Abtak Media Google News

આર્થિક પછાત વિસ્તારો, શાળા, કોલેજોમાં જાગૃતિ-પ્રેરક કાર્યક્રમો યોજાશે

મહિલા સુરક્ષા, પ્રશિક્ષણ અને જાગૃતિના વિષયોને આવરી લઈ ગુજરાત સરકાર દ્વારા ૧ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ઉજવવામાં આવનાર મહિલા સશકિતકરણ પખવાડિયાનો અખિલ હિન્દ મહિલા પરિષદ સંકુલ ખાતે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંયુકત રાષ્ટ્રસંઘ ખાતે મહિલા શકિતનો આંતરરાષ્ટ્રીય સ્તર પર જયઘોષ કરનાર ડો.ભાવના જોશીપુરાની પ્રેરણા અને આહવાનથી આયોજીત આ મહિલા સશકિતકરણ પખવાડીયાના અધ્યક્ષ સ્થાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા કાર્યકારી કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે તથા જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી જી.ડી.પડીયા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદઘાટક જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી ન્યાયધીશ જે.ડી.પડીયાએ પ્રત્યેક કાયદાઓ તેમજ કલ્યાણકારી યોજનાઓની સફળતાનું હાર્દ સતત અને સાર્વત્રિક જાગૃતિ છે અને જાગૃતિ અભિયાન કાનુની સેવા સતા મંડળ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકારના સમન્વયથી સરસ રીતે કરી શકાય છે તે માટેની શુભેચ્છાઓ પાઠવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવનનાં અધ્યક્ષ પ્રો.ભરતભાઈ મણીયાર, માનવ અધિકારી ભવનના અધ્યક્ષ પ્રો.રાજેશભાઈ દવે, જીલ્લા રક્ષણ અધિકારી ડો.જનકસિંહ ગોહેલ, વરીષ્ઠ પ્રિન્સીપાલ સુદર્શનાબેન માંગુકિયા, જિલ્લા મદદનીશ રક્ષણ અધિકારી કિરણબેન પ્રાધ્યાપક આનંદભાઈ ચૌહાણ, રોટરી કલબના પ્રમુખ ડો.બાનુબેન ધકાણ ઉપરાંત સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ ટ્રેઈન્ડ કાઉન્સેલર્સો સહિતની એજન્સીઓ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, લીગલ રીસર્ચ ફાઉન્ડેશન, કુટુંબ, સલાહ કેન્દ્ર, પરીષદ મંત્રી પ્રવિણાબેન જોશી તથા કોષાધ્યક્ષ આશાબેન મદલાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભિત મહિલા સશકિતકરણ પખવાડીયા દરમ્યાન રાજકોટના વિવિધ આર્થિક પછાત વિસ્તારો, કોલેજો, યુનિવર્સિટી ભવનોમાં, વિવિધ સોસાયટીઓમાં શ્રેણીબઘ્ધ કાર્યક્રમો, પ્રકલ્પો ઉપરાંત આરોગ્ય, સુરક્ષા, સ્વરક્ષા, માતૃકલ્યાણ, કુપોષણ સામેની ઝુંબેશ, મહિલા કર્મયોગી, કાનુની સાક્ષરતા સહિતના વિવિધ આયામો સાંકળી લેવામાં આવનાર છે. સમગ્ર પખવાડિયાના નિયોજક અખિલ હિન્દ મહિલા પરીષદના પ્રમુખ ભાવના જોશીપુરાએ ઉપસ્થિત વિશાળ સમુહને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૮નાં આ પખવાડીયાની ઉજવણી દરમ્યાન યુવા મહિલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ જાગૃતિપ્રેરક કાર્યક્રમો યોજવામાં આવશે. પખવાડીયા દરમ્યાન વધુને વધુ તરૂણી-યુવતીઓ ૧૮૧ હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરે તેનું પણ આયોજન છે.

મહિલા સશકિતકરણ પખવાડિયાનાં ઉદઘાટક પ્રથમ મહિલા કાર્યકારી કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સવિશેષ રીતે યુવા મહિલાઓ પોતાની સુઝ અને આવડતથી આગળ આવી રહેલ છે. આઈ.ટી., હેલ્થકેર, પર્યાવરણ અને શિક્ષણ સંશોધનમાં અનેક વિષયોમાં મહિલાઓનું યોગદાન વધુને વધુ પ્રસ્તુત બની રહેલ છે. આ તત્વાવધાનમાં મહિલા સશકિતકરણ પખવાડીયાનો ખ્યાલ ખુબ જ પ્રસ્તુત અને ઉપયોગી બની રહેશે અને યુનિવર્સિટી ક્ષેત્રનો પૂર્ણ સહયોગ મળી રહેશે તેવી જાહેરાત કરી હતી.

મહિલા સશકિતકરણ પર્વ અંગે સંપુર્ણ માહિતી જિલલા રક્ષણ અધિકારી ડો.જનકસિંહ ગોહેલ આપેલ. વધુને વધુ સમાજસેવી સંસ્થાઓ ખાસ કરીને મહિલા અને બાળકોના અધિકાર અંગે કામ કરતા સમુહો જાગૃત થાય તે સંદર્ભે જણાવેલ. મહિલા સશકિતકરણ પખવાડીયાના મંગલ પ્રારંભે સમયે સુરક્ષા-સક્ષમતા અને સ્વાવલંબન માટે સૌએ પ્રતિજ્ઞા લીધેલ. કાઉન્સેલર પુનમ વ્યાસ, પ્રાધ્યાપક નિર્મળસિંહ હેરમા, શબનમ ઠેબા, લીલાબેન મેપાણી જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.