Abtak Media Google News

રાજકોટ જિલ્લાની ૫ રેસ્કયુ વાન કાર્યરત: સલાહ, સુચન, માર્ગદર્શન અને બચાવના ૩૪ હજારથી વધુ કેસ પર કરી કાર્યવાહી

મહિલા સંબંધીત સમસ્યાઓના પ્રશ્નોના સુખદ અને ત્વરિત નિરાકરણ અર્થે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારની અનન્ય સેવા એટલે ડાયલ ૧૮૧.સમગ્ર રાજયમાં મહિલાઓ માટે સુરક્ષા કવચ પુરૂં પાડી રહી છે  રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ મહિલા હેલ્પલાઇન સેવા.

સૌરાષ્ટ્ર કચ્છ રીજીયનના પ્રોજેક્ટ કોર્ડીનેટર તુષારભાઈ બાવરવા જણાવે છે કે માર્ચ ૨૦૧૮ થી હાલ સુધીમાં રાજકોટ જિલ્લામાં ૩૪ હજાર થી વધુ કોલ્સ મહિલાઓ દ્વારા તેમની સમસ્યાને લગતા મળ્યા છે. જેમાં ૨૫ હજાર થી વધુ કોલ્સમાં સલાહ સુચન અને માર્ગદર્શન દ્વારા ફોન પર જ મદદ કરવામાં આવી છે. ૮ હજાર થી વધુ કોલ્સ પર સમસ્યાનો સ્થળ પર જઈ મદદ પહોચાડેલ છે. જેમાંથી ૮૦ ટકા જેટલા કેસમાં સુખદ સમાધાન કરાવી આપ્યાનું અને ૧૫૦૦ થી વધુ કેસમાં વધુ મદદ માટે અન્ય સંસ્થામાં જરૂરિયાતમંદને રીફર કરવામાં આવ્યાનું તેઓ જણાવે છે. એકથી વધુ વાર સમસ્યા થાય તો તેઓને મહિલાઓને કાઉન્સલીંગ સેન્ટર પર વધુ સહાય અર્થે મોકલવામાં આવે છે.

તુષારભાઈ વધુમાં જણાવે છે કે ૮૦ % કેસમાં સ્થળ પર જ સુખદ સમાધાન કરાવી આપવામાં આવે છે તેમજ આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે ખાત્રી કરવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા ખાસ હેલ્પલાઇન મોબાઈલ એપ પણ શરુ કરાઈ છે. જેમાં પેનિક બટન દબાવતા જ તુરંત મદદ મળે છે. મુશ્કેલીમાં મોબાઈલ શેઇક કરતા સીધો ફોન લાગી જાય છે. ઘટના સ્થળ જીપીએસ દ્વારા મળી જાય છે. ૧૮૧ બટન દબાવતાજ તેમના ૫સગા સબંધીને મેસેજ મળી જાય છે. ઘટના સ્થળના ફોટો તેમજ વિડીયો શેર કરી શકાય છે.  ઘરના સહીત જુદા જુદા સ્થળના એડ્રસ સ્ટોર કરી શકાય છે. આમ મહિલા હેલ્પ લાઈન એપ સાચે જ સ્ત્રી સલામતીનું બ્રહ્માસ્ત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.