શું ૨૦૦૯ પછીનું મંદીનું મોજુ વિશ્વને ફરી વખત ધમરોળશે?

89

અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડવોરની ભીતિ, ઉત્પાદન, જીઓ પોલીટીકસ સહિત અનેક મુદાઓનાં કારણે વિશ્વને મંદીનું ગ્રહણ લાગશે કે કેમ ?

એક તરફ ભારત ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથ માટે કામ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ જે ડામાડોળ જોવા મળી રહી છે તેનાં કારણે અનેકવિધ તકલીફોનો પણ સામનો દેશ દ્વારા સહન કરવામાં આવી રહ્યું છે. આ માત્ર ભારત દેશની સમસ્યા નહીં પરંતુ વિશ્વભરની સમસ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે અર્થશાસ્ત્રીઓ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે, ૨૦૦૯ પછી સૌપ્રથમ વખત વિશ્ર્વનું અર્થતંત્રને જાણે મંદીનું ગ્રહણ લાગ્યું હોય ત્યારે એ પણ પ્રશ્ન ઉદભવિત થાય છે કે, શું મંદીનું મોજુ વિશ્વને ફરી વખત ધમરોળશે કે કેમ ?

વૈશ્ર્વિક મંદીની જયારે વાત સામે આવી રહી છે ત્યારે કોઈ એક મુદ્દો નહીં પરંતુ અનેકવિધ મુદાનાં કારણે વિશ્ર્વ મંદીનાં ઓથા હેઠળ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જગત જમાદાર અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું તેનાથી અનેકવિધ ઉધોગોને તેની માઠી અસર પહોંચી હતી. અમેરિકા અને ચીન દ્વારા બંને દેશોની ચીજ-વસ્તુઓ ઉપર જે રીતે ડયુટી વધુ લગાવવામાં આવી તેનાથી બંને દેશો વચ્ચેનાં આર્થિક અને વ્યાપારીક સંબંધો પર અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થયા હતા પરંતુ વિશ્ર્વની આર્થિક સ્થિતિ જોતા કયાંકને કયાંક અમેરિકા અને ચાઈનાએ પણ વેપારીક મુદ્દે હાથ મિલાવી લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો હવે વિશ્વનાં વિકાસશીલ અને વિકસિત દેશો સહભાગીદારીથી વ્યાપાર નહીં કરે તો તેની માઠી અસર માત્ર જે-તે દેશને નહીં પરંતુ વિશ્વને ભોગવવી પડશે. હાલ એફએટીએફ દ્વારા જે રીતે પાકિસ્તાનને ટેરર ફન્ડીંગની કાર્યવાહી કરવા બદલ બ્લેકલીસ્ટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેનાથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને આશંકીક અસર પહોંચશે.

ટ્રેડવોર અને વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં મંદીનાં લીધે ચીનની અર્થવ્યવસ્થામાં પણ અનેકગણો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર માસમાં ચીનનાં નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ આયાત પણ સતત ૫માં માસમાં ઘટી હતી ત્યારે અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડવોરનાં પગલે ચીનની નિકાસને સુધારવા માટે અનેકગણો સમય લાગશે. ચીનની આયાત અને નિકાસમાં સપ્ટેમ્બર માસમાં જે લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો હતો તે તુલનામાં અનેકગણો ઘટાડો નોંધાયો છે જેનાં મુખ્ય પરીબળો સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરે માંગમાં ઘટાડો હોવાનું ખુલ્યું છે. ચીન દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર ચીનની નિકાસ સપ્ટેમ્બર માસની તુલનામાં ૩.૨ ટકા ઘટી જયારે આયાતમાં પણ ૮.૫ ટકા જેટલી ઘટ જોવા મળી હતી. અમેરિકા અને ચીન વેપાર સપ્ટેમ્બર ૩.૯ ટકા ઘટી ૨૫.૮ અબજ ડોલર રહ્યો હતો જયારે ઓગસ્ટમાં ૨૬.૯ અબજ ડોલર રહ્યો હોવાનું સામે આવયું છે ત્યારે કયાંકને કયાંક અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તે પણ વિશ્ર્વમાં મંદીનું એક કારણ માનવામાં આવી રહ્યું છે પરંતુ ચીન અને અમેરિકાની શુઝબુઝનાં પગલે આ મુસદો કદાચ મંદીનું કારણ ન બને તો નવાઈ નહીં.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફ જે વિશ્ર્વને નાણા પુરુ પાડી રહ્યું છે તે પણ મંદીનાં ઓઠા હેઠળ આવી ગયું છે. આ તકે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનાં નવા વડાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક સ્તર પર વિશ્ર્વની અર્થવ્યવસ્થા ખુબ ઝડપભેર નીચે આવી રહી છે તે વિશ્ર્વ માટે સૌથી મોટો ખતરો છે ત્યારે ૨૦૧૯માં જે વૈશ્ર્વિક વિકાસનો દર સરખામણીમાં ૩.૨ ટકાથી નીચેનો રહેશે તેવી આશંકા પણ વ્યકત કરવામાં આવી છે જે ૨૦૦૯ બાદ સૌથી નીચો દર હોય તેવું પણ લાગી રહ્યું છે. વૈશ્ર્વિક સ્તર પર ૧૪ ટ્રિલીયન ડોલરનાં જે બોન્ડ છે તેના ભાવમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળી રહ્યો છે.વૈશ્ર્વિક મંદીનાં પરીબળો વિશે અર્થશાસ્ત્રીઓએ જણાવતા કહ્યું હતું કે, અમેરિકા અને ચાઈના વચ્ચેનાં ટ્રેડવોર વૈશ્ર્વિક મંદી માટેનું પ્રથમ કારણ છે. જેમાં ૧૮ માસનાં અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડવોરનાં પગલે વૈશ્ર્વિક સ્તર પર આ અંગેનું પ્રેશર ઉભું થયું છે. માત્ર અમેરિકા અને ચાઈના જ નહીં પરંતુ અમેરિકા અન્ય યુરોપીયન દેશોમાં ઓટો મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વધુ ડયુટી લગાડે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.

ટ્રેડવોરનાં પગલે મેન્યુફેકચરીંગમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે જેનાં પગલે વૈશ્ર્વિક ઉત્પાદકોને તેની માઠી અસર પણ પહોંચી છે. ગત ૫ વર્ષમાં વૈશ્ર્વિક પ્રવૃતિનાં આધારે ઉત્પાદકોની આર્થિક સ્થિતિમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે. જયારે ઓટો મોબાઈલ ક્ષેત્ર જર્મની અને જાપાનની અર્થવ્યવસ્થા માટે સૌથી મોટો માથાનો દુખાવો હોય તેવું લાગી રહ્યું છે. કારણકે જે રીતે ડયુટીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે તેનાથી ઉત્પાદકોને અનેક તકલીફોનો સામનો કરવો પડશે. મેન્યુફેકચરીંગ ઉધોગોને તેની ખુબ જ માઠી અસર ગત ૩ વર્ષની સરખામણીમાં પડી રહી છે ત્યારે વૈશ્ર્વિક સ્તર પર ઉત્પાદન કરતા ઉધોગોને કેવી રીતે મંદીનાં કહેરમાંથી બહાર લાવી શકાય તે દિશામાં ચર્ચા અને વિચારણા કરવાની જરૂર છે. હાલ યુ.એસ. ચાઈના બાદ યુ.કે અને યુરોપીયન દેશો વચ્ચે જે બ્રેકસીટ કરાર થવા જઈ રહ્યા છે તે વહેલાસર પૂર્ણ થાય તો વૈશ્ર્વિક સ્તર પર જે મંદીની અસર જોવા મળી રહી છે તેની અસર થોડી ઓછી પડશે. હાલ સાઉદી અરેબીયાને ઓઈલ કંપની ઉપર હાલ જે રીતે ડ્રોન એટેક કરવામાં આવ્યો તેનાથી અમેરિકા અને ઈરાન વચ્ચેનાં સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જેનાં કારણે તેલનાં ભાવમાં સતત વધારો થશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. ઈરાકમાં આંદોલનકારીઓની કામગીરી, સિરીયા તથા તર્કી વચ્ચેનાં વ્યાપારીક સંબંધો અને હોંગકોંગની નબળી પડતી અર્થવ્યવસ્થાનાં કારણે પણ વૈશ્ર્વિક સ્તર મંદીનું મોજુ જાણે ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે. સાથોસાથ અરજન્ટીનાને પણ નાણાકીય અછત હોવાનાં પગલે તે તેના વિકાસને લગતા કાર્યો પૂર્ણ કરી શકતું નથી એવી જ રીતે ઈકવાડોર, પેરુ અને વેનેઝયુએલા સહિત અન્ય દેશોમાં રાજકીય તકલીફોનાં પગલે જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તે પણ કયાંકને કયાંક વૈશ્ર્વિક મંદીનું કારણ હોવાનું સામે આવ્યું છે.

આગામી ૨૦૨૦માં અમેરિકામાં જે ચુંટણી આવી રહી છે તે જોતા અમેરિકા તમામ રાષ્ટ્ર સમુદાયનાં દેશો સાથે વ્યાપારીક સંબંધોને સુદ્રઢ અને મિત્રતા ભર્યા બનાવવા માટે હાલ આગળ વધી રહ્યા છે જો વિશ્ર્વમાં મંદીનું મોજુ ફરી વળશે તો આગામી વર્ષમાં અમેરિકામાં યોજાનાર ચુંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પને તેની માઠી અસરનો સામનો કરવો પડશે તો નવાઈ નહીં. વૈશ્ર્વિક મંદીનાં કારણે જે પ્રોફીટનો રેશિયો હોવો જોઈએ તેના કરતા અનેકગણો નીચે આવી ગયો છે. જેનાં કારણે ઉધોગોમાં ડિપ્રેશનની સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે જે રોજિંદી આવક, વ્યાપાર તથા ઉધોગને મળી રહી છે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કામ કરતા કારીગરોનાં વેતનમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેનાથી પણ વિશ્ર્વમાં મંદીની સ્થિતિ હોવાનું જાણવામાં આવી રહ્યું છે. મંદીનું મોજુ ફરી વળતા ઉત્પાદકતામાં પણ અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે સાથો સાથ લોકોની ખરીદ શકિતને પણ તેની માઠી અસર પહોંચી છે. વર્લ્ડ બેંક દ્વારા જે વર્ષનાં પ્રારંભિક સમયે જે મોનીટરી પોલીસી લાગુ કરવામાં આવી હતી ત્યારબાદ વિશ્ર્વ બેંકને ઘણુ ખરું વેઠવુ પડયું છે. યુ.એસ. ફેડરલ રીઝર્વ દ્વારા ૫૦૦ બેઝીસ પોઈન્ટનો ઘટાડો પણ કરવો પડયો હતો ત્યારે ૧૯૯૦ બાદ મંદીમાં ૫૦૦ પોઈન્ટનો ઘટાડો સૌથી મોટો હોવાનો માનવામાં આવી રહ્યો છે ત્યારે યુરોપીયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ જાપાન હાલ નેગેટીવ રેઈટથી ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પ્રશ્ર્ન એ ઉભો થાય છે કે શું આગામી સ્થિતિમાં આ બેંકોનાં દરમાં સુધારો જોવા મળશે કે કેમ ? હાલ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ પણ સરકારને તેનાં બજેટમાં ઘટાડો કરવાનું સુચવી રહ્યું છે જેનું કારણ એ છે કે તેની નાણાકીય અછતનાં પગલે સમગ્ર વિશ્ર્વને પણ તેની ખરાબ અસર પહોંચી રહી છે.

મોર્ગન સ્ટેન્ડલીનાં જણાવ્યા અનુસાર ફિશકલ ડેફીશીટ ૩.૫ ટકા જીડીપીની સમક્ષમાં વધી છે જે ગત વર્ષે માત્ર ૨.૪ ટકા જ રહી હતી ત્યારે આગામી વર્ષમાં આ દર ૩.૬ ટકા પહોંચશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ અમુક દેશોની સરકાર સૌથી વધુ ખર્ચ કરી છે પરંતુ તેની સામે ચાઈના અને જર્મની દ્વારા ખર્ચનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે જયારે જાપાન દ્વારા તેના સેલ્સ ટેકસમાં પણ અનેકગણો વધારો કર્યો છે ત્યારે આ સમગ્ર નિષ્કક્ષ બાદ એ વાત સ્પષ્ટ થાય છે કે જો મેન્યુફેકચરીંગ, જીઓ પોલીટીકસ, ટ્રેડવોર આ તમામ મુદાઓને ગંભીરતાથી ધ્યાને લેવાય તો વૈશ્ર્વિક સ્તર પર જે મંદીનાં વાદળો છવાઈ રહ્યા છે તે દુર થઈ જશે અને વૈશ્ર્વિક ગ્રોથમાં પણ વૃદ્ધિ જોવા મળશે.

Loading...