Abtak Media Google News

એકતરફ રાજકોટ પાસે ૨૭૦૦ કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે ત્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટો બંધ થશે તો સૌરાષ્ટ્રની એરકનેકટીવિટી વિખેરાય જવાની સંભાવના

સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા વર્ષોથી ખોટ કરી રહી છે અને તેની ખોટમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. હાલમાં એર ઈન્ડિયા ઉપર ૫૫ હજાર કરોડનું અધધધ… દેવું થઈ ગયું હોય કેન્દ્રની મોદી સરકારે તેનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગત વર્ષે એર ઈન્ડિયાના ખરીદદાર શોધવામાં નિષ્ફળ રહેલી કેન્દ્ર સરકારે હવે નવેસરી બિડની પ્રક્રિયા હાથ ધરી છે. જો કે, આટલા અધધધ… દેવા સાથે એર ઈન્ડિયાને ખરીદવા કોઈ તૈયાર ન થાય તેવી સ્થિતિમાં મોદી સરકારે ૩૦ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની યોજના બનાવી છે. તેમ છતાં જો કોઈ ખરીદદાર નહીં મળે તો કંપનીને બંધ કરવા સુધીનો આખરી નિર્ણય લેવાશે. જો આમ બનશે તો એર ઈન્ડિયાની ઉડતી પાંખો કપાઈ જશે. જેનાથી મુખ્યત્વે એર ઇન્ડિયા પર જ નિર્ભર રાજકોટ સહિત સૌરાષ્ટ્રની એરકનેક્ટીવિટી વિખેરાય જેવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલી એરલાઇન્સ, એર ઇન્ડિયાના ખરીદદારોને આકર્ષિત કરવા માટે કંપની પરનું અડધાથી વધુ દેવું માફ કરવાની વિચારણા કરી રહી છે. આ અંગે આધારભૂત સૂત્રોએ આ માહિતી આપી હતી. એર ઇન્ડિયા પર લગભગ ૫૫ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સૂચિત રોકાણકારોને કંપનીના ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની યોજના બનાવી છે. સરકાર કંપનીને વેચવા માટે ૧૫ ડિસેમ્બરે વ્યાજની રકમની રજૂઆત કરી શકે છે. ગયા વર્ષે કંપની માટે ખરીદદાર શોધવામાં નિષ્ફળ રહેલી મોદી સરકાર વસૂલાતમાં થયેલો ઘટાડો અને ૨૦ અબજ ડોલરના કોર્પોરેટ ટેક્સ ઘટાડા બાદ ઉભી થયેલી નાણાકીય ખાધને પહોંચી વળવા જેટલી વહેલી તકે કંપનીને વેચવાની આતુર છે. ગયા અઠવાડિયે, કેન્દ્ર સરકારે દેશની બીજી સૌથી મોટી સરકારી રિફાઇનર કંપની અને તેની સૌથી મોટી શિપિંગ કંપની વેચવાનો નિર્ણય કર્યો હતો.

7537D2F3 3

આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, જો નુકસાનની સ્થિતિવાળી સરકાર સંચાલિત એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં કરવામાં આવે તો તેને બંધ કરવું પડશે. બુધવારે થયેલી ચર્ચાના જવાબમાં પુરીએ કહ્યું કે સરકાર સરકારી એરલાઇન માટેના સોદા માટે પ્રતિબદ્ધ છે જે તેના તમામ કર્મચારીઓના હિતને અનુરૂપ છે. તેમણે કહ્યું કે સરકાર બિડને આમંત્રણ આપવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે. તેમાં એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે અને તેના ખાનગીકરણ સુધી કામદારોની નોકરી નહીં જાય. રાજ્યસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં પુરીએ કહ્યું કે, જો એરલાઇન્સનું ખાનગીકરણ કરવામાં નહીં આવે તો તેઓને બંધ કરવી પડશે. ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલુ છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી બિડ મંગાવવામાં આવશે. પુરીએ વધુમાં કહ્યું હતું કે, અમે કેટલાક નિર્ણયો લીધા છે. અન્ય નિર્ણયોની પ્રક્રિયા પ્રગતિમાં છે. બિડને આમંત્રણ આપ્યા પછી, અમે જોઈશું કે કેટલી બિડ મળી છે. કર્મચારીઓના હિતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, અમે તમામ કર્મચારીઓના હિતો સાથે વ્યવહાર કરવા કટિબદ્ધ છીએ. તેમણે એર ઈન્ડિયામાં નાણાકીય કટોકટીને ધ્યાનમાં રાખીને પગારના અભાવને લીધે ચાલતા પાઇલટોને લગતા પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે નાણાકીય કટોકટીની વાત યોગ્ય છે, પરંતુ ચુકવણી નહીં થવાને કારણે પાઇલટની નોકરી છોડી દેવા અંગેની માહિતી તેમના મંત્રાલયના ધ્યાને આવી નથી. પુરીએ ઉમેર્યું હતું કે જ્યારે એર ઇન્ડિયા નાણાકીય સંકટનો સમયગાળામાં હતો ત્યારે કેટલાક કર્મચારીઓના ૨૫ ટકા પગારની ચુકવણીમાં વિલંબ થયો હતો. આ કર્મચારીઓના બાકી પગાર ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂકવવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા એર ઈન્ડિયા કંપનીને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની એર કનેકટીવીટી વેરવિખેર થઈ જવાની સંભાવના વ્યકત થઈ રહી છે. સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન ગણાતા રાજકોટથી દેશનાં પાટનગર દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈ વચ્ચે એર ઈન્ડિયાની ફલાઈટો ચાલે છે. પ્લેનમાં મુંબઈ અને દિલ્હી જતા મહતમ મુસાફરો આ ફલાઈટમાં જ પ્રવાસ કરે છે. જેથી ફલાઈટો બંધ થઈ જાય તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની એર કનેકટીવીટી ફરીથી વિખેરાઈ જશે. જામનગર, પોરબંદર, દિવ સહિતનાં એરપોર્ટ પરથી પણ એર ઈન્ડિયાની ફલાઈટો મુંબઈ-દિલ્હી વચ્ચે ઉડે છે. આ ફલાઈટો બંધ થાય તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વેપાર ઉધોગને ભારે નુકસાની જવાની સંભાવના વ્યકત થઈ રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર રાજકોટ પાસે ૨૭૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવી રહી છે ત્યારે રાજકોટની ઉડતી એર ઈન્ડિયાની ફલાઈટો બંધ થઈ જવાથી આ એરપોર્ટ પરની ગણી ગાંઠી ફલાઈટો ચાલશે. જેનાથી ખાનગી વિમાની કંપનીઓને ફાયદો થશે જેની પ્રજાના કરોડો રૂ.નાં ખર્ચે બનનારા આ એરપોર્ટ બનાવવાનો ઉદેશ્ય માર્યો જશે તેવું ઉધોગ જગતનાં આગેવાનોએ સંભાવના વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.