Abtak Media Google News

કોન્ફિડન્સ કે ઓવરકોન્ફિડન્સ ?

ઇંગ્લેન્ડની ટીમને ઓળખવામાં ‘થાપ’ ભારતની હાલત ઓસ્ટ્રેલિયા જેવી કરી શકે!!!

આજે ચેન્નઈ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવા માટે ટેસ્ટ સિરીઝનો પ્રથમ મેચ રમાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે રીતે ભારતની નવોદિતોની ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન કરીને સિરીઝ કબ્જે કરી હતી તેના કારણે ટીમનો ઉત્સાહ અને કોન્ફિડન્સ પણ વધ્યો છે પરંતુ કોન્ફિડન્સ ઓવરકોન્ફિડન્સમાં પરિવર્તિત થશે ભારતની હાલત ઓસ્ટ્રેલિયા જેવી થવાની પ્રબળ શક્યતાઓ છે. ભારત અને ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન અંગે જો વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન કાગળ પર નબળી દેખાઈ રહી છે. કોઈ મોટા અને પીઢ ખેલાડીઓનો ટીમમાં અભાવ જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડ હાલ નવોદિતો સાથે ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમવા માટે મેદાને ઉતરી છે. ત્યારે ભારતે તેના પીઢ અને અનુભવી ખેલાડીઓ મેદાનમાં ઉતાર્યા છે જેના કારણે ભારત માટે પ્રાથમિક તબક્કે સિરીઝ કબ્જે કરવી સરળ લાગી રહ્યું છે પરંતુ હાલ ટીમમાં જે કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે તે ઓવર કોન્ફિડન્સમાં પરિવર્તિત  થાય અને ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જેવી ભૂલ કરે તો ભારતની હાલત ઓસ્ટ્રેલિયા જેવી થાય તો નવાઈ નહીં.

ભારતે જે રીતે પ્લેઇંગ ઇલેવન મેદાને ઉતારી છે તેમાં પ્લેયર્સની પસંદગીમાં ભારતે ફિક્સ ફર્માની પદ્ધતિ અપનાવી છે. ટીમ ઇન્ડિયાએ રૂઢીચુસ્ત પદ્ધતિ પ્રમાણે વિરાટ કોહલી, રોહિત શર્મા, ઇશાંત શર્મા અને અશ્વિનને રમાડવો જ પડે તેવી પદ્ધતિથી પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ભારતે તેની નવોદિતોની ટીમ-બી ઉતારી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પણ કહ્યું હતું કે, આ નવોદિતોને પછાડીને ઓસ્ટ્રેલિયા સરળતાથી મેચ જીતી લેશે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પણ એવી જ ભૂલ કરી હતી. ભારતીય ટીમના નવોદિતોને સમજવામાં થાપ ખાઈને હલકામાં લીધા હતા જેના પરિણામે કાંગારુએ સિરીઝ ગુમાવી હતી. તેવી જ રીતે હાલ કાગળ પર નબળી દેખાતી ટીમ ઇંગ્લેન્ડને જો ભારતીય ટીમ હલકમાં લેશે તો અનુભવીઓનો અનુભવ પણ કામ લાગશે નહિ અને ટીમે હારનો સામનો કરવો પડી શકે છે. ભારતીય ટીમ 2 ફાસ્ટ બોલર અને 3 સ્પિનર સાથે રમી રહી છે જ્યારે ટીમ ઇંગ્લેન્ડ 3 ફાસ્ટ અને 3 સ્પિનર સાથે મેદાનમાં ઉતરી છે. નોંધનીય બાબત છે કે, મદ્રાસની પિચ પર બોલ ત્રીજા દિવસથી વધુ ટર્ન થવા લાગે છે જેની અસર મેચ પર ચોક્કસ જોવા મળશે અને બોલર્સ અને બેટ્સમેનો બંને માટે પડકાર જેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનની જો વાત કરવામાં આવે તો કેપ્ટન તરીકે વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, રિષભ પંત, આર. અશ્વિન, વોશિંગટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, શાહબાઝ નદીમનો સમાવેશ કરાયો છે. જ્યારે ટીમ ઇંગ્લેન્ડમાં કેપ્ટન તરીકે જો રુટ, આર. બર્ન્સ, ડી. સીબલી, ડેન લોરેન્સ, બેન સ્ટોકસ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જોફરા આર્ચર, જેક લીચ અને જેમ્સ એન્ડરસનનો સમાવેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.