Abtak Media Google News

રાજયમાં જળ સંકટ વધુ ઘેરુ બને તેવી દહેશત: સૌરાષ્ટ્રને તમામ રીતે અનુકુળ કલ્પસર યોજના સાકાર થાય તે ઈચ્છનીય

આજથી સેંકડો વર્ષ પહેલા દેવાયત પંડિત નામના વ્યક્તિએ ભવિષ્યવાણી ભાખી હતી કે, ‘દિવા લટકશે તાર પર, પાણી પડીકે બંધાયને વેંચાશે, હવાનો પણ થશે વેપાર’ આ આગમવાણી હવે સચોટ પડી રહી છે. રાજયમાં જળસંકટ વધુને વધુ ઘેરુ બનતું જાય છે. પરિણામે સૌરાષ્ટ્રની પ્યાસ બુજાવવા માટે હવે કલ્પસર જ એક માત્ર વિકલ્પ જણાય રહ્યો છે.

તાજેતરમાં જ તંત્રએ કબુલાત આપી છે કે, આગામી સમયમાં ગુજરાતમાં જળ સંકટ વધુ ઘેરુ બનશે. પાણીના યોગ્ય આયોજનના પરિણામે લોકોને હાડમારી ભોગવવી પડશે તેવા સંકેતો મળી રહ્યાં છે. ગામે-ગામ પાણી આપવા નર્મદા ડેમ પર તંત્ર નિર્ભર છે. પરંતુ તેનો પુરતો ફાયદો સૌરાષ્ટ્રને મળી રહ્યો નથી. ઓપન કેનાલોના કારણે તેમજ સૌરાષ્ટ્ર ભૌગોલીક રીતે ઉંધી રકાબી જેવું હોય. પાણી પમ્પીંગથી જ શકય બને છે. જો કે, વર્ષો પહેલા માળીયે ચડાવી દીધેલો કલ્પસરનો પ્રોજેકટ આ બાબતે વધુ અસરકારક નિવડી શકે છે.

કલ્પસર યોજના મોટી મહત્વાકાંક્ષી યોજના હતી. જેના થકી ૧૦૫૪૫ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ, ૩.૬ કરોડ વસ્તી માટે વાર્ષિક ૯૦ કરોડ ઘન મીટર પીવાનું પાણી તથા ૫૮૮૦ મેગા વોટ ભરતી વિદ્યુત ઉત્પન્ન કરવાનું આયોજન હતું. આ ઉપરાંત કલ્પસરના કારણે દહેજ અને ઘોઘા વચ્ચે વાહન-વ્યવહાર પ્રસ્થાપિત થઈ શકે તેવી અપેક્ષા હતી. જેના થકી સૌરાષ્ટ્રમાં આવવા માટે ૨૨૫ કિ.મી.નું અંતર ઘટી શકે તેમ હતું. સૌરાષ્ટ્ર ગોલ્ડન કોરીડોર સાથે પણ સંકળાઈ શકતું હતું. એકંદરે જો કલ્પસર સાકાર થઈ જાય તો કલ્પવૃક્ષ બની શકે છે.

કલ્પસર યોજના સાકાર થતાં મધ્યપ્રદેશની આડોડાઈ પણ સહન કરવી પડશે નહીં. સરકારે હાલ કલ્પસર કઈ રીતે સાકાર થઈ શકે તે અંગે આદેશો આપી દીધા છે. જો કલ્પસર યોજના ફળીભૂત થાય તો પાણીના કાયમી પ્રશ્ર્નનો નિકાલ થઈ જાય અને જળસંકટ કયારેય તોળાઈ શકે નહીં. સરકારે જળ સંકટ ટાળવા સૌની યોજના અમલમાં મુકી છે. આ વર્ષે સારો વરસાદ થયા છતાં પાણી માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ગુજરાત સમગ્ર રીતે માત્ર નર્મદા ઉપર જ નિર્ભર રહે તે પોષાય શકે નહીં. માટે નર્મદાના વિકલ્પ તરીકે અથવા તો મુળ સ્ત્રોત તરીકે કલ્પસર સાકાર થવું જરૂરી બની જાય છે. કલ્પસરથી ૭ નદીઓનું પાણી દરિયામાં ઠલવાતા અટકી શકે છે જેનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. સૌરાષ્ટ્રની નેતાગીરી જો આ મુદ્દે વધુ ગંભીરતા દાખવી યોગ્ય નિર્ણય લે તો સૌરાષ્ટ્રને દર વર્ષે નડતુ જળ સંકટ ટળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.