Abtak Media Google News

પક્ષપલટાનું રાજકારણ અને પક્ષપલટુઓને સત્વર પ્રધાજપદનો શિરપાળ આપવાની અતિ વિચિત્ર પ્રથા આપણા દેશની ર્જીણશીર્ણ બની ચૂકેલી લોકશાહીને તે સહન ન કરી શકે એવો ઘાતક ફટકો મારશે એમ કહ્યા વિના છૂટકો નહિ, આનો અર્થ એવો પણ થાય કે, લોકશાહીમાં આ દેશની જનતાનો વિશ્વાસ ઊઠવાની શકયતા વધશે, વિદેશમાં આપણા દેશની લોકશાહી વગોવાશે અને તેને માટે જવાબદાર રાજકીય તાનાશાહી ચુંટણી બાદ કેવાં કેવાં પગાલ લેશે તેની આપણા દેશમાં કાગડોળે રાહ જોવાશે ! એમ પણ કહી શકાય કે લોકસભાની ચુંટણી અંગેની લડાઇમાં જીત કરતાં તે પછીનું રાજકારણ આખા દેશ માટે પડકારરૂપ બનશે.

અભ્યાસીઓનું કહેવું છે કે સરળ જીવના મીઠા વહેણો છોડીને લોકજીવન સમજયા વિના જયારે નવા યુગને અનુરુપ થયા જાય છે ત્યારે તેમાં નકકર કૃત્રિમતા જ આવી જાય છે. એ કૃત્રિમતા આપણી સાચી સંસ્કૃતિની સરહદ વટાવીને કોઇ વિચિત્ર પ્રદેશમાં વિહાર કરે છે ત્યારે પ્રેમના નામે વિચિત્ર પ્રકારના અકલપ્ય નાટકો દેખાય છે. પ્રેમ જયારે ઢોંગ અને દંભમાં પરિણમે છે. સ્વતંત્રતાના નેજા નીચે સ્વછંદતા છૂપી રીતે પણ આચરણમાં આવે છે, અને લોકજીવન પર ઘેરી છાયાના એવા તો પ્રચંડ ઓળા ઊતરી છે જે વર્ષો સુધી સામાજિક વાતાવરણને દુષિત બનાવી મૂકે છે.

જો કે, અત્યારે દેશમાં સરળ જીવનનાં મીઠા વહેણોની સ્થિતિ છે જ નહિ, લોકસભાની ચૂંટણી જાહેર થતાં પહેલા પક્ષપલટાની અને પક્ષપલટુઓને આ અગાઉ કયારેય બન્યું નથી એ રીતે પ્રધાનપદનો ઉતાવળે ઉતાવળે શિરપાવ આપવા પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું તેને ગુજરાતની પ્રજા તથા ગુજરાતના મતદારો અસાધારણ તેમજ અતિ વિચિત્ર ઘટના ન ગણે તો જ નવાઇ ? આચારસંહિતાની પાબંધી આવી જાય તે પહેલા જ આવી મતલક્ષી કામગીરી કરી લેવાની રાજકીય યુકિતનો વિપક્ષોમાં અને મતદાર પ્રજામાં કેવો પડઘો પડશે એ તો આગામી દિવસો જ કહેશે.

જેમણે આવી યુકિત અજમાવી છે તેમણે એવું જ માન્યું છે કે, આવી યુકિતથી તેમના પક્ષને ઘણા બધા મત મળી જશે અને તેમનાં આંગણે જવલંત વિજયની રંગોળી પૂરાશે… તે પછી પાંચ વર્ષના શાસનમાં તેમણે ઇચ્છેલું બધું જ તેમને મળી જશે તથા તેના હરીફો ખોખલા તેમજ નિર્જીવ બનીને કાયમી હારની કબરમાં દટાઇ જશે! પરંતુ પ્રજારાજ જયારે કમજોર અને ખોખલું બને છે ત્યારે વિદ્રોહ વિપ્લવનો માહોલ સર્જાય છે અને કલ્પનામાં  ન આવે એવું બિહામણું હવામાન સર્જાય છે.

પ્રજારાજમાં રાજગાદી પામવાની સ્પર્ધા થાય જ, એમાં કાંઇ નવું કે અણછાજતું ન ગણાય  પરંતુ જીવતા માટે લોકશાહી લજિજત થાય અને એવી યુકિત પ્રયુકિતનો આશરો લેવાય એનાથી ગૌરવ વધે કે ઘટે એવો પ્રશ્ન ઊઠે જ પ્રજા અને આપણે બધા આ રાજકીય લડાઇમાં જે જીતશે એને અભિનંદન આપશું અને શુભેચ્છાઓ પાઠવશું એ સ્વાભાવિક છે. એને વિવેક પણ લેખાય, એમાં રાજકીય નિષ્પક્ષતા પણ અંકિત થાય…. પરંતુ એની સમીક્ષામાં અભિપ્રાય ભેદ શકય બને જ જે કાંઇ સારૂ અને સાચું હોય એની પ્રશંસા થઇ શકે અને જે સારું તથા સાચું ન લાગે તેની પ્રસંશા કયાંથી થાય?

સિઘ્ધાંત વગરના રાજકારણને મહાત્મા ગાંધીજીએ ‘મહાપાપ’તરીકે ઓળખાવ્યું છે.આપણે ઇચ્છીએ કે, આ લડાઇમાં ‘મહાપાપ’આચરવાથી સૌ દૂર રહે…આખરે તો ‘મહાપાપ’આચરનારને ઇશ્વર માફ કરતા નથી. આમાં પ્રજા ઇશ્ર્વરની ભૂમિકામાં છે, એ ભૂલવા જેવું નથી.સિઘ્ધાંત વગરના રાજનેતાઓ કયારે શું કરે તે કહી શકાતું નથી. આપણા દેશની લોકશાહીને આ ચૂંટણી મૃતપ્રાય ન કરે એવું ઇચ્છીએ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.