Abtak Media Google News

પંચાયત ચોક નજીક શાંતિવન સોસાયટી, ગોંડલ ચોકડી પાસે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, ઈન્દિરા સર્કલ પાસે જલારામ-૩ અને અમીન માર્ગ પર વાલકેશ્વર એપાર્ટમેન્ટમાં મળ્યા કોરોનાનાં નવા કેસ: કુલ આંક ૧૮૯એ પહોંચ્યો

શહેરમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. ગઈકાલે ૧૦ પોઝીટીવ કેસો મળી આવ્યા હતા અને પાંચ વ્યકિતઓનાં મોત નિપજયા હતા. કોરોનાનો ઉપાડો હજી શાંત થવાનું નામ લેતો નથી. આજે સવારે શહેરમાં કોરોનાનાં બે પોઝીટીવ મળી આવ્યા બાદ બપોરે વધુ બે કેસ મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. શાંતીવન સોસાયટી, રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી, જલારામ-૩ અને અમીન માર્ગ પરથી કોરોનાનાં કેસો મળી આવ્યા છે. આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યાનો આંક ૧૮૯એ પહોંચી જવા પામ્યો છે અને ૫૨ વ્યકિતઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે મહાપાલિકાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે પંચાયત ચોક નજીક શાંતીવન સોસાયટી-૨માં બ્લોક નં.એ-૯ મોમાઈ કૃપા નામના મકાનમાં રહેતા ૪૦ વર્ષીય રવિરાજસિંહ પ્રતિપાલસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત ગોંડલ ચોકડી નજીક રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી શેરી નં.૧માં ૫૮ વર્ષીય વજુભાઈ મગનભાઈ સાનુરા, ઈન્દિરા સર્કલ પાસે જલારામ-૩ શેરી નં.૨માં પંકજ નામના મકાનમાં રહેતા ૭૯ વર્ષીય અતુલભાઈ ચીમનભાઈ મોદી અને અમીન માર્ગ પર વાલકેશ્ર્વર એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૯૦૧માં રહેતા ૩૫ વર્ષીય યુવાન યશ રમેશભાઈ પાદરીયાનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. શહેરમાં કોરોનાની સંખ્યા ૧૮૯એ પહોંચી જવા પામી છે. હાલ ૫૨ દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. ૧૦ વ્યકિતઓને કાળમુખો કોરોના ભરખી ગયો છે અને ૧૨૭ લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. અનલોક-૨ જાહેર થયા બાદ જાણે કોરોના પણ અનલોક થયો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી રાજયભરમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં પણ કોરોના વાયુવેગે વધી રહ્યો છે. ખાસ કરીને ધોરાજી તાલુકામાં કોરોના ચેઇન બનતા પોઝિટિવ કેસની સંખ્યા ખૂબ ઝડપી વધી રહી છે. ગઈ કાલે ધોરાજીમાં વધુ ૯ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા. હિરપરાવાડીમાં મોતીનગર અને રાજ લક્ષ્મી પાર્કમાં ૫૦ વર્ષીય નગરપાલિકા કચેરીમાં કાયમી રોજદાર તરીકે ફરજ બજાવતા આધેડને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓનું મેડિકલ ચેકઉપ કરવામાં આવશે. ધોરાજીમાં અત્યાર સુધી કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ગઈ કાલે જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ગિરિરાજ હાઇટ્સમાં ૨૨ વર્ષીય યુવતી, જલારામ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ, ક્રુષ્ણનગર જોષીપુરામાં ૪૮ વર્ષના પુરુષ, સિટી બસ કોલોનીના ૬૮ વર્ષના વૃદ્ધા સહિત શહેરી વિસ્તારમાં વધુ ૭ કોરોના વાયસરની ઝપટે ચડ્યા છે. જ્યારે કેશોદ તાલુકાના કેવાદ્રા ગામે ૬૦ વર્ષના વૃદ્ધનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વડોદરામાં કોરોનાના વધુ પ૯ પોઝિટિવ કેસ

વડોદરામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ પ૯ પોઝિટીવ કેસ બહાર આવ્યા છે. વડોદરામાં છેલ્લા ર૪ કલાકમાં ૨૯૮ નમુના લેવામાં આવ્યા હતા જેમાં ૨૩૯ નમુનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.