Abtak Media Google News

ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીથી રક્ષા, સુરક્ષા અને વેપાર ક્ષેત્રે દ્વિપક્ષીય ચર્ચાને વેગ મળશે

ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબુત બને તે માટે ભારત સરકાર દ્વારા આગામી ગણતંત્ર દિવસની પરેડમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ નિમંત્રણ મુજબ ડોનાલ્ડરૂપ ભારત આવવાની વિચારણા કરી રહ્યા છે. જોકે આ અંગેની તારીખ સમય હજુ નકકી કરાયા નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ પાઠવ્યું છે. જોકે હજુ સુધી આ આમંત્રણનો સ્વીકાર થયો છે કે નહીં તેની સતાવાર જાણ નથી. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સૈંડર્સને કહ્યું હતું કે ટ્રમ્પને ભારતે આમંત્રણ આપ્યું છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી. એમ.એસ.સૈડર્સને સુત્રોને જણાવ્યું કે, ટ્રમ્પને ભારત તરફથી આમંત્રણ તો આપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી તે અંગેની તારીખ અને સમય નકકી કરવામાં આવ્યો નથી અને ટ્રમ્પના સલાહકારો દ્વારા હજુ કોઈ ઠોસ નિર્ણયની જાહેરાત પણ કરવામાં આવી નથી.

મહત્વનું છે કે જુન ૨૦૧૭માં વોશિંગ્ટનની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતની દ્વિપક્ષીય યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમનું આમંત્રણ સ્વીકાર્ય છે તો તે રક્ષા, સુરક્ષા અને વેપાર ક્ષેત્રેના સંબંધોને વધારે એવી આશા છે. ટ્રમ્પ પ્રશાસન ભારત સાથે ચીનના સંબંધોને લઈ દબાણ લાવી રહ્યું છે. જો ટ્રમ્પ આ નિમંત્રણને સ્વીકારશે તો ભારત સાથેના સંબંધો વધુ મજબુત બનશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભારત તેના ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા માટે વિશ્ર્વના નેતાઓને આમંત્રિત કરે છે. ૨૦૧૫માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. જેમણે અમેરિકી રાષ્ટ્રપતિના રૂપે બીજીવાર ભારતની યાત્રા કરી હતી.

આ વર્ષે ૧૦ આસિયાન દેશોના નેતાઓ ગણતંત્ર દિવસના વિશેષ અતિથિ હતા. જયારે ૨૦૧૬માં તત્કાલિન ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રેકોઈસ હોલેંન્ડે પરેડના મુખ્ય અતિથિ હતા. જયારે ૨૦૧૪માં જાપાનના પ્રધાનમંત્રી શિન્જો આબે અતિથિ વિશેષ હતા. આગામી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા આવનાર અતિથિઓમાં નિકોલસ સરકોઝી, વ્લાદિમીર પુતિન, જોન મેજર, મોહમ્મદ સ્વતમમી અને જૈકબ ચિરૈકનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.