Abtak Media Google News

જિલ્લા ભાજપમાં ચાર ટર્મ મહામંત્રી તરીકે પ્રશંસનીય કામગીરી કરેલી

સ્વ.દિલીપભાઈ ગાંધી ૧૯૮૫થી ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. તે વખતના સૌરાષ્ટ્રમાં કામ કરતા સંગઠન મંત્રી સ્વ.ચકુભાઈ ડોડીયા સાથે અવાર-નવાર બેસી સંગઠનમાં કામ કરવા માટે માર્ગદર્શન લેતા ૧૯૮૯માં પ્રથમ વખત સાંસદ તરીકે શિવલાલભાઈ વેકરીયાના ઝળહળતા વિજયથી સ્વ.દિલીપભાઈ ગાંધીને સંગઠનમાં કામ કરવાનો ઉત્સાહ અનેરો વધી ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સ્વ.ચિમનભાઈ શુકલને દિલીપભાઈ પોતાના આદર્શ માનતા હતા.

૧૯૯૫માં જિલ્લા પંચાયતમાં પડધરીની બેઠક ઉપર ચુંટાઈને આરોગ્ય સમિતિના ચેરમેન બન્યા હતા. ૨૦૦૦માં આવેલ કચ્છના ભુકંપમાં સતત ૩ મહિના કચ્છમાં રોકાઈને પાર્ટીએ સોપેલ કામ કર્યું હતું ત્યારબાદ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સતત ૪ ટર્મ કામ કરીને ભાજપના સંગઠનમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. સમગ્ર જિલ્લામાં નવા કાર્યકર્તાઓ જોડી તેમના ઘડતરમાં સ્વ.દિલીપભાઈનો અમુલ્ય ફાળો રહ્યો છે. આજે જિલ્લા ભાજપનું ભવ્ય કાર્યાલય છે તે સ્વ.દિલીપભાઈની દિર્ઘદ્રષ્ટાનું પરિણામ છે. કાર્યાલયમાં આધુનિક ફર્નિચર તથા કોર્પોરેટ કક્ષાનું કાર્યાલય બનાવી આજે ભાજપના કાર્યકર્તાઓને કામ કરવાનો ઉત્સાહ વધારે છે.

જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને સંગઠનમાં કામ કરવા માટે કાયમ કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે તેનું આગવું અને કાયમી આયોજન સ્વ.દિલીપભાઈ ગાંધીએ કરેલ છે. મારી પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્યાન સ્વ.દિલીપભાઈ ગાંધી અને ભાનુભાઈ મેતા મારી ડાબી અને જમણી આંખ સમાન હતા. સતત ભાજપના હિત સિવાય બીજા કોઈ જ વિચાર મનમાં ન હતા. ભાજપ પ્રત્યેની વફાદારીનું બીજુ નામ કહેવામાં આવે તો સ્વ.દિલીપભાઈ ગાંધી હતા. સ્વ.દિલીપભાઈ ગાંધી ખુબ જ ધીરજવાળા કરેલ સ્વભાવના તથા દરેકને સાથે લઈ ચાલવાવાળા કાર્યકર્તા હતા. મારા જીવનમાં મારા ઘડતરમાં પણ દિલીપભાઈનો અમુલ્ય ફાળો રહ્યો છે.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મને ફોન કરી આશ્ર્વાસન આપી કહ્યું હતું કે, સ્વ.દિલીપભાઈ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીનો ચમકતો સિતારો હતો. તેમની ખોટ કયારેય પુરાશે નહીં. દિલીપભાઈ ગાંધી કાર્યકર્તાઓને કાયમી યાદ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.