Abtak Media Google News

માનવ ગૌરવ દિન અને સ્વાધ્યાય પરિવારના પ્રણેતા શ્રી પાંડુરંગદાદાની સ્મૃતિમાં ‘અબતક’નાં સંસ્મરણો

વર્ષમાં એકવાર દિવાળી આવે. ગરીબ તવંગર બધા હોંશે હોંશે દિવાળી માણે. સગા-સંબંધીઓને નવા વર્ષના વધામણા આપવા સાલ મુબારક કહેવા ઘેર-ઘેર જાય. આ વર્ષની દિવાળી કંઈક જુદી જ હતી. સપરમા દિને સગા-સંબંધીઓને ત્યાં શુભચિંતન માટે જવાને બદલે અસંખ્ય લોકોનો પ્રવાહ ચોપાટીની દિશામાં વહેતો હતો. કારણ…વીસમી સદીના સંત સાધુપુરુષના નામે પંકાયેલ દાદા પાંડુરંગશાસ્ત્રી આઠવલે ૭૦ વર્ષ પુરા કરી ૭૧માં વર્ષમાં પગરણ માંડવાના હતા. દાદાના હુલામણા નામે ખ્યાતિ પામેલ શાસ્ત્રીજીનો ૭૧મો જન્મદિન તેમના સ્વાધ્યાય પરિવારે માનવ ગૌરવ દિન તરીકે વધાવી લીધો.

2.Tuesday 2

દાદાનું નામ અને કામ ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તો અજાણ્યું નથી જ. તેમના નિસ્વાર્થ કામની મહેંક છેક વિદેશમાં પહોંચી ગઈ છે. માનવ-માનવ વચ્ચે સળગી ઉઠેલ ઉચ્ચ-નીચ કે સ્પૃશ્ય-અસ્પૃશ્યના ભેદાભેદ મટાડવા દાદાએ જિંદગીભર અથાક પરિશ્રમ કર્યો છે. આગરી, વાઘરી, સાગરી લોકો અને બુદ્ધિજીવીઓ વચ્ચેનું અંતર ઘટાડવા એમણે જે જહેમત ઉઠાવી છે તે માટે કયાયે જોટો જડે તેમ નથી. સામાન્ય ભાષામાં માનવીને હલકા પાડવા કે તુચ્છકાર વરસાવવા વપરાતા ‘વાઘરી’ શબ્દનું દાદાએ કરેલ અર્થઘટન ખરેખર અનુપમ છે. લઘુતાગ્રંથીથી પીડાતી આ કોમના લોકોને વાસુદેવ ઘનશ્યામને રીઝવનાર તે વા.ઘ.રી. એમ કહી દાદાએ એમનું આત્મસન્માન જાળવ્યું છે. તેમનું ઉત્થાન ઝખ્યું છે અને તેમાં સફળતા હાંસલ કરી છે. દાદાના અનેક સ્વાધ્યાય પરિવારે ઠેર-ઠેર મનુષ્યનું ગૌરવ પાછુ મેળવવા કાર્યશીલ છે. માનવ ગૌરવ દિનના અવસર પર લાખો સ્વાધ્યાયીઓને સંબોધી રહેલ દાદાએ જણાવ્યું કે, સ્વાધ્યાય ચાલતા કોઈપણ ગામમાં જાઓ ત્યાં ઉચ્ચ-નીચના, છૂત-અછૂતના ભેદ ઓગળી ગયા છે. માત્ર કાયદા કરવાથી કોઈ સમસ્યા હલ થઈ શકતી નથી. વિચારોની આપ-લે દ્વારા અને સમજશકૃતિ દ્વારા જ સારા સમાજનું નિર્માણ થઈ શકે છે. વિચાર દ્વારા માનવી શેતાન બની શકે છે તેમ મહાન પણ બની શકે છે. માટે વિચારોને યોગ્ય દિશામાં વાળવાની પ્રક્રિયા સતત થવી જોઈએ. તે માટે જ સ્વાધ્યાયના મત્સ્યગંધા, ઉપવન, અમૃતાલયમ યોગેશ્ર્વર કૃષિ જેવા પ્રયોગો ઉભા થયા છે.

તાજેતરમાં અમદાવાદમાં મંદિરમાં શિબિર કરી દાદાએ હરિજનોને મંદિરમાં લાવ્યા. એટલું જ નહીં બલ્કે સ્વાધ્યાય ભાઈઓએ હરિજનોને પોતાના ઘરે લઈ જઈ તેમની પરોણાગત કરી. દાદા ઓખાથી ગોવા સુધીના સાગરપુત્રોના દુર્ગુણો અગસ્ત્ય ઋષિ માફક પી ગયા છે અને તેમને એમણે ભકતિનું પીયુષ પ્રદાન કર્યું છે એવો વિચાર સ્વાધ્યાય પરિવારના મહાદેવ માંગેલાએ હોઠે આણ્યો.

દાદાને જન્મદિન મુબારક આપવા અને તેમના જીવનમાં ખુમારી લાવતા દાદાના દર્શન કરવા માનવ ગૌરવ દિન નિમિતે આશરે પાંચ લાખ માણસ ભેગા થયા હતા. તેમાં વકીલો, ડોકટરો, ઉધોગપતિઓની જ હરોળમાં માછીમારો, વાઘરીઓ પણ નજરે પડતા હતા. આ અવસર પર દેશ-વિદેશથી આવેલ સ્વાધ્યાયીઓ તેમજ મધુકરરાવ ચૌધરી, સંસદ સભ્ય સુનિલ દત્ત, રામ નાઈક, જયવંતિબહેન મહેતા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં લાખોની મેદની હોવા છતાં સંચાલન વખાણ માગી લે તેવું સરસ રહ્યું. ફરજ પરના એક પોલીસ અધિકારીએ ગૌરવભેર જણાવ્યું કે, ફરજ સારું  અમે હાજર રહીએ છીએ પણ અમારી ફરજ અહીં ગૌણ બની જાય છે. કારણ ખુદ સ્વાધ્યાય પરિવારની સિકયુરીટી વ્યવસ્થા જડબેસલાક હોય છે. તેથી હાજર રહેવા ઉપરાંત અમને કોઈ શ્રમ કરવો પડતો નથી.

કાર્યક્રમના ભાગ‚પે સ્વાધ્યાયીના પ્રયોગોનું દર્શન કરાવવામાં આવ્યું. છેલ્લે મશાલ-સંસ્કૃતિની જયોત પ્રગટાવવામાં આવી. મેદાનની ચારે તરફ મશાલ પ્રગટાવવામાં આવતા આ દ્રશ્ય ખુબ જ અનેરુ બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીદીએ જયશ્રી તળવળકરે કર્યું હતું.

કોઈપણ મંત્રી કે એકઝિકયુટિવના ગૌરવ સમારંભ કરતા આ કાર્યક્રમમનું ‚પ આગવું હતું. કારણ કદાચ દાદા પાસે કોઈ હોદાની ખુરશી નથી. તેમનું સ્થાન લોકોના હૈયામાં છે. દાદા કોઈ પબ્લિક વોટેડ મંત્રી નથી. તેઓ પબ્લિકના હિતમાં કામ કરતા ડિવોટેડ હસ્તી છે. તેથી જ તેમનો ૭૧મો જન્મદિન પ્રજા ફરજ તરીકે નહીં બલ્કે અંતરના ઉમળકાથી ઉજવે. દેશ માટે વિચક્ષણ બુદ્ધિશાળી રાજકારણી કરતાય આજની તારીખે દાદા જેવા ૫-૭ ડિવોટેડ નિસ્વાર્થ દાદાઓની તાતી જરૂર છે.માનવ ગૌરવ દિનના પ્રણેતા અને ૭૧માં વર્ષમાં પદાર્પણ કરતા દાદા ઉર્ફે પૂ.પાંડુરંગશાસ્ત્રી આઠવલેને કોટિ-કોટિ વધામણા. માનવ સેવા દ્વારા સશકૃત સમાજના નિર્માણ માટે અથાક પરિશ્રમ કરતા દાદાને પ્રભુ આરોગ્ય અને દીર્ઘાયુ બક્ષે એજ અભ્યર્થના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.