પેપરની જેમ ઇલેક્ટ્રોનિક્સ ચેનલો ઉપર ‘શિસ્ત’ લાદવા કાયદો ઘડાશે?

ટીઆરપી માટે સનસનાટી ફેલાવતી ટીવી ચેનલોને અંકુશિત કરવા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ

લોકશાહીમાં મીડીયાને ચોથી જાગીર માનવામા આવે છે પરંતુ મીડીયા અંકુશ વગરનું બને તો મહાવત વગરના હાથીની જેમ બેફામ બની વિનાશ નોતરી શકે છે. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ગણાતા ભારતમાં પેપરો બિન અંકુશીત ન બને તે માટે નિયમનકારી સંસ્થા છે. પરંતુ ઈલેકટ્રોનીકસ મીડીયા માટે કોઈ નિયમનકારી સંસ્થા નથી જેથી, લોકપ્રિયતા મેળવવા માટે ઈલેકટ્રોનીકસ ચેનલો દ્વારા સનસનાટી ફેલાવવામાં આવતી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠવા પામતી રહે છે. આથી જ એક ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં અંકુશ વગરની ઈલેકટ્રોનીકસ ચેનલો ઉપર નશિસ્તથ લાદવા કાયદો ઘડવાની માંગ કરવામાં આવી છે.

એડકોવેટ રીપક કંસલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હીતની અરજી દાખલ કરીને હાલ દેશમાં ઈલેકટ્રોનીકસ ચેનલોને શિસ્તમાં રાખવા કોઈ સરકારી સંસ્થા નથી જેથી ઈલેકટ્રોનીકસ ચેનલો કોઈપણ સમાચારમા સનસનાટી ફેલાવવા વ્યકિતગત, સામાજીક, ધાર્મિક કે રાજકીય સંસ્થાની ઈમેજને ખરડાવતી હોય છે. આવી સનસનાટી ટીઆરપી મેળવવા કે પહેલા બેક્રીંગ કરવાની હોડમાં ફેલાવાતી હોય છે જેથી આવા પ્રયાસો ન થાય અને તેના પર શિસ્તનો અંકુશ આવે તે માટે પેપરમાં જેમ પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા છે તેમ ઈલેકટ્રોનીકસ ચેનલોમાટે પણ સ્વતંત્ર નિયમનકારી સંસ્થા બનાવવા આ અરજીમાં માંગ કરવામાં આવી છે.

આ અરજીમાં એવી પણ માંગ કરાયી છે કે બ્રોડકાસ્ટીંગ સ્ટાફ, એન્કરને પત્રકારની વ્યાખ્યામાં સમાવવા અને ઈલેકટ્રોનીકસ બ્રોડકાસ્ટીંગ ચેનલોને પ્રેસની વ્યાખ્યામાં સમાવવા કાયદો લાવવામાં આવે છે. આ અરજીમાં એવા આક્ષેપ કરાયો છે કે પોતાની રીતે બની ગયેલી અંકુશ વગરની ઈલેકટ્રોનીકસ બ્રોડકાસ્ટીંગ ચેનલો પોતાને મીડિયા તરીકે ઓળખાવે છે તે હાલના કાયદાઓ મુજબ ખોટું છે. આવી ચેનલો ન્યુઝ ચેનલો કે મીડિયાના નામે વિદેશી અને ભારતીય રોકાણકારો દ્વારા ચલાવવામા આવે છે. વિદેશી રોકાણકારો દ્વારા ચલાવવામાં આવતી ઈલેકટ્રોનીકસ ચેનલો પોતાના સ્વાર્થ માટે લોકશાહીના આ ચોથા સ્તંભને નુકશાન પહોચાડી રહ્યા છે. જેનાથી ભારતની એકતા અને શકિતને વિદેશી રોકાણકારો દ્વારા ચાલતી ચેનલો દ્વારા નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે આવી ચેનલો પ્રેસના નામે વ્યકિતગત, સામાજીક ધાર્મિક કે રાજકીય સંસ્થાઓની ગરીમાને પોતાના સ્વાર્થ માટે નુકશાન કરવામાં આવી રહ્યું છે. આ અરજીમાં એવું પણ જણાવાયું છે કે ભારતનાં બંધારણની કલમ ૧૯માં અપાયેલો વાણી સ્વતંત્રતાનો હકક પર સરકાર ઈચ્છે તો અંકુશ મૂકી શકે છે. વિદેશી રોકાણકારો દ્વારા ચાલતી ઈલેકટ્રોનીકસ ચેનલો દ્વારા થતા ગરીમા ભંગના મુદે તેમની પર અંકુશ મૂકવાની જરૂર પર ભાર મૂકયો છે. આવો અંકુશ દેશ અને દેશવાસીઓનાં હીતમાં હોવાનું પણ આ અરજીમાં દાવો કરાયો છે. એડવોકેટ હરીશ એસઆર દ્વારા અરજદારો રજૂ કરેલી આ અરજીમાં ન્યાયતંત્રમાં ચાલતા ટ્રાયલની પહેલા ઈલેકટ્રોનીકસ ચેનલોમાં ચાલતા મીડીયા ટ્રાયલ પર અંકુશ મૂકવાની પણ દાદ માંગવામાં આવી છે. આ જાહેર હિતની અરજી પર આગામી સાતમી ઓગષ્ટે સુનાવણી થવાની સંભાવના છે.

Loading...