Abtak Media Google News

ચીનમાથી પ્રસરીને વિશ્વભરના દેશોમાં ફેલાયેલો કોરોના વાયરસે અત્યાર સુધીમાં લાખો લોકોને ચેપ જયારે હજારો લોકોનો ભોગ લીધો છે. કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્ર સરકારે દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો. આ લોકડાઉન દરમ્યાન પ્રારંભમાં કોરોના કાબુમાં આવી ગયો હતો. પરંતુ લોકડાઉન દરમ્યાન જીવન જરૂરી સિવાય તમામ ધંધા વ્યવસાયો બંધ કરાવવામાં આવ્યા હોય દેશભરનાં કરોડો સ્થળાંતરીતોએ પોતાના વતનમાં જવા દોડ લગાવી હતી. ઉપરાંત કોરોનાને હળવાશથી લેતા લોકોમાં ‘બે-ખૌફ’થી હવે દેશમાં કોરોના વાઈરસ ત્રીજા તબકકામાં ઝડપભેર પ્રસરી રહ્યો છે. જેના કારણે ગઈકાલ સુધીમાં દેશભરમાં કોરોના વાઈરસના ભોગ બનેલા દર્દીઓની સંખ્યા ૧૬૦૦ને પાર કરી ગઈ છે.

હવે ઝડપભેર ફેલાવવાના કારણે દેશમાં ત્રણ દિવસમાં જ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ૪૦ ટકા જેવો ઉછાળો નોંધાવવા પામ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ૬૨૬ નવા કેસો નોંધાવવા પામ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં દેશમાં કોરોનાના ૩૧૫ નવા કેસો નોંધાયા છે. આ ત્રણ દિવસોમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં ૩૦૨ જયારે કેરળમાં ૨૪૧ , તામિલનાડુમાં ૧૨૪ અને દિલ્હીમાં ૧૨૦ કેસો નોંધાયા છે. જયારે દેશમાં કોરોના વાઈરસના કારણે મૃત્યાંક પર થઈ જવા પામ્યો છે. કોરોનાના વધતા આંક અંગે કેન્દ્રીય આરોગ્ય વિભાગના સંયુકત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતુકે લોકડાઉનમાં લોકોના સહકારના અભાવે અને દર્દીઓની યોગ્ય સમયે ઓળખના કારણે આ વધારો થવા પામ્યો છે.

મંગળવારે દેશમાં કોરોના વાયરસ ફેલાવાની ઝડપ બમણી થઈ ગઈ છે. ગઈકાલે જીવલેણ કોરોના વાયરસના ૩૧૫ કેસ નોંધાયા હતા. જેમાં કુલ કેસની સંખ્યા ૧૬૦૦ પર પહોચી ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્ર અને તમિલનાડુ ૫૭માંથી સૌથી વધુ કોરોના કેસ જો;વા મળ્યા છે. દિલ્હીમાં પણ ૨૩ કેસ નોંધાયા હતા. ગત સોમવારે દેશમાં ૨૨૭ નવા દર્દીઓ મળી આવ્યા હતા. સોમવાર સુધીમાં સંખ્યા ૧૩૪૭ હતી જોકે સરકાર હાલમાં કોરોના વાઈરસનો કોમ્યુનીટી સ્પ્રેડનોથ તબકકો આવ્યાનો ઈન્કાર કર્યો હતો.

ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ ૩૦ જાન્યુ.એ નોંધાયો તેના માત્ર બે મહિનામાં ૧૫૦૦ને પાર કરી ગયો ૧૪ માર્ચ પછી કેસોમાં અચાનક વધારો થયો છે. ૧૪ માર્ચે કેસની સંખ્યા માત્ર ૧૦૦ હતી. પછીના ૧૫ દિવસમાં , ૩૧ માર્ચ સુધીમાં ૧૬૦૦ ની આસપાસ પહોચી જવા પામી છે.

છેલ્લા ત્રણ દિવસનાં આંકડા જોઈએ તો ભારતમાં કોરોના ઝડપભેર ફેલાઈ રહ્યો છે. આ ત્રણ દિવસોમાં કુલ કેસમાંથી ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. કિસ્સાઓની સાથે, કોરોનાથી મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધી ૫૨ લોકોના મોત નિપજયા છે. મહારાષ્ટ્રમાં પણ સૌથી વધુ કેસો સાથે કોરોનાથી મૃત્યુ થયા છે.

તબલીગી જમાત કાર્યક્રમ પછી દિલ્હી સ્થિતિ પણ કથળી છે. મંગળવારે ૨૩ નવા દર્દીઓ દિલ્હીમાં નોંધાવા પામ્યા છે. ૧ થી ૧૫ માર્ચ માર્ચ દરમિયાન દેશભરના ૨૦૦૦ લોકો દિલ્હીના જમાત મુખ્યાલમાં મરકજમા રોકાયા હતા. રવિવારથી ૧૫૪૮ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી ૪૪૧ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મલ્યા છે.

દેશના કોરોનાના સંક્રમણના ફેલાવાના દિલ્હીના નિઝામુદીન વિસ્તારમાં યોજાયેલ ઈસ્લામિક મેળાવળા ઈજતેમાંમાં હાજરી આપનારાઓને લાગેલુ કોરોના વાયરસનું સંક્રમણ ચાવીરૂપ ઉદભવનું કારણ બન્યુ છે. ગુજરાત પોલીસે મંગળવારે જણાવ્યું તુ કે નિઝામુદીન વિસ્તારમાં થયેલા ઈજતેમામા રાજયનાં કેટલાક લોકો હાજર રહ્યા હતા તેમના દ્વારા રાજયમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.

પી શિવાનંદ ઝાએ જણાવ્યું હતુ કે પ્રાથમિક તબકકે દિલ્હીના એક કાર્યક્રમમાં હાજરી આપનારાઓની ઓળખ મેળવવાના આદેશો આપવામાં આવ્યા છે. પ્રાથમિક તબકકામાં મળેલી વિગતો મુજબ ભાવનગરના કેટલાક લોકો આ મહિનાના પ્રારંભમાં દિલ્હીના નિઝામુદીનમાં યોજયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા હોવાનું આ તપાસમાં ખૂલ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ વાત ધ્યાને લઈને જણાવ્યું હતુક અમે ગુજરાતનાં કેટલાક લોકોએ આ ધાર્મિક મેળાવળામાં હાજરી આપી હોવાની વાત ધ્યાને લીધે છે. અને આ અંગે તમામને સાવચેત કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદના ક્રાઈમ બ્રાંચ ડીસીપી દીપક વર્ધને એટીએસ સાથે સહયોગથી દિલ્હીના નિઝામુદીનમાં યોજાયેલા ઈજતેમામાં હાજરી આપીને આવેલાઓની ઓળખ આપીને સઘન કાર્યવાહી હાથ ધરી હોવાનું ડીસીપીએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતુ.

પ્રાથમિક તપાસમાં એવી વાત બહાર આવી છે કે ભાવનગરના કેટલાક લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી આવ્યા છે. આ અંગેની વધુ વિગતો મેળવીને તેના મૂળ સુધી તપાસ કરી સંક્રમણના ફેલાવાનો તાગ મેળવાય રહ્યો છે. શિવાનંદ ઝાએ જણાવ્યું હતુ કે અમે આ અંગેની તમામ વિગતો ચેપગ્રસ્ત લોકોને હોમકારોનટાઈનમાં આવા લોકોને લઈ લેવા માટે અમે માહિતી આરોગ્ય વિભાગને પૂરી પાડી દીધી છે.

વાયરસને અટકાવવા લોકડાઉન અતિ આવશ્યક: સુપ્રીમમાં સરકારનો જવાબ

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ લોકડાઉનના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. આ અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ એસ.એ. બોબડેની બેચ સમક્ષ સોલીસીટર જનરલ તૂષાર મહેતાએ સરકાર વતી જવાબ રજૂ કર્યો હતો. જેમાં વાઈરસને અટકાવવા લોકડાઉન અતિ આવશ્યક હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત સરકારે લોકડાઉન દરમ્યાન સ્થળાંતરીતોની પોતાના વતન તરફ થઈ રહેલી હિજરતને રોકવા કરેલા પ્રયાસોની માહિતી આપી હતી.

જેમાં ૬.૬૮ લાખ સ્થળાંતરીત લોકોને કામ ચલાઉ રહેઠાણ આપવામાં આવ્યાનું જયારે ૨૨.૮૮ લાખ સ્થળાંતરીત લોકોનો ખોરાક અને રાશનની વ્યવસ્થા કરવામાં આવ્યાનું સરકારે જણાવ્યું હતુ સીજેઆઈ બોબડેએ કોરોના વાયરસ અંગે ફેલાય રહેલા ફેક ન્યુઝને રોકવા સરકારને તુરંત કાર્યવાહી કરવા જણાવ્યું છે આ આફતની પળોમાં ૨૪ કલાકમાં મેડીકલ નિષ્ણાંત તબીબોની યાદી બનાવવા ઉપરાંત હવે સ્થળાંતરીતોની પોતાના વતન તરફની હિજરત નહી કરવા દેવાની સરકારને તાકીદ કરી છે.

વિશ્વભરમાં કોરોનાએ ૮ લાખથી વધુ લોકોને બીમાર પાડ્યા અને ૪૧ હજારથી વધુનો ભોગ લીધો

વિશ્ર્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબજ તેજ રફતારથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાએ ૮ લાખથી વધુ લોકોને બીમાર પાડ્યા છે અને ૪૧૦૦૦ લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. વર્તમાન સમયે કોરોના વાયરસ ૧૮૬ દેશોમાં ફેલાઈ ચૂકયો છે. કુલ ૮.૮૮ લાખથી વધુ લોકો બીમાર પડ્યા બાદ અત્યાર સુધીમાં ૧.૬૪ લાખ લોકો કોરોના વાયરસના સંક્રમણથી સાજા થઈ ચૂકયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના આંકડા મુજબ ઈટાલીમાં કોરોના વાયરસની સૌથી તિવ્ર અસર જોવા મળી છે. વર્તમાન સમયે કેટલાક દેશ કોરોનાના ટેસ્ટ ઓછા પ્રમાણમાં કરી રહ્યાં હોવાના કારણે હજુ સુધી સાચા આંકડા બહાર આવી શકયા નથી. અલબત સ્પેનમાં ૮૪૯ લોકોના મોત થયા બાદ કુલ મોતની સંખ્યા ૪૩૯૬એ પહોંચી ચૂકી છે. ફ્રાન્સમાં પણ મોતના કિસ્સા વધતા જઈ રહ્યાં છે. એકંદરે યુરોપમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે તેવું કહી શકાય.

ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં ૪૦ ટકાનો ઉછાળો

ચીન બાદ યુરોપ અને હવે અમેરિકામાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો રોકવા મોદી સરકારે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનનો નિણૅય કર્યો છે. આ લોકડાઉન દરમ્યાન નાગરીકોની યોગ્ય કાળજીના અભાવે હવે કોરોનાવાઈરસ દેશમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં કોરોના નવા ૬૨૬ કેસો નોંધાવા પામ્યા છે. જેથી આ ત્રણ દિવસના સમયગાળામાં દેશભરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ૪૦ ટકા જેવો ઉછાળો નોંધાવા પામ્યો છે. આ ઉછાળાથી ચિંતિત બનેલી કેન્દ્રા સરકારે હવે લોકડાઉનના કડક અમલ માટે આકરા પગલા લેવા પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

મરકજ મસ્જિદના જલસા મુદે ગુજરાત આઇબીએ રિપોર્ટ કરવામાં થાપ ખાધી?

સેન્ટ્રલ આઇબી અને સ્ટેટ આઇબીએ રિપોર્ટ કરવા છતાં તબલીગ જમાતે કેમ કાર્યક્રમ યોજયો?

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યા છે. અને છેલ્લા દસેક દિવસથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હીના નિઝામુદીન ખાતે આવેલી મરકજ મસ્જીદમાં મોટી સંખ્યામાં જમાત એકઠી થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તબલીગ જમાત કયાં યોજાવાની છે અને કેટલી સંખ્યામાં હશે સહિતના મુદે સેન્ટ્રલ આઇબી અને સ્ટેટ આઇબી દ્વારા રિપોર્ટ કરવા ફરજીયાત હોય છે તેમ છતાં તંત્ર દ્વારા પ્રતિબંધાત્કમ આદેશ કેમ કરવામાં ન આવ્યા કે ગુપ્તચર તંત્ર દ્વારા રિપોર્ટ જ કરવામાં થાપ ખાધી હતી સહિતના મુદે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલીયે ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

ગુજરાતમાંથી કયા શહેરમાંથી કેટલી સંખ્યામાં તબલીત જમાતમાં ભાગ લેવા ગયા હતા અને તેઓ હાલ કયાં છે તે મુદે એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી છે. અને મરકજ મસ્જીદમાં યોજાયેલી જલસા જમાતમાં ભાગ લેનારને શોધી કોરોના અંગેની તપાસ કરવામાં આવી રહી છે

બે અઠવાડિયામાં બે લાખથી વધુ અમેરિકન મૃત્યુ પામે તેવો એકરાર કરતા ટ્રમ્પ

કોરોના વાયરસનું નવું એપી સેન્ટર અમેરિકા બની ગયું છે. અમેરિકામાં લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમીત છે. દરરોજ આ આંકડો સતત વધી રહ્યો છે. બે દિવસ પહેલા એમ જણાતું હતું કે, એક અઠવાડિયામાં અમેરિકામાં ૧ લાખ જેટલા મોત થશે પરંતુ અમેરિકાના પ્રમુખ ખુદ બે લાખ લોકોના મોત થાય તેવી દહેશતથી ફફડી ચૂકયા છે. વર્તમાન સમયે અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણ બેકાબૂ બની ગયું છે. કેલીફોર્નિયા, ન્યુયોર્ક સહિતના મસમોટા વિસ્તારોમાં કોરોના વાયરસના પગલે લોકો માંદા પડી રહ્યાં છે. અમેરિકાના ૧૩ જેટલા રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં હોવાથી સરકાર પણ મુંઝવણમાં મુકાઈ ચૂકી છે. અમેરિકા જેવા જગત જમાદારને પણ કોરોના વાયરસે માંદગીના બીછાને પાડી દીધો છે. ત્યારે અન્ય અલ્પ વિકસીત દેશો કોરોનાને રોકવાની કોઈ વિસાત ન હોય તેવું ફલીત થઈ રહ્યું છે. થોડા સમય પહેલા અમેરિકામાં ૪ હજાર લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું હતું. અલબત આવતા અઠવાડિયે આ મોતનો આંકડો અનેક ગણો વધી જાય તેવી સંભાવના છે. યુરોપ અને એશિયાની જેમ અમેરિકા પણ વાયરસના સકંજામાં આવી ચૂકયું છે. લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. અલબત ભારતની જેમ સજ્જડ લોકડાઉન ન હોવાના કારણે અમેરિકામાં કેસ હજુ પણ વધી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.