Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે ૧૦ કલાકે દેશને સંબોધન કરશે

દેશમાં કોરોના સામે તકેદારીરૂપે સરકારે જાહેર કરેલા ૨૧ દિવસના લોકડાઉનનો કાલે છેલ્લો દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે ૧૦ કલાકે દેશને સંબોધન કરશે. વડાપ્રધાન કાર્યાલયે આ અંગે એક ટવીટ કરી જાહેરાત કરી છે. ચીનના વુહાનમાંથી પ્રસરેલ કોરોના વાયરસે સમગ્ર વિશ્ર્વમાં અનેકના જીવ લીધા છે અને કરોડો લોકોને પોતાના પંજામાં સાપડયા છે. ભારતમાં કોરોનાનો કહેર બાદ આગમચેતીના પગલારૂપે સરકારે ૨૧ દિવસનાં લોકડાઉનથી જાહેરાત કરી હતી અને ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી હતી. સરકાર દ્વારા લોકડાઉનનો અમલ થાય એ માટે લોકો સામાજીક અંતર જાળવે તો કોરોનાનો રોગચાળો વકર્યો અટકે એટલે સરકાર, પોલીસ દ્વારા લોકડાઉન, સામાજીક અંતર જાળવવા, કડક અમલ કરાવાયો હતો.

હવે લોકડાઉનનો સમય પૂર્ણ થવામાં છે ત્યારે બે દિવસ અગાઉ વડાપ્રધાને રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી જેમાં દેશના મોટાભાગના રાજયોનાં મુખ્યમંત્રીઓએ લોકડાઉનની મુદત ૩૦ એપ્રિલ સુધી લંબાવવાની વાત કરી હતી. જોકે કેટલાક રાજયો તો લોકડાઉનની મુદત પૂર્ણ થાય એ અગાઉ જ લોકડાઉન લંબાવવા માટેનો નિર્ણય લઈ ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન રાખવાના નિર્ણયથી જાહેરાત પણ કરી દીધી હતી. હવે જે રાજયોએ લોકડાઉન અંગે નિર્ણય કર્યો નથી કે નકકી કરી શકયા નથી તેથી આવતીકાલે વડાપ્રધાન દેશને શું સંબોધન કરશે ? લોકડાઉન લંબાશે કે નહીં ? લંબાશે તો કેટલો સમય ? હવેના લોકડાઉન દરમિયાન કઈ કઈ છુટછાટ મળશે ? વગેરે અંગે કોઈ જાહેરાત થશે કે કેમ ? આ ઉપરાંત અન્ય કઈ જાહેરાત થશે તે અંગે લોકોની મીટ મંડાઈ છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટવીટર એકાઉન્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. કોરોના અંગે વડાપ્રધાન આવતીકાલે ચોથી વખત દેશ સાથે વાત કરશે. અગાઉ તેમને જનતા કફર્યું, ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ દિપક પ્રગટાવવાની અપીલ કરતી વખતે દેશને સંબોધન કર્યું હતું. લોકડાઉન વધશે તો કેટલીક છુટછાટ મળે તેવી શકયતા સેવાઈ છે. ઉપરાંત ખેડુતો, શ્રમિકોને પણ કેટલીક છુટછાટ આપવામાં આવશે જોકે આ દરમિયાન લોકડાઉનના નિયમો અને કેટલાક દેશમાં લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.