Abtak Media Google News

સારાં ભાષણો કરતાં આચરણમાં મૂકાયેલી એક જ સારી અને સાચી વાત વધુ મૂલ્યવાન છે !

હોળીનું પર્વ આવ્યું અને ગયું, તે બાર મહિનાના આરે જઇ બેઠું એ દેશભરમાં રાજકીય હૂતાશાનની જવાળાઓ મૂકી ગયું છે.‘ઢોલી તારા ઢોલકાને ધીરે ધીરે છેડ ’એવી ગ્રામ્યજનોની હોંશ કયાંય ન દેખાઇ, ‘સોની ઘડને કંદોરો મારી વહુની કોરી કેડ’ એ અપેક્ષા પણ ન ફળી… ધરતીપુત્રોની ઘરની લાજ સમી વહુ-દીકરીઓની અને એમનાં લીપ્યાં- ગુંપ્યા ખોરડાની આબ‚ અઘ્ધર લટકતી રહી ગઇ, આણાંની મુરાદો અધૂરી રહી !

ફાગણ આવ્યો, પણ એ છેલછબીલો અને છોગલિયાળો ન દેખાયો !પ્રણાલિકાગત હોલિકા દહનના પ્રતિક સમી હોળીઓ પ્રગટી એની પુણ્યભીની પ્રચંડ જવાળાઓ ફરતી પ્રદક્ષિણાઓ સાથે શ્રઘ્ધાળુ નરનારીઓએ શ્રીફળ અને અન્ય શુકનવંતી ચીજો વડે વંદના કરીને પોતાનાં સંતાનોના ભાવિ સુખ અર્થે પ્રાર્થનાઓ કરી, રંગોત્સવની મજા પણ માણી, ફૂલડોલ ઉત્સવો મનાવ્યા. પણ રાજકીય હૂતાશાનની જવાળાઓઓ ધરતી પુત્રોની અને અમ જનતાની હોંશ ઉપર અસુરની જેમ ભરડો લીધા વિના રહી નથી એ નોંધપાત્ર બન્યું  જ !

હરિમંદીરોમાં રંગોત્સવ અવનવી રીતે ઉજવાયા એમાં નવા જમાનાની ગતિવિધિઓ પણ ભળી.રાજકારણ કે ધર્મકારણ, પ્રમુખપદ, મુખય અતિથિ, અતિથિ વિશેષ, ફુલહાર, સન્માન સ્વાગત, ભાષણો, આશીર્વચનો , પ્રસાદ, મહાપ્રસાદ વગેરે બધું ચીલાચાલુ બની ગયું છે. એમાં કલાકો વીતે છે. જો કે, હોળીના પ્રાગટય વખત હતિે એ વિધિ કરાવવી, કોણ પ્રમુખ, કોણ અતિથિવિશેષ, કોને કોને ફૂલહાર, કોણે કોણ ભાષણ  કરે અને સલાહ સૂચનો કરે એ બધું હજુ સુધી પહોંચ્યું નથી.

આપણો દેશ તો ગામડાઓનો દેશ અને ખેતીપ્રધાન  દેશ તરીકે ઓળખાયો છે.ગ્રામ્ય પ્રદેશોમાં અને શહેરોમાં ભાષણખોરી જુદી જુદી જાતની હોતી  હશે…. ભાષણકર્તાઓ પણ જુદા જુદા સ્તરના હોઇ શકે,હવે તો વચ્ચે વચ્ચે તાળીઓ પાડે એવા પોતીકા લોકોને શ્રોતાઓ તરીકે બેસાડવાની યુકિત શોધાઇ છે. વિપક્ષોની સભામાં પોતાના નારા ગુજાવે એવી ગોઠવણો પણ થઇ ચૂકી છે.

આ બધું શોભાસ્પદ નથી જ.સારાં ભાષણો કરતાં આચરણમાં મૂકાયેલી એક જ વાત વધુ મૂલ્યવાન ગણાય એ હવે કોણ નથી જાણતું ?અત્યારે આપણો દેશ અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યો છે. એને રક્ષવા આ અગાઉ કયારેય નહિ એ પ્રકારે આકાર પાતાળ એક કરવા પડે તેમ છે.

અહીં ખાસ વિચારડી પડે તે બાબત તો એ છે કે જો આપણે ભવિષ્યની અને વર્તમાનની સમસ્યાઓને ઉકેલવા માગતા હોઇએ તો આપણે ભૂતકાળમાં પડેલા મૂળ તરફ દ્રષ્ટિપાત કરવો જ પડે ! આપણી આજની સમસ્યાઓ અને હાલની ભયાનક પરિસ્થિતિને સર્જવામાં આપણો સમગ્ર ભૂતકાળ એના તમામ આયામો સાથે કારણરુપ છે.

આપણા દેશના રાજનેતાઓ જે કાંઇ કર્યુ છે તે ગમે તેટલી શુઘ્ધ બુઘ્ધિથી કર્યુ હોય તો પણ તેમણે તેમને ઠીક લાગે એમ જ કર્યુ છે. રાજગાદીને જાળવી રાખવા માટે જ કર્યુ છે. અને પોતાનું તથા પોતાના રાજકીય પક્ષનું હિત જાળવવા માટે જ કર્યુ છે તેમણે આખા દેશને પણ તેમણે નકકી કરેલા માર્ગે જ ચાલવાની ફરજ પાડી છે.

આપણે હવે હરણફાળ ભરવાની છે. અને હાલની રાજકીય- સામાજીક ઢાંચાને ઝડપભેર બદલવાનો છે. રાષ્ટ્રની સ્વતંત્રતાને અને સ્વાધીનતાને છિન્નભિન્ન કરવાની ચેષ્ટાઓ થઇ રહી છે.સહુ કોઇ ભાષણબાજીમાં જ રાચે છે. બાંયો ચઢાવીને અને હાથ ઊંચા કરી કરીને જોરદાર ભાષણો કરવાની આવડતને પોતાનું મુખ્ય બળ ગણીને ભાષણો કરવા સિવાય કશું જ મહત્વનું આપણે કરતા નથી.સહુ કોઇ એ વાત જાણે છે કે સારા ભાષણની અસંખ્ય વાતો કરતાં આચરણમાં મુકાયેલી એક બે સાર વાતો કે સાચી વાતો વધુ મૂલ્યવાન છે.

આપણે ત્યાં પર્વતના શિખરોને આંબવાની મોટી મોટી વાતો અને જોશીલા ભાષણો થાય છે પણ એની તળેટીના બે-પાંચ પગથિયા પણ અઢવાનું બનતું નથી. આપણે ભાષણોમાં પણ ભ્રષ્ટાચારી બન્યા છીએ.ભ્રષ્ટાચાર આ દેશનો એક મહાકાય શત્રુ છે એને મ્હાત કરવાની સુફિયાણી વાતો આપણે ત્યાં થતી જ રહી છે. રાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચારને રાષ્ટ્રનો દુશ્મન ગણાવ્યો છે.

સવારે શહેરોમાં સફાઇ કામ કરતા કામદારોને જોઇને એવો વિચાર આવે છે કે સાવરણો રસ્તા ઉપરનો કચરો કે કચરો સાફ  કરી શકે છે, પણ ભ્રષ્ટાચારની દુર્ગંધ દૂર કરવાના સાવરણાવધુ ઉપકારક અને અતિ જરુરી હોવા છતાં એ છેક ઉપરથી નીચેની કચેરીઓ સુધી કયાંય દેખાતા નથી. આમાં રાજસત્તા અને ધર્મસત્તા બન્ને નિષ્ફળ છે !

દેશમાં ગીતા છે. રામાયણ છે. ભગાવત છે એ દેશમાં કોઇ વાતની ખોટ હોઇ શકે નહિ, ઋષિ-મુનિઓની આ ભૂમિ છે, અને ઇશ્વર આ ભૂમિ ઉપર અવતાર લીધા છે. એટલે આ દેશ સુખ- સમૃઘ્ધથી લીલોછમ હોવો જ જોઇએ અને તે થશે જ,  આપણે ભલે આકરી કસોટીઓમાંથી પસાર થતા હોઇએ, પણ ભગવાને આ ભૂમિ પર યુગે યુગે અવતરવાનું વચન આપ્યું છે એ કોપ નથી જાણતુ ! આ બધું છાશવારે આપણે સાંભળીએ છીએ. આ દેશનાં ગરીબી રેખા નીચે જીવતા અને મરવાના વાંકે જ જીંદગી પસાર કરતા ર૮ કરોડ લોકો આ વાતો સાંભળી સાંભળીને થાકી ગયા છે. ભગવાન હવે આ દેશમાં અવતાર લેવાના નથી અને કદાપિ આ દેશમાં હવે પછી યુગાવતાર થવાનો નથી એવી હતાશાએ તેમને ધેરી લીધા છે.

રાજનેતાઓ તેમને દીઠાં ગમતા નથી ! રાજકારણીઓમાં એમને દંભીઓ, કપટીઓ તેમજ દગાબાજોનું જ દર્શન થાય છે. ધર્માચાર્યો પણ હવે શ્રીમંતોના જ બની ગયા હોવાનું તેમને લાગે છે અને તે વિનાકારણ નથી લાગતું !આનું કારણ સ્વયં સ્પષ્ટ છે.

ખૂદ ધર્માચાર્યો શ્રીમંત બનવાની હોડમાં ઉતર્યા છે. કથાકારો, સાધુ સંતો, આશ્રમવાસીઓ, ધર્મશાસ્ત્રીઓને શ્રીમંત બનવું છે. એમનો પરિચય શ્રીમંતો સાથે વધુ છે એમને શ્રીમંતો સાથે ઓળખાય વધે તે વધારે ગમે છે, એમને ભકતો કરતા દાતાઓ વધુ પ્રિય છે. એમને ગરીબડા સેવકો કરતાં શ્રીમંત શ્રેષ્ઠીઓ સાથે દોસ્તી કરવામાં વધુ રસ પડે છે. જે અકિચન છે તે તેમની સમીપ આવી શકતી નથીઅને જે શ્રીમંતો  છે તેમને તેઓ આમંત્રણ મોકલે છે. અને તેમના ખુશી ખુશીભીના સ્વાગત કરે છે.

આ બધામાં ગ્રામજનો – ધમરી પુત્રોનો જ વધુમાં વધુ મરે છે. એમને આ બધું નથી સમજતું કે નથી ગળે ઉતરતું ભાષણબાજી એમના ભોળપણનો લાભ લે છે. આખો દેશ ભરમાય છે. રૂપાણી ભાષણબાજી કરતાં આચરણની એક જ વાત વધુ મૂલ્યવાન છે. એ જાણ્યા વિના છૂટકો આપણે એ કમનશીબી છે કે, આપણો દેશ હોળીની જવાળાઓમાં હિરણ્યકશ્યપથી ભયાનક ભ્રષ્ટાચારના રાક્ષસને ફગાવી દેતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.