Abtak Media Google News

રાજકોટના હોસ્પિટલ ચોકથી ગાંધીનગરની બજાર સુધી માદક પદાર્થનું ખુલ્લેઆમ વેંચાણ

રાજકોટમાં પકડાયેલુ ચરસ અને ગાંજો પાસેરામાં પુણી જ છે

તંત્ર સમયસર એલર્ટ નહીં બને તો યુવા પેઢી બરબાદ થશે

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો સરકારે કડક બનાવી બુટલેગરો પર ધોસ બોલાવી છે. પ્રોહિબિશન કરતા પણ ડ્રગ્સના નશાથી વધુ ખતરનાક બન્યો છે. દારૂબંધી સામેની કાર્યવાહી આવકાર્ય છે પણ એનસીબી દ્વારા નાર્કોટીકસ તરફનું દુર્લક્ષ ગુજરાતને બરબાદ કરી નાખશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડ્રગ્સના નશાના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો હોવાથી રાજકોટના હોસ્પિટલ ચોકથી છેક ગાંધીનગરના બજાર સુધી ખુલ્લેઆમ વેંચાતા નશીલ અને માદક પદાર્થોના ધંધાર્થીઓ સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી યુવાધનને બરબાદીમાં ધકેલાતા અટકાવવા જરૂરી બન્યા છે. રાજકોટમાં ઝડપાયેલા ચરસ અને ગાંજો પાસેરામાં પેલી પુણી જ છે. માદક પદાર્થનું વેંચાણ અટકાવવા અને મુળ સુધી પહોંચવા તંત્રએ વધુ કવાયત કરવી પડે તેમ છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓ દ્વારા ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, બ્રાઉન સુગર અને કોકીન જેવા નશીલા દ્રવ્યોની દાણચોરી કરી ચોરીછુપીથી દેશમાં ઘુસાડી યુવાનોને માદક દ્રવ્યોના બંધાણી બનાવી બરબાદ થઈ જાય તેવા ખૌફનાક ષડયંત્રનો પર્દાફાશ કરવો તંત્ર માટે અતિ જરૂરી બન્યો છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરે આવેલો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવો સરળ છે. ત્યારે એનસીબીએ ડ્રગ્સ સામે સખ્ત કાર્યવાહી યુવાધનને બરબાદ થતું અટકાવવું જરૂરી બન્યું છે.

રાજકોટમાં અત્યાર સુધી ચરસ, ગાંજો અને બ્રાઉન સુગરનું વેંચાણ માત્ર કિટીપરા જેવા વિસ્તાર પુરતું જ મર્યાદિત હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના ભદ્ર વિસ્તારમાં પણ ચરસ, ગાંજો અને બ્રાઉન સુગરનું ખુલ્લેઆમ વેંચાણ થઈ રહ્યું છે જેના કારણે ભદ્ર સમાજના યુવાનો માદક પદાર્થનો નશો કરતા થઈ ગયા છે. ડ્રગ્સના નશાના કારણે યુવાનો પાયમાલ બનવા ઉપરાંત અન્ય ગંભીર ગુના પણ આચરતા થઈ ગયા છે. ડ્રગ્સ માફીયાઓ યુવાઓને નશીલા પદાર્થના આદિ બનાવવા શાળા, કોલેજો નજીક વેંચાણ કરતા હોવાનું ચર્ચાઈ છે.

ગુજરાતમાં દારૂબંધીનો કડક રીતે અમલ કરાવવા તંત્ર દ્વારા કાયદામાં ઘણા ફેરફાર કરી ઝુબેશ શરૂ કરી છે તે આવશ્યક છે. પણ પ્રોહીબીશન કરતા પણ વધુ ખતરનાક ડ્રગ્સનો નશો હોય છે. ડ્રગ્સની દાણચોરી સામે તંત્રએ લાલ આંખ કરી મુળ સુધી પહોંચી છડેચોક વેંચાતા ચરસ અને ગાંજાનું વેંચાણ કરતા શખ્સો સામે ધોસ બોલાવી કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ડ્રગ્સ માફીયાઓ દેશમાં માદક પદાર્થો ઘુસાડતા અટકે તેમ છે.

શ્રમજીવી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને નશીલા પદાર્થોનું વેંચાણ કરવા આકર્ષીત ડ્રગ્સ માફીયાઓ પોતાનો પગપેશારો કરી યુવા વર્ગને નશો કરવાના બંધાણી બનાવ્યા બાદ પોતાનું નેટવર્ક સ્પ્રેડ કરતા હોય છે. રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ માફીયાઓએ પગપેશારો કરી ચરસ, ગાંજો અને બ્રાઉન સુગર જેવા નશીલા પદાર્થોના વેંચાણનું નેટવર્ક બિછાવ્યું છે.

યુવાનો ચરસ, ગાંજો અને બ્રાઉન સુગરની એક વખત સેવન કરે એટલે યુવાનોને વારંવાર નશીલા પદાર્થનું સેવન કરવાની ટેવ પડી જતી હોય છે. ડ્રગ્સના નશાના કારણે નાની ઉંમરે જ યુવાનો તમામ રીતે કમજોર બની બરબાદ થઈ રહ્યાં છે.

ત્યારે તંત્રએ માદક દ્રવ્યોનું વેંચાણ અને હેરાફેરી અટકાવી યુવાધનને બચાવવું જરૂરી બન્યું છે.

નાર્કોટીકસના કેસ કરવા પોલીસ માટે માથાકૂટ અને કપરી કાર્યવાહી હોવાના કારણે પોલીસ સ્ટાફ ડ્રગ્સ અંગેના કેસ કરવાનું ટાળતી હોય છે. તો કેટલાક ડ્રગ્સના ધંધાર્થીઓ પોલીસની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ ડ્રગ્સનું વેંચાણ કરી રહ્યાં છે. રાજકોટ પોલીસે ઘણા લાંબા સમય બાદ ચરસ અને ગાંજાનો મોટી માત્રામાં જથ્થો પકડી પાડયો છે ત્યારે સમગ્ર કૌભાંડના મુળ સુધી પહોંચી મુખ્ય સૂત્રધારને ઝબ્બે કરવો પણ જરૂરી બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.