા શખ્સોની અટકાયત કરી બેકાબુ ટોળા પર અંકુશ મેળવવા મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરની પોલીસની મદદ લેવામાં આવી હતી. તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાઉન્ડ ધ કલોક એસઆરપીનું પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, રેન્જ આઇજી સંદિપસિંધ અને જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા સહિતના અધિકારીઓ હળવદ દોડી ગયા હતા અને ઘટના સ્થળે જાત માહિતી મેળવ્યા બાદ જિલ્લા કલેકટર માકડીયાએ સર્કીટ હાઉસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી બંને સમાજના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

પોલીસે ગઇકાલે જ મોટી સંખ્યામાં અટકાયત કરી બેકાબુ પરિસ્થિતી પર કાબુ મેળવી લીધો હતો. આમ છતાં બીજા દિવસે હળવદ બંધ રહ્યું હતું અને ખોટી રીતે અટકાયત કરાયેલાઓને મુક્ત કરવા માગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.