Abtak Media Google News

જિલ્લા કોંગ્રેસ અને જિલ્લા પંચાયતના આગેવાનો દ્વારા પાક વિમા પ્રશ્ર્ને ઉગ્ર રજૂઆત

રાજકોટ જિલ્લાના ખેડૂતોને વર્ષ ૨૦૧૬-૧૭ના કપાસના પાક વિમામાં હળહળતો અન્યાય કરી કોઈપણ કારણોસર સરકાર દ્વારા વિમો ચૂકવવામાં ન આવતા આજે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ વિરાણી, સદસ્ય નાનજીભાઈ ડોડીયાની આગેવાની હેઠળ કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી તાકીદે કપાસનો વિમો ચુકવવા માંગણી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વિમો સરકાર દ્વારા ચૂકવવામાં ન આવતા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી મગફળીનો વિમો આડેધડ ચૂકવી ખેડૂતોને રમાડવા જેવી સ્થિતિ ઉભી કરી છે. ત્યારે કપાસનો વીમો તો સદંતરપણે ચૂકવ્યો જ ન હોય તાકીદે પાક વિમો ચૂકવવા માંગ ઉઠાવવામાં આવી હતી.

વધુમાં કોંગી આગેવાનો દ્વારા ખેડૂતોને પાક વિમાની સો સો યુરીયા, સુપર સહિતના ખાતરોમાં સરકાર દ્વારા ઝીંકવામાં આવેલો ભાવ વધારો અયોગ્ય ગણાવી ખેડૂતોને ન્યાય આપવા માંગ કરી હતી અને જો સરકારની આવીને આવી નીતિ ચાલુ રહી તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવું જણાવ્યું હતું.રજૂઆતના અંતે કોંગ્રેસી આગેવાનો દ્વારા ખેડૂતો ઉગ્ર આંદોલન કરે તે પૂર્વે ખાતર અને પાક વિમાના પ્રશ્ર્ને સરકાર હળહળતો અન્યાય બંધ કરે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ વિરાણી, સિંચાઈ સમીતીના ચેરમેન ધીરૂભાઈ પાઘડાર, સામાજીક ન્યાય સમીતીના સોમાભાઈ મકવાણા, નાનજીભાઈ ડોડીયા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો હાજર રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.