Abtak Media Google News

ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં ગુફાઓ કંડારવામાં આવી હોવાનું અનુમાન:પાંચ ગુફાઓ આજે પણ જાજરમાન ઈતિહાસની સાક્ષી બની રહી છે

રાજકોટ જિલ્લાના ઊપલેટા તાલુકામાં ઢાંક ગામ આવેલું છે. ઊપલેટાથી ઢાંક વીસેક કીમી  દૂર છે. કોલકી ગામ પછી ગધેથડ ગામના ગાયત્રી આશ્રમ તરફ જતાં રસ્તે વેણુ નદી પર બાંધેલા વિશાળ ડેમની પાળ પરથી ઢાંકની ટેકરીઓ નજરે પડે છે.

Img 20180808 Wa0014ઢાંક મોટું ગામ છે. પટેલ અને દલિતોની સાથે દરબારની વસ્તી મુખ્ય છે. આમતો જૂનાગઢથી ઢાંક નજીક થાય છે. મોર્ય સામ્રાજ્યમાં ગિરનાર સૌરાષ્ટ્રનું પાટનગર હતું. વેણુ નદી આ વિસ્તારની જીવાદોરી છે.

ડેમ ખૂબજ વિશાળ છે. નદીનો પટ પહોળો છે. ગામની ઊત્તર દિશાથી પશ્ચિમ દિશા તરફ ટેકરીઓની હારમાળા છે. આ ટેકરીઓ છેક બરડા ડુંગરને મળે છે.જેને લોકો જગજારિયો ડુંગર કહે છે. અંહી ભૌગોલિક હવામાન એ પ્રકારનું છે કે પુશ્કળ  પ્રમાણમાં  સતત પવન વ્હાતો રહે  છે.

Img 20180808 Wa0022 અન્ય વિસ્તાર કરતાં અંહી જમીનનું સ્તર ઊંચુ હશે. પોરબંદર તરફથી દરિયાઈ પવન લહેરાતો રહે છે. પવન ઊર્જા પેદા કરે છે. એટલે જુદી જુદી કંપનીઓની ઊર્જા પેદા કરતી પવનચક્કીઓ પુશ્કળ પ્રમાણમાં જોવા મળે છે.ઝાડી ઝાંખરા કાંટાળા બાવળના જંગલ વચ્ચેથી આડા અવળી બનેલી ચરિયાણ પગદંડી પર એકાદ કી મી ચાલ્યા પછી અદ્ભૂત અને અલૌકિક બૌધ્ધ ગુફાઓ જોવા મળે છે.

નથી નદી કે નથી ટેકરીઓ છતાં જંગલની અંદર વહેતાં ઊડાં પહોળા વોંકળાને કાંઠે આ બૌધ્ધ ગુફાઓ આવેલી છે.ખૂબજ ઓછી જાણીતી આ બૌધ્ધ ગુફાઓ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટીએ અન્ય બૌધ્ધ ગુફાઓથી જુદી પડે છે .હાલ અંહી પાંચ બૌધ્ધ ગુફાઓ છે. ચાર વોંકળાની ભેખળમાં છે. રંગમંચના સ્ટેજ આકારની ભેખડમાં આ ગુફાઓ કોતરેલી છે. રંગમંચની બન્ને બાજુ એક એક ગુફા છે.

એક રંગમંચની સામેની દિવાલમાં છે. રંગમંચની સામે આવેલા ખુલ્લા પટાંગણમાં ઉભા રહી જુઓ તો બૌધ્ધ ગુફાની કોતરણી અને ભવ્યતાનો નિખાર જે તે સમયની સ્થાપત્ય કલાકૃતિની સુંદરતાના દર્શન થાય છે ત્યારે મનમા અનેક પ્રશ્નો ફૂટી નીકળે છે. આ કલા કૃતિઓ કઈ રીતે નિર્માણ પામી હશે.કંડારનારની મન:સ્થિતિ કેવી હશે! કેટલો સમય લાગ્યો હશે… વગેરે.. ઐતિહાસિક પ્રાપ્ય વિગતો, પુરાતત્વ વિભાગ અને મેં  એકઠી કરેલી માહિતી પ્રમાણે આ બૌધ્ધ ગુફાઓ ઈ. સ. ત્રીજી અને ચોથી સદીમાં બનાવવામાં આવી હશે.

Img 20180808 Wa0008

ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં આ ગુફાઓને કંડારવામાં આવી હશે . ઈ.સ.૩૯૫ થી ઈ.સ.૪૮૦ ગુપ્તકાલિન સમય હતો.તે સમયના બૌધ્ધ શિલાલેખો અને શિલ્પ કોતરણીઓની સામ્યતા એ પુરવાર કરે છે કે આ ગુફાઓ ગુપ્તકાલિન સમયનો વારસો છે.

તે સમયે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બૌધ્ધ ધર્મની પ્રબળ અસર હતી.પૂરા ગુજરાતમાં બૌધ્ધ ધર્મ છવાયેલો હતો. વર્ણાશ્રમ ધર્મના બંધનો, જાતિના બંધનો, સામાજિક ઊંચ નીચ.જાતિવાદ નામશેષ હતો. બૌધ્ધ અને જૈન ધર્મની પ્રબળ અસર સામે બ્રાહમણ ધર્મ ઝઝુમી રહ્યો હતો. મોર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બૌધ્ધ ધર્મ રાજ ધર્મ હતો.

અંહી આવેલી પહેલી ગુફા ૭.૫ ફૂટ લંબાઈ,૭ ફૂટ પહોળાઈ અને ૬.૫ ફૂટ ઊંચાઈ ધરાવે છે.આ ગુફામાં તથાગત બુધ્ધની ધ્યાનસ્થ મૂર્તિ દિવાલમાં કંડારવામાં આવી છે.મૂર્તિની બન્ને બાજુ વજ્રપાણિની ઊભી મૂર્તિઓ વંદન મુદ્રામા છે.અંહી જર્જરિત થયેલી નાની મૂર્તિઓ પણ  જોવા મળે છે.અંહીની તમામ ગુફાના પ્રવેશ દ્વાર ખૂબજ સાંકડા છે. ગુફામાં જવા બહારથી બે પગથીયા ચડી મસ્તિષ્ક નમાવી અંદર ફરી બે પગથીયા ઊતરી જવું પડે છે. ગુફામાં બૌધિસત્વ.વજ્રપાણિ અને સ્ત્રીઓની અલંકાર યુક્ત મૂર્તિઓની કોતરણી છે.

Img 20180808 Wa0016 1બીજી ગુફાની લંબાઈ ૧૦ ફૂટ છે.પહોળાઈ ૬ ફૂટ છે.ચાર ફૂટ ઊંચાઈ છે.આ ગુફા એકદમ સાદી છે. ગુફામાં કોતરકામ જોવા મળતું નથી.આ ગુફાનુ પ્રવેશ દ્વાર પણ પહેલી ગુફા જેવું છે.

ત્રીજી ગુફાની લંબાઈ ૧૨ ફૂટ છે.૭ ફૂટ પહોળાઈ છે અને ૬.૫ ફૂટ ઊંચાઈ ધરાવે છે.આ ગુફા પણ સાદી છે.બાજુંમાં હોવાથી અંદર અંધારુ છે.અંહી ચામાચિડીયાનો વાસ છે. મેં જોવા અંદર ડોકિયું કર્યુ ત્યાં એમાનું એક ઊડીને બહાર નીકળી ગયું.ચોથી ગુફા પ્રમાણમાં મોટી કહી શકાય.

તેની સાથે કથા પણ જોડવામાં આવી છે.૧૨ડ્ઢ૮ ની છે.એની ઊંચાઈ જમણે થી ડાબી તરફ વધતી જાય છે. ૪ થી ૬ની ઊંચાઈ છે. પ્રવેશદ્રાર બીજી ગુફા જેવું સાંકડુ હશે પરંતુ બાજુમાંથી પથ્થર જર્જરિત થઈ પડી ગયો છે.જેથી પ્રવેશદ્રાર મોટુ લાગે છે. આ ગુફામાં  પ્રકાશ અને હવા આવે તેવી બારી છે. ગામના જૂનવાણી અભણ લોકો માને છે  કે આ ગુફા  ખાપરા કોડિયા નામના ચોરે બનાવી છે.આ ગુફામાં ઊપરના ભાગે મોટુ ભોયંરું છે.સાથે આવેલા આ ગામના કિરીટભાઈ મકવાણા કહે છે કે નાના હતાં ત્યારે અમે ભોયંરામાં ચાર જણા દિવો લયને ચાર પગે ગયા હતાં.

Img 20180808 Wa0009 પચાસેક ફૂટ ચાર પગે જવું પડે પછી ઊભા ઊભા ચાલી શકો એવું ભોયંરું આવે છે.લોકો અંહીથી હરદ્વાર  જતાં એવું સાભળ્યું છે.મારા દાદા આ ભોયરામાંથી હરદ્વાર ગયા હતાં.અમારો દિવો ઓલવાય જતાં અને શ્વાસની તકલીફ થતાં અમે છોકરા પાછા વળી ગયા હતાં.  લોકોની માન્યતા પુરવાર કરે છે કે પચાસેક વરસ પહેલાં સમાજમા વર્ણાશ્રમની અસર તળે કેટલાક વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ બિલકુલ હતું નહી.આવા ભવ્ય અલભ્ય શિલ્પ સ્થાપત્ય કલાને પ્રમાણવા જેનો  શિક્ષણ પર કબજો હતો એણે કેવી દુર્લક્ષતા સેવી હશે. લોકોને સાચી વાતો જણાવવાથી દૂર રાખ્યા હતા.

જો કે આજે પણ આવા સ્થાપત્યો એની બૂરી અસરથી બચી શક્યા નથી. અંહી તો નદી હોય કે ડુંગર, જંગલ હોય કે પ્રાણી દરેકને ધર્મનો રંગ આપી લોકોની આસ્થાને ધંધો બનાવી સ્થાપત્યો વિકૃત કરી તેની મૂળ ઓળખને ઈરાદા પૂર્વક નામશેષ કરેલ જોવા મળે છે.

અંહી પણ પુરાતત્વ વિભાગના ચેતવણી બોર્ડને સળગાવી બાવળની કાંટ્યમાં ફેંકી દેવામાં આવ્યું છે.લોખંડના પાઈપને ઊખાડી નાખવામાં આવ્યો છે. અમારી સાથે આવેલા ગામના યુવાન કિરીટ મકવાણા કહે છે કે પહેલા અંહી સુધી કાર આવતી હતી એવો રસ્તો હતો.લોકો ગુફાઓ જોવા દૂર દૂર થી આવતાં હતાં પણ હવે રસ્તા પર કાંટાળા બાવળ ઊગી ગયા છે. ચારે બાજુ ઝાડી ઝાંખરા અને બાવળનું જંગલ છવાઈ ગયું છે.

ગુફાની ઊપરના ભાગે થોડેક છેટે આવેલી ટેકરી પર ડુંગરેશ્વર મહાદેવનું મંદિર બની ગયું છે પરંતુ વિશ્વકક્ષાએ ગુજરાતના સ્થાપત્યની ઓળખ બની શકે તેવી વિરાસત સામે સરકાર, પુરાતત્વ વિભાગ, સંશોધકો,અને કહેવાતા ઈતિહાસના લેખકો ચૂપ છે.અંહી ઊંચી લાંબી ભેખડ પર, કુદરતી દિવાલમાં  જે રંગમંચની યાદ અપાવે છે તેની છેક ઊપરના ભાગે બુધ્ધની વિવિધ મુદ્રામા સાત મૂર્તિ કોતરવામાં આવી છે.દરેક મૂર્તિની બન્ને બાજુ દશ મોટા, બે નાના વજ્રપાણિની મૂર્તિઓ કંડારવામાં આવી છે.

Img 20180808 Wa0017શરુઆતની બન્ને મૂર્તિ સ્ત્રીની છે. અલંકારો સાથે ભરાવદાર સુકોમળ શરીર સાથે યક્ષણિઓ લાગે છે.બાજુમાં કોતરેલી મૂર્તિ નાગથી વિંટળાયેલી છે.ઊપર જતાં રક્ષણ મુદ્રા દર્શાવે છે. દરેક મૂર્તિની નીચે હાથી,પંખી, અને બીજા બૌધ્ધ કાલિન પ્રતિકોની કોતરણી જોવા મળે છે.જે અષ્ટાંગિક જીવનનો સંદેશો પાઠવે છે. એક સમયે અંહી સંખ્યાબંધ ગુફાઓ હશે એવું તૂટેલી ભેખડોના અવશેષો બોલે છે.

ભેખડોના પથ્થરો બૌધ્ધ ગુફાઓ હોવાની નિશાનીઓ સાચવીને બેઠા છે.સતરસો વરસના ચોમાસાના પાણી વહ્યા પછી પણ ભેખડની ભવ્ય દિવાલ પર અંકિત તથાગતની કંડારેલી મૂર્તિઓ મૈત્રીનો ભાવ સંદેશ આપતી આજે પણ એવી જ સંવેદના પ્રગટાવે છે. એક નાની, નામ વગરની નદીના  કાંઠે બૌધ્ધિસત્વની ગુપ્તકાલિન સ્થાપત્ય શૈલીના દર્શનની ધન્યતા સાથે અમે વિદાય લીધી ત્યારે નષ્ટ પામેલી અન્ય ગુફાઓ પણ  કહેતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.