વાયરસ તો જતો રહેશે હાથમાં આવેલી તક પણ જતી રહેશે?

96

કોરોના વાયરસના કારણે વિશ્વભરના શેરબજાર પડી ભાંગ્યા છે. ચીન, અમેરિકા, જાપાન અને ભારત જેવા મોટા અર્થતંત્રને કમરતોડ ફટકો પડવાના કારણે શેરબજારમાં વેંચવાલીનું ભારે દબાણ છે. આવા સંજોગોમાં અત્યાર સુધીમાં વિશ્ર્વભરના શેરબજાર લગભગ ૩૦ ટકા જેટલા તૂટી ગયા હતા. આગામી સમયમાં કોરોના વાયરસની મહામારી ઉપર નિયંત્રણ આવશે તો તૂટી ચૂકેલા શેરબજાર ઝડપથી કવર થશે. એટલું જ નહીં વધુ ૧૦ થી ૧૫ ટકા ઉછળે તેવી પણ અપેક્ષા છે. જેથી ગભરાટ વચ્ચે રોકાણકારો ધીમી ગતિએ બજારમાં સારી સ્ક્રીપ્ટમાં પૈસા રોકે તેવો નિષ્ણાંતોનો મત છે. જો વાયરસ જતો રહેશે તો બજાર એકાએક ઉપર આવશે અને રોકાણની તક પણ જતી રહેશે તેવી પણ શકયતા છે. વિશ્ર્વના શ્રેષ્ઠ રોકાણકાર ગણાતા વોરન બફેટે વર્ષો પહેલા કહેલુ એક વાક્ય અહીં સાર્થક નિવડી રહ્યું છે. તેમણે એક સમયે કહ્યું હતું કે, જયારે અન્ય લોકો લોલચુ રહે ત્યારે આપણે સંભાળીને રહેવું જોઈએ અને જ્યારે અન્ય લોકો સંભાળીને રહે ત્યારે આપણે લાલચ રાખવી જોઈએ.

વર્તમાન સમયે શોટટર્મ ઈન્વેસ્ટર માટે ભારતીય શેરબજાર જોખમી છે. અત્યાર સુધીમાં માર્કેટ ૩૦ ટકા કરેકટ થઈ ચૂકયું છે. અલબત ભૂતકાળમાં અનેક વખત એવું બન્યું છે. જ્યારે માર્કેટ કરેકટ થયા બાદ એકાએક ઉપર આવ્યું હોય. ૨૦૦૦ના ઓકટોબર મહિનામાં ડોટ કોમની ભીતિના પગલે શેરબજારમાં ગાબડા પડ્યા હતા. ત્યારબાદ ૨૦૦૧ના સપ્ટેમ્બર મહિનામાં ૯/૧૧ના હુમલાના કારણે શેરબજારો પડ્યા હતા. આ બન્ને સ્થિતિમાં બજાર અનુક્રમે ૪૧ અને ૧૩ ટકા જેટલી તૂટી ગઈ હોવા છતાં ૩૩ ટકા સુધી ઉછળી હતી. આવી જ રીતે ૨૦૦૮માં વૈશ્ર્વિક મંદીના કારણે બજારમાં ૫૦ ટકા જેટલું ગાબડુ પડી ગયું હતું. ત્યારબાદ બજાર ધીમે ધીમે ઉપર આવી હતી અને ૫૦ ટકા કવર કર્યા બાદ વધુ ૨૦ ટકા ઉછળી હતી. વર્તમાન સમયે પણ બજાર લગભગ ૩૦ ટકા તૂટી ગઈ છે અને મહામારીને દેશવટો મળશે એટલે આ ૩૦ ટકા કવર કરી ફરીથી ૨૦ ટકા ઉપર ચડશે તેવી અપેક્ષા નિષ્ણાંતો સેવી રહ્યાં છે. અલબત ભારત સહિત અન્ય દેશોમાંથી કોરોના વાયરસ ક્યારે નાશ પામશે તે મોટો પ્રશ્ર્ન છે.

Loading...