Abtak Media Google News

મહિલા એએસઆઈ અને જીઆરડીના બે જવાનો સાથે મળી હનીટ્રેપનું કાવતરુ ઘડ્યાનો થયો ઘટસ્ફોટ

બે લાખ ખંખેરવા ફસાયેલા વેપારી પાસેથી રૂ.૨૨૦૦૦ની લૂંટ કર્યાનો ગુનો નોંધાયો’તો

જુના મિત્ર એવા મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી રાજકોટની પરિણીતાએ પતિ, જીઆરડીના જવાન સહિત પાંચ શખસોએ રૂા.પ લાખની માંગણી કર્યાના ગુનામાં ગાંધીગ્રામ-ર (યુનિ.)  પોલીસે કસુરવાર દંપતિ સહિત પાંચ શખસોની ધરપકડ કરી જેની પ્રાથમિક પુછપરછમાં હનીટ્રેપના ગુનામાં માસ્ટર માઈન્ડ અને યુનિ. પોલીસ મથકના મહિલા એએસઆઈની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો મુજબ મોરબીમાં રવાપર રેસીડેન્સીમાં રહેતા સંજયભાઇ હિરાભાઇ સોમૈયા (ઉ.વ.૪૬) નામના લોહાણા વેપારીને રાજકોટની નાણાવટી ચોક વિસ્તારની અલ્પાબેન આશિષભાઇ  મારડીયા નામની મહિલા સાથે ત્રણ-ચાર વર્ષથી મિત્રતા હતી.

પરંતુ થોડો સમય બન્નેની મિત્રતા અટકી ગયા બાદ ફરી ત્રણ મહિનાથી બન્ને સંપર્કમાં આવ્યા હતા. બીજી બાજુ તા.૭ના રોજ અલ્પાએ સંજયભાઇને રાજકોટ ઘરે બોલાવી પ્રેમ સંબંધનો ડોળ કર્યો હતો.

આવા સમયે સંજયભાઇએ બેદરકારી દાખવી અલ્પાના ઘરે પહોંચી ગયા હતા. જયાં મિત્રતા અને સંબંધને કોરાણે મૂકી અલ્પાએ પતિ આશિષ મારડીયા અને અન્ય ત્રણ શખ્સની મદદથી સંજયભાઇને ધોલ થપાટનો માર ખવડાવી પ્રકરણ સંકેલવા રૂા પ લાખની માંગણી કરી હતી.

દરમિયાન રૂ. ર લાખ આપવા અલ્પા અને તેણીના પતિ સહિતના પ શખ્સોએ ધાકધમકી આપવાનું શરુ કરી સંજયભાઇના ખિસ્સામાંથી રૂ. ૨૨૫૦૦ કાઢી લઇને સંજયભાઇને રવાના કરી દીધા હતા.

આ બાબતે સંજયભાઇ સોમૈયાએ ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અલ્પા આશિષ મારડીયા, આશિષ મારડીયા અને પોલીસનો સ્વાંગ રચનાર અન્ય ત્રણ મળી પ સામે ગુનો નોંઘ્યો છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે.દિઓરા અને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એસ.એસ.ચાવડા તેમજ પીએસઆઈ એ.વી.જાડેજા સહિતના સ્ટાફે અલ્પા મારડીયા, આશિષ મારડીયા અને જીઆરડીના બે જવાન સહિત પાંચ શખસોની ધરપકડ કરી હતી.

પોલીસે દંપતિ અને જીઆરડીના જવાન સહિતના શખસોની તપાસ કરતા આ હનીટ્રેપમાં માસ્ટર માઈન્ડ મુળ જસદણ તાલુકાના સાણથલી ગામના વતની  અને હાલ મોરબી રોડ સેટેલાઈટ ચોક, પાવન રેસીડેન્સીમાં રહેતી અને તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ ફરજ બજાવતા તુષાબેન રામજીભાઈ બુહા નામની ૨૯ વર્ષીય યુવતીની યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ધરપકડ કરી અને હનીટ્રેપની ઘટના મુળ સુધી પહોંચવા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ એ.બી.જાડેજા, રાજેશભાઈ મિયાત્રા,  હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મોનાબેન ગુસા અને નિલમબેન સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.