Abtak Media Google News

આજકાલ પરિણામોની મોસમ ચાલી રહી છે. જીવનનો ઘણો ખરો ભાગ અભ્યાસમાં કાઢી નાખતું બાળક આખરે તો પરિણામની રાહ જોઈને જ બેઠું હોય છે. બાલ્યકાળમાં ભણતરનું મહત્વ સમજવું અને સમજાવવું મુશ્કેલ હોય છે. આજના ડિજિટલયુગ અને સોશ્યલમીડિયાના જમાનામાં માણસ પોતાના સુખ-દુ:ખની દરેક લાગણી વહેંચતો થયો છે ત્યારે ફેસબુક પર દરરોજ માતાપિતાઓ ગર્વભેર પોતાના બાળકના પ્રગતિપત્રક (રિપોર્ટ કાર્ડ) – બાળકની સિદ્ધિ મિત્રો સાથે વહેંચી રહ્યા છે. ફેસબુક પર જાણે રિપોર્ટકાર્ડની  મોસમ ખુલી છે ત્યારે વિચાર એ આવે કે આપણે આપણા બાળકની સિદ્ધિ,એની સફળતા અને આપણો આનંદ વહેંચી રહ્યા છીએ કે પછી શાળાઓએ  વર્તમાનપત્રોમાં મેરીટ લિસ્ટ ન મુકવાના સરકારના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છીએ?વર્ષોથી બોર્ડની પરીક્ષાના પરિણામો વર્તમાનપત્રોમાં જાહેર થતા.

એ પછી એમના મેરીટ મુજબ કેન્દ્રમાં એકથી દસ ,શહેરમાં પ્રથમ દસ, શાળામાં પ્રથમ દસ, ટ્યુશનકલાસમાં પણ અગ્રતાક્રમ મેળવનાર વિદ્યાર્થીઓના નામ ફોટો સાથે કેટલાય દિવસો સુધી આવ્યા કરતા. આ બધાના લીધે નબળા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ડિપ્રેશનનો ભોગ બનતા પોતાના સાથી મિત્રો આગળ નીકળી ગયા હોય અને પોતે પાછળ રહી ગયા હોય એવા નબળા વિદ્યાર્થી આત્મગ્લાનિ અને શરમ કે પછી માતાપિતાના ડર ના કારણે આત્મહત્યાના પ્રયાસો કરતા.

નબળા વિદ્યાર્થીઓના માતાપિતા પણ આવા ફોટો બતાવી બતાવીને પોતાના  બાળકોને સતત ટોર્ચર આપ્યા કરતા જેના લીધે બાળકોને તો પડ્યા પર પાટુ જેવો ઘાટ થતો. સતત વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓ કારણે સરકાર દ્વારા એવો નિયમ જાહેર કરવામાં આવ્યો કે શાળાઓ તરફથી આવી પરિક્ષાઓમાં બાળકોના પરિણામમાં અગ્રતાક્રમ વાળું મેરીટ તૈયાર નહિ કરતાં માત્ર ટકાવારી જ દર્શાવવી. આ નિર્ણયથી ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાશ અનુભવી. એ વાત અલગ છે કે ખાનગી કલાસીસ વાળા આજે પણ એમની સંસ્થાના પ્રચાર માટે આવા લિસ્ટ મૂકી જ રહ્યા છે પરંતુ શાળા ક્ષેત્રે આવા અગ્રતાક્રમ વાળા લિસ્ટ મુકવાના બંધ થયા છે.

હવે સમય આવ્યો સોશ્યલમીડિયાનો. આપણે ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમથી દેશ વિદેશમાં મિત્રો બનાવતા થયા અને આમ આપણે એક વર્ચ્યુઅલ વર્લ્ડ ઉભું કર્યું. આવા જગતમાં આપણે આપણો વટ પાડવા કે સિક્કો જમાવવા સારા વિચારો, સારું લખાણ, સારા ફોટોગ્રાફ, અને આપણી તથા પરિવારની સિદ્ધિ અને સફળતા વહેંચતા થયા. ફેસબુક પર એજ લોકો એના બાળકની સિદ્ધિ વહેંચે છે જેમનું બાળક અવ્વલ આવ્યું હોય અને ફરીથી લાગતા વળગતા મિત્રો વડીલો એમના બાળકોને એ રિઝલ્ટ બતાવી બતાવીને ટોર્ચર કરે એ સ્થિતિ આપણે જાતે ઉભી કરી રહ્યા છીએ.

તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ મેળવી રહેલા બાળકોના પ્રગતિપત્રક જોતા એક વાત ધ્યાને આવી કે બાળક ચાહે ગુજરાતી માધ્યમનું હોય કે અંગ્રેજી માધ્યમનું પરંતુ એમનું અંગ્રેજી વધુ સારું છે , ગુજરાતીના મુકાબલે.ઘણાં રિપોર્ટકાર્ડ એવા જોયા કે જેમાં અંગ્રેજી વિષયમાં ૧૦૦ માંથી ૯૯ માર્ક મેળવનાર વિદ્યાર્થીના ગુજરાતીમાં ૬૭ માર્ક જ જોવા મળે છે અને આ માત્ર અંગ્રેજી માધ્યમની વાત નથી, ગુજરાતી માધ્યમની સ્થિતિ પણ આવી જ છે. આ જોતા એવો સવાલ થાય કે ગુજરાતી પરિવારમાં જન્મેલા, ગુજરાતી માતૃભાષા ધરાવનાર અને જેમના ઘરમાં પણ ગુજરાતી જ બોલાય છે એવા બાળકોની પણ ગુજરાતી ભાષા આટલી નબળી શા માટે? એવું કયું કારણ હોય કે બાળક ગુજરાતીમાં સ્કોર નથી કરી શકતું?

બાળક માટે માતૃભાષા જ સૌથી ઉત્તમ અને સહેલી ભાષા છે. જે માહોલમાં બાળક જીવે છે એ માહોલ એનાં મન મસ્તિષ્ક પર હાવી થઈ જાય છે. ગુજરાતી માધ્યમમાં,ગુજરાતી લોકો વચ્ચે અને પરિવારની મુખ્ય ભાષા ગુજરાતી હોય એવા બાળકો અંગ્રેજીમાં ગુજરાતી કરતાં પણ વધુ સારું પરફોર્મ કઈ રીતે કરી શકે? માતૃભાષા પર આયાત કરેલી ભાષા હાવી થઈ જાય એ ચિંતાનો વિષય તો ખરો જ. આજે હવે જમાનો બદલાયો છે, ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે  ભારતને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવવાની જાણે કે હોડ લાગી છે . આંતરરાષ્ટ્રીય શિક્ષણનો કોન્સેપ્ટ આવ્યો એના પગલે પગલે આપણાં દેશમાંથી માતૃભાષા હળવે હળવે વિદાય લઇ રહી છે. બહુ અફસોસ સાથે એ વાત કહેવી પડે છે કે આપણે ગુજરાતીઓ  ગુજરાતી હોવાનું ગર્વ અનુભવવાના બદલે શરમ અનુભવીએ છીએ.

આજે સ્થિતિ એવી છે કે દરેક માતાપિતા એમના બાળકને અંગ્રેજી શિક્ષણ આપી રહ્યું છે. કેટલાક તદ્દન સામાન્ય ગુજરાતી શબ્દો પણ બાળકની સમજમાં નથી આવતા પરંતુ જો એમને એ જ શબ્દ અંગ્રેજીમાં કહો તો એ તરત જ સમજી જતું હોય છે જો કે આ માત્ર સામાન્ય બોલચાલના શબ્દો પૂરતું જ. જેમકે આજે કોઈપણ બાળકને એની ભૂલ બદલ સોરી બોલવાનું કહેવામાં આવે તો એને ખ્યાલ છે કે પોતાની ભૂલ થઈ છે માટે સામેવાળાને સોરી કહેવાનું છે પરંતુ સોરી એટલે શું?એનો અર્થ શું?ગુજરાતીમાં એને શુ કહેવાય? તો આમાંના એકપણ સવાલના જવાબ એ બાળક પાસે નથી.મતલબ કે એ સોરી નું ગુજરાતી નથી જાણતો.

આજે વાલીઓ એવી દલીલ કરતા થયા છે વૈશ્વિક શિક્ષણનો વ્યાપ વધતા હવે અંગ્રેજી શિક્ષણ બાળક માટે અનિવાર્ય છે.  બાળક અંગ્રેજી શિક્ષણ વગર અન્ય રાજ્યો કે દેશના બાળકો સામે નબળું પુરવાર થાય છે, એની પ્રગતિ રૂંધાય છે વિ. વિ…. ત્યારે વિચાર એ આવે કે જ્યારે સંપૂર્ણ ગુજરાતી શિક્ષણ હતું ત્યારે પણ ડોક્ટર્સ, એન્જીનિયર્સ થતા જ, ત્યારે પણ ભારતીય કે ગુજરાતી છોકરાઓ વિદેશી કંપનીઓમાં ઉંચા પગારધોરણ સાથે જોબ મેળવતા જ. તો હવે શા માટે માત્ર સામાન્યપ્રવાહનું ભણતર જ ગુજરાતી માધ્યમમાં?

એક રમૂજ મુજબ એક ગામડાંમાં કોઈ વિદેશી આવી ચડે છે અને એ કોઈ જગ્યા શોધી રહ્યો હોય છે . ગામનાં પાદરે બેઠેલા જુવાનિયાઓને એ વિદેશી અલગ અલગ ચારથી પાંચ ભાષામાં પૂછે છે પરંતુ પેલા જુવાનિયાઓ માત્ર ગુજરાતી જાણતા હોવાથી જવાબ ન આપી શક્યા અને પેલો વિદેશી ત્યાંથી માથું ખંજવાળતો જતો રહ્યો ત્યારે એક જુવાનીયાએ બીજાને કહ્યું કે આપણે અંગ્રેજી શીખવી જોઈએ.પેલાએ કહ્યું શા માટે? તો એ જુવાને કહ્યું કે  અંગ્રેજી જાણતા હોઈએ તો આવી તકલીફ ન થાય.પેલાએ આપણને અલગ અલગ ચાર ભાષામાં પૂછ્યું પણ આપણે ન સમજ્યા. ત્યારે સામેવાળા જુવાને બહુ સરસ જવાબ આપતા કહ્યું કે, પેલાને ચાર ભાષા આવડતી હતી છતાં એને એનો જવાબ મળ્યો? નહિ ને? તો આપણે શીદને શીખવી છે?   આમતો આ રમૂજ છે પરંતુ નર્યું સત્ય છે એમાં.

વિશ્વના કોઈપણ દેશમાં જઈએ તો દરેક જગ્યાએ આપણે સેટ થવા માટે ત્યાંની લોકલ લેન્ગવેજ શીખવી પડે છે. કેટલાય દેશો અંગ્રેજીને માન્યતા નથી આપતા. માત્ર આપણો એક જ દેશ એવો છે કે જ્યાં સંપૂર્ણ ગુજરાતી પરિવાર પણ ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલીને પોતાને ખૂબ હોશિયાર સમજે છે.’માતૃભાષાદિવસ’ ઉજવવા માટે આપણે કેટલા દિવસ પહેલાથી ભાષાની ગૌરવગાથા રજૂ કરતી કવિતાઓ,વાર્તાઓ,વિચારો બધુજ એકઠું કરીને એ દિવસે આખો દિવસ સોશ્યલમીડિયા પર ફેંક્યા કરીએ છીએ પરંતુ એ ક્યારેય નથી સમજતા કે બાળક જે ભાષામાં પોતાની દરેક પ્રકારની લાગણી વ્યક્ત કરી શકે એ ભાષા જ બાળકના ઘડતર માટે ઉત્તમ ભાષા છે.

આપણાં સાહિત્યકારો અને ભાષાના રખેવાળો એક જ નારો લગાવી રહ્યા છે કે બાળકને અંગ્રેજી શીખવવું પરંતુ ગુજરાતીને સાથે રાખી ને. માતૃભાષાથી દૂર જઇ રહેલો માણસ કેટલો પણ આગળ વધી જશે પણ એ સંસ્કૃતિ અને પરંપરાઓથી તથા પોતાની ભોમકાથી વિખૂટો પડી જશે.

ગુજરાતી માધ્યમમાં ભણતું બાળક પણ અંગ્રેજીમાં વધુ સારું પ્રદર્શન કરતું હોય અને એ પણ ગુજરાતી ભાષાના ભોગે ત્યારે એ ગર્વનો નહિ, શરમ અને ચિંતાનો વિષય છે.  માતૃભાષાનું જતન કરવું – એનો પ્રચાર અને પ્રસાર કરવો , બાળકને માતૃભાષા પ્રત્યે લગાવ જન્મે એ માહોલ રચવો એ માતાપિતાની ફરજ છે.

આજે ભાષાનું ગૈરવ કરશે એ બાળક જ આગળ જતાં દેશનું ગૌરવ કરશે.  આવો આપણે બધા સાથે મળીને ડચકા ખાઈ  રહેલી માતૃભાષાને નવું સ્વાસ્થ્ય પ્રદાન કરીએ અને સાહિત્યકારો અને ભાષાની રક્ષા કાજે જેમણે ભેખ લીધો છે એ તમામ લોકોના યજ્ઞમાં જોડાઈને ભાષાને સમૃદ્ધ બનાવીએ.

મિરર ઇફેક્ટ :

માતૃભાષાથી દૂર જઇ રહેલી આવતીકાલની પેઢીને આપણે જ સુગમ સંગીતથી દૂર કરી  પોપ અને -રેંપ સોંગ તરફ ધકેલી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.