તહેવારો નજીક આવતા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જણસીની આવકમાં ધરખમ ઘટાડો

તલ,જીરૂ, એરંડા, મગફળી સહિતના પાકોની આવક સામાન્ય દિવસો કરતા ૫૦ ટકાથી પણ ઓછી

સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમા જન્માષ્ટમી ઉજવવા અનેરો થનગનાટ છે જો કે આ વર્ષે કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે તેમ છતા લોકો પોતાના પરિવાર સાથે, મિત્રો-સ્નેહીઓ સાથે તહેવારો ઉજવવા ઉત્સુક બન્યાં છે. ઉત્સવપ્રમીઓ તહેવારોની રજાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આવનાર પર્વની અસર રાજકોટ માકેટીગ યાર્ડ ખાતે પણ જોવા મળી રહી છે. રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે રજા અગાઉ રજા જેવો  માહોલ છવાયો છે. તલ, જીરૂ એરંડા, મગફળી સહિતના પાકોની આવકમા ધરખમ ઘટાડો થયો છે.

તમામ જણસીઓની આવક રેગ્યુલર દિવસો કરતા ૫૦%થી પણ ઓછી આવી રહી છે છેલ્લા એકાદ અઠવાડિયાથી વિવિધ પાકોની આવકમા નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડ દ્વારા પહેલા લાંબી રજાઓ જાહેર કરવામા આવી હતી જેને પગલે મોટાભાગના ખેડૂતોએ રજા અગાઉ પોતાનો માલ વેચી નાખ્યો છે.

ત્યારબાદ હવે ૧૦થી ૧૬ ઓગષ્ટ દરમ્યાન રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રજા જાહેર કરાતા હાલ રાજકોટ માર્કેટીંગ યાડમાં જણસીની આવકમાં આ મોટો તફાવત જોવા મળ્યો છે.

બીજી બાજુ શાકભાજી યાર્ડમાં લોકલ શાકભાજીની આવક પ્રમાણમાં વધુ છે. છુટક માર્કેટમાં ગુવાર ૫૦ થી ૬૦ રૂ. પ્રતિ કિલો, મરચા પ૦ થી ૬૦, તો કાકડી,  દુધી, કોબીજ, ફલાવર, તુરીયા વગેરે શાકભાજી રૂ. ૨૦ થી ૩૦ પ્રતિ કિલો લેખે મળી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં પ,૩૩,૩૦૦ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

રાજકોટ જિલ્લામાં યેલા સારા વરસાદને પરિણામે ૪ ઓગસ્ટ સુધીમાં ૧૧ તાલુકાઓમાં કુલ ૫૩૩૩૦૦ હેકટર જમીનમાં વિવિધ ખરીફ પાકોનુ વાવેતર કરાયું છે. બાજરીનું વાવેતર ૫૦૦ હેકટરમાં, જુવારનું વાવેતર ૧૦૦ હેકટરમાં, તુવેરનું વાવેતર ૩૨૦૦ હેકટર વિસ્તારમાં, મગનું વાવેતર ૧૫૦૦ હેકટર વિસ્તારમાં, મઠનું વાવેતર ૧૦૦ હેકટર વિસ્તારમાં, અડદનું વાવેતર ૧૩૦૦ હેકટર વિસ્તારમાં, મગફળીનું વાવેતર ૨૮૯૭૦૦ હેકટર વિસ્તારમાં, તલનું વાવેતર ૧૮૦૦ હેકટર વિસ્તારમાં, દિવેલાનું વાવેતર ૪૮૦૦ હેકટર વિસ્તારમાં, સોયાબીનનું વાવેતર ૨૩૦૦ હેકટર વિસ્તારમાં, કપાસનું વાવેતર ૨૦૦૧૦૦ હેકટર વિસ્તારમાં, શાકભાજીનું વાવેતર ૧૩૫૦૦ હેકટર વિસ્તારમાં અને ઘાસચારાનું વાવેતર ૧૪૪૦૦ હેકટર વિસ્તારમાં કરાયું છે.

Loading...