ગુજરાતમાં ‘વામણા’ પુરવાર થયેલા કોંગ્રેસી નેતા દિલ્હીમાં ‘વિરાટ’ પુરવાર થશે?

35

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિષ્ફળ નિવડેલા શકિતસિંહ ગોહીલને દિલ્હી કોંગ્રેસના પ્રભારી બનાવાયા

દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસની છેલ્લા એકાદ દાયકાથી માઠી બેઠી છે. કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી જુથબંધી, દરેક કાર્યકરની પોતાની જાતને નેતા સમજવાની માનસિકતા, હાઇકમાન્ડના નેતાઓમાં દિર્ધદ્રષ્ટિનો અભાવ વગેરે જેવી અનેક સમસ્યાઓને કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ દીનપ્રતિદિન કથડી રહી છે. તાજેતરમાં આવેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ૭૦ બેઠકોમાંથી ફરીથી કોંગ્રેસ એકપણ બેઠક જીત શકી નથી. માત્ર એટલું જ નહીં કોંગ્રેસે ઉભા રાખેલા ૬૭માંથી ૬૪ ઉમેદવારોએ પોતાની ડીપોઝીટ પણ ગુનાવી હતી. પાર્ટીના આવા કરુણ રકાસ બાદ દિલ્હી કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરુ થયો છે. દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી.સી. ચાકોએ રાજીનામુ આપતા હાઇકમાન્ડે રાષ્ટ્રીય મંત્રી શકિતસિંહ ગોહીલને દિલ્હી કોંગ્રેસનો હવાલો સોંપ્યો છે. જો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિષ્ફળ રહેલા શકિતસિંહ દિલ્હીમાં પાર્ટીને કેવી રીતે બેઠી કરી શકશે જે લાખ મણનો પ્રશ્ર્ન રાજકીય પંડીતોમાં ઉભો થવા પામ્યો છે.

દિલ્હી વિધાનસભામાં કારમા પરાજય બાદ પ્રદેશ કોગ્રેસના પ્રભારી પી.સી. ચાકો અને પ્રદેશ પ્રમુખ સુભાષ ચોપરાએ હાર માટે પોતાની જવાબદારી સ્વીકારીને પોતાના પદો પરથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસ અઘ્યક્ષ સોનીયા ગાંધીએ આ બન્ને નેતાઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો. જે બાદ સોનિયાએ રાષ્ટ્રીય મંત્રી એવા શકિતસિંહ ગોહીલને દિલ્હી કોંગ્રેસના પ્રભારી બનાવવાની જાહેરાત કરી હતી. શકિતસિંહ હાલમાં બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે કાર્યરત છે. પાર્ટીએ આ બન્ને પદાધિકારીઓના રાજીનામાનો સ્વીકાર કરવાની સાથે તેમણે કરેલી કામગીરીને બિરદાવી હતી. ચાકોએ રાજીનામું આપતા સીમયે દિલ્હીમાં કારમાં પરાજય માટે પોતાની પોતાની જવાબદારી સ્વીકારી હતી. જયારે તાજેતરમાં પ્રદેશ પ્રમુખ તરીકે વરાયેલા સુભાષ ચોપરાએ પણ આ જ મુદ્દા પર પોતાનું રાજીનામું આપ્યું હતું.

જેમની દિલ્હી કોંગ્રેસના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે તેવા રાષ્ટ્રીય મંત્રી શકિતસિંહ ગોહીલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે ભૂતકાળમાં સેવાઓ આપી ચુકયા છે. જેઓ ગુજરાતમાં કોંગે્રસને સત્તા આપવવામાં નિષ્ફળ રહેતા તેમને પોતાના હોદા પરથી રાજીનામુ આપ્યું હતું. જે બાદ પાર્ટીએ તેમને કેન્દ્રમાં લઇ જઇને રાષ્ટ્રીય મંત્રી અને પ્રવકતા બનાવ્યા છે. આગામી વર્ષે જયા ચૂંટણી યોજાનારી છે. તેવા મહત્વપૂર્ણ બિહાર રાજયમાં કોંગ્રેસને સત્તા અપાવવાની જવાબદારી પણ હાઇકમાન્ડે શકિતસિંહના શિરે નાખી છે. જેથી, બેવડી જવાબદારી નિભાવવા શકિતસિંહ પર આ ત્રીજી  જવાબદારી આવી પડી છે. જેઓ ત્રેવડી ભૂમિકા ભજવીને દિલ્હીમાં કોંગ્રેસને કેવી રીતે બેઠી કરી શકશે જેવા અનેક પ્રશ્ર્નાર્થે રાજકીય પંડીતોમાં થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫માં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ૯.૫ ટકા હતો તો આ ચૂંટણી બાદ ૪.૨૬ ટકા જેટલો નીચો આવી જવા પામ્યો છે. જેથી દિલ્હીમાં કોંગ્રેસને ફરીથી નવસર્જન કરવાની જવાબદારી ગોહીલના શિરે આવી પડી છે.

Loading...