Abtak Media Google News

જેટના રોકાણકારોને ઠેંગો!!

નવા ખરીદદારો ૯૦ ટકાથી વધુ હિસ્સો રાખશે: પબ્લીક શેર હોલ્ડર્સ કે જેટના કર્મચારીઓ બંનેમાંથી કોઈને ડિલથી ફાયદો નહીં!!

જેટ એરવેઝને ઉડાન ભરાવવા માટે ગત અઠવાડિયે મહત્વની ડિલ થઈ હતી. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલની ઈનસોલ્વેન્સી પ્રોસેસ બાદ રૂપિયા ૧ હજાર કરોડનું રોકાણ જેટ એરવેઝમાં કરવામાં આવશે. જેટને રી-લોન્ચ કરવા માટે તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે ત્યારે આ ડિલથી પબ્લીક શેર હોલ્ડર્સ એટલે કે રોકાણકારો કે જેટના કર્મચારીઓ બંનેમાંથી કોઈને ફાયદો ન હોવાનું આર્થિક નિષ્ણાંતોનું માનવું છે. યુ.એ.ઈ.ના કાલરોક કેપીટલ અને મુરાલીલાલ જાલન વચ્ચે મહત્વના કરાર થયા છે જે મુજબ બંને ૪૯-૫૧ના ભાગે હિસ્સો રાખશે.

અલબત જેટને ઉડાડવા માટેની કવાયતમાં ઈનસોલ્વેન્સી પ્રક્રિયા હાથ ધરાઈ હોવાથી પ્રારંભિક તબકકે જ ૯ ટકા હિસ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક અને આઈડીબીઆઈ સહિતની બેંકો પાસે ચાલ્યો જશે. એકંદરે જેટના માલિકો પાસે ૯૦ ટકા જેટલો હિસ્સો રહેશે પરંતુ વર્ષોથી વફાદાર રહેલા શેર હોલ્ડરોનું શું તે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.

નોંધનીય છે કે જેટ એરવેઝ જે-તે સમયે સૌથી ઝડપથી વિકસેલી કોમર્શિયલ એર લાઈન્સ હતી. આ એર લાઈન્સને સરકાર તરફથી ઉડાન ભરવાના કેટલાક સ્લોટ મળ્યા હતા. હવે આગામી સમયમાં ફરીથી આવા જ સ્લોટ મળશે તો જેટ એરવેઝની પાંખો વિસ્તરશે તેવું મનાઈ રહ્યું છે. ગત મહિને કેટલીક તુત્રીઓના કારણે જેટ એરવેઝ જમીન પર આવી ગયું હતું. ૨૦૧૮માં જેટ એરવેઝની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજય ઉડાનોની સંખ્યા ૬૦૦ જેટલી હતી.

વર્તમાન સમયે જેટ એરવેઝના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. ગઈકાલે જેટ એરવેઝનો શેર ૪.૯૮ ટકા જેટલો ઉંચકાયો હતો પરંતુ અત્યારે નવા શેર હોલ્ડીંગ સ્ટ્રકચર ઉપર લોકોનું ધ્યાન કેન્દ્રિત છે. કંપની ઈનસોલ્વેન્સી પ્રક્રિયામાં હોવાના કારણે સામાન્ય મુડીરોકાણકારોને બિલમાં માત્ર ઠેંગો મળે તેવી શકયતા છે. જો તરલતા બાદ જેટ એરવેઝનું કોર્પોરેટ દેણુ શૂન્ય થઈ જશે તો રોકાણકારોને કંપનીના માલિકો મહદઅંશે ફાયદો કરાવશે તેવી પણ શકયતા છે. અત્યારે તો નવા માલિકો શેર હોલ્ડીંગ માટે નવું સ્ટ્રકચર વિચારી રહ્યા છે.

નોંધનીય છે કે શેરબજારમાં અત્યાર સુધીમાં હર્ષદ મહેતા, સત્યમ સહિતના કાંડ થઈ ચુકયા છે. માલ્યા જેવા આલ્યા, માલ્યા બેંકોને ટોપી ફેરવી ચુકયા છે. આવા સમયમાં પણ મૂડીરોકાણકારોનો વિશ્ર્વાસ શેરબજારમાં ટકી શકયો છે જેના પાછળ પારદર્શકતા જવાબદાર છે જોકે હવે ફરીથી શેરબજારના રોકાણકારોનો ઘડો લાડવો નિકળી જાય તેવી દહેશત છે. જો જેટના નવા માલિકો ઈચ્છશે નહીં તો રોકાણકારોના શેરનું મુલ્ય ૦ પણ થઈ શકે તેવી વકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.